મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં માતા- પિતા કે બેમાંથી કોઇ એક ગુમાવી ચુકેલા બાળકોને અદાણી ફાઉન્ડેશન રૂ. પાંચ કરોડની સહાય કરશે. હાલ આ રકમ ફિક્સ ડિપોઝિટમાં મુકાશે. બાળકોની જરૂરિયાત પૂરી કરવા વ્યાજની રકમ અકબંધ રહેશે. આ સાથે જ પતિ ગુમાવનાર સગર્ભાની કુખમાં ઉછરી રહેલા બાળકને પણ રૂ. 25 લાખની સહાય કરાશે. આ માટે અદાણી ફાઉન્ડેશને મોરબી જિલ્લા કલેક્ટરને સંકલ્પપત્ર આપ્યો છે.
મોરબીમાં મચ્છુ નદી પર 1880માં બંધાયેલો ઐતિહાસીક ઝૂલતો પુલ 30 ઓક્ટોબર 2022ની સાંજે તૂટી પડ્યો હતો. જેમાં 135થી વધુના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સત્તાવાર રેકોર્ડ મુજબ, સાત બાળકે મોરબીની ઘટનામાં માતા- પિતા બંને ગુમાવ્યા છે અને 12 બાળકે માતા-પિતા પૈકી એકની છત્રછાયા ગુમાવી છે. અદાણી ફાઉન્ડેશન મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને બાળકોને ભવિષ્યમાં ઉપયોગી થઇ શકે તેવી તમામ વ્યવસ્થા કરશે.
અસરગ્રસ્ત બાળકોને યોગ્ય શિક્ષણ પણ મળવું જોઈએ
આ કમનસીબ ઘટનાથી અતિ વ્યથિત છીએ અને પોતાના સ્વજનો ગુમાવનારાના પ્રચંડ દર્દમાં અમારી સંવેદના છીએ. સૌથી વધુ ગંભીર અસરગ્રસ્તોમાં બાળકો પણ છે, જેમાંથી ઘણાંને હજુ કહેવામાં પણ આવ્યું નથી કે તેમના માતા-પિતા ક્યારેય પાછા ફરવાના નથી. આ મુશ્કેલ ઘડીમાં બાળકો યોગ્ય શિક્ષણ મેળવે અને તેમને સારું જીવન જીવવાનું સાધન ઉપલબ્ધ થાય તે માટે અમે તેમના વિકાસના વર્ષોમાં નાણાકીય સહાય આપવા માટે ફંડ સ્થાપવાનું નક્કી કર્યું છે. - ડો. પ્રીતિ જી. અદાણી, ચેરપર્સન - અદાણી ફાઉન્ડેશન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.