તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાયલ રોહતગીને જામીન:એક્ટ્રેસને સો.મીડિયામાં વિવાદિત ટિપ્પણી ન કરવાની શરતે જામીન મળ્યા, દર મહિને પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે

અમદાવાદ3 મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • પાયલે સોસાયટીના વ્હોટ્સએપ ગ્રુપમાં પણ અભદ્ર અને બીભત્સ મેસેજ મૂક્યા હતા
  • ગ્રામ્ય કોર્ટે એક્ટ્રેસને સો.મીડિયા પર વિવાદિત ટિપ્પણી ન કરવાની શરતે જામીન આપ્યા

બોલિવૂડની એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક વખત વિવાદમાં આવી છે. સેટેલાઇટ વિસ્તારમાં પોતાની સોસાયટીના સભ્યોની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર અને બીભત્સ ભાષામાં કૉમેન્ટ લખી ડિલિટ કરી નાખતી હતી. એક્ટ્રેસ સોસાયટીની મીટિંગમાં સભ્ય ન હોવા છતાં આવીને સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં સોસાયટીના ચેરમેને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. હવે એક્ટ્રેસને ગ્રામ્ય કોર્ટે જામીન આપી દીધા છે.

પાયલ રોહતગીને ગ્રામ્ય કોર્ટે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ ટિપ્પણી નહીં કરવાની શરતે જામીન આપ્યા છે. સાથે જ ચાર્જશીટ થાય ત્યાં સુધી એક્ટ્રેસે દર મહિને એકવાર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે અને કોર્ટની પરવાનગી વગર તે પોતાનું સરનામું નહીં બદલી શકે.

પાયલ રોહતગીની ફાઈલ તસવીર.
પાયલ રોહતગીની ફાઈલ તસવીર.

સેટેલાઈટમાં માતા-પિતા સાથે ફ્લેટમાં રહે છે એક્ટ્રેસ
ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાયલ રોહતગી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને એ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.​​ પ્રાપ્ત વિગતો મુજબ, સેટેલાઈટ સુંદરવન એપાર્ટમેન્ટમાં એક્ટ્રેસ પાયલ રોહતગી તેનાં માતા-પિતા સાથે રહે છે. ફલેટમાં ડોકટર પરાગભાઇ શાહ રહે છે. તેઓ સોસાયટીમાં છ મહિનાથી ચેરમેન છે. 20મી જૂનના દિવસે સોસાયટીના સભ્યોની એજીએમ (મીટિંગ) હતી. એમાં સોસાયટીના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા.

પાયલ રોહતગીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ.
પાયલ રોહતગીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ.

સોસાયટીની મીટિંગમાં સભ્યો સાથે ગાળાગાળી કરી
જોકે પાયલ સભ્ય ન હોવા છતાં બેઠકમાં આવી હતી, જેથી ચેરમેને તેને કહ્યું હતું કે તમારાં માતા-પિતા સભ્ય છે. તમારાં માતા હાજર છે, તમે સભ્ય ન હોવાથી વચ્ચે ન બોલશો. આમ કહેતાં જ પાયલે સભ્યો સાથે બીભત્સ ભાષામાં વાત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ પાયલ રોહતગીએ વીડિયો-રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.

ફાઈલ તસવીર.
ફાઈલ તસવીર.

વ્હોટ્સએપ ગ્રુપમાં બીભત્સ મેસેજ મૂક્યા
એક્ટ્રેસે સોસાયટીના વ્હોટ્સએપ ગ્રુપમાં પણ અભદ્ર અને બીભત્સ મેસેજ મૂક્યા હતા, જેમાં સભ્યોની ટકોર બાદ એને ડિલિટ કર્યા હતા. પાયલે માર્ચ મહિનાથી ઈન્સ્ટાગ્રામ પર સોસાયટીના જે સભ્યોને ચાર-પાંચ બાળકો હોય તેમના પર વીડિયો અપલોડ કરી હિન્દી ભાષામાં કહ્યું હતું કે "ફેમિલી પ્લાનિંગ નથી કરતા. અમારા સોસાયટીમાં અમુક લોકો ફેમિલી પ્લાનિંગ વિશે વિચારતા નથી. હમારી સોસાયટી કા ચેરમેન હૈ વો ગુંડાગીરી કરતા હૈ." પાયલે આવી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી.

સોસાયટીના સભ્યો વિરુદ્ધ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી
સોસાયટીના સભ્ય જયેશ વિશે પણ " જયેશ કરકે કોઈ ડોકટર હૈ, વો ગુંડે કઈ તરહ ચિલ્લા રહા થા કે બિચારા મેરી વજહ સે પાગલ ન હો જાયે, એવી કોમેન્ટ પણ કરી હતી. પાયલે સોસાયટી ગેરકાયદે હોવાનું લખાણ પણ લખ્યું હતું. ઉપરાંત તેણે સોસાયટીનાં બાળકોને પણ 'અહીં રમશો તો ટાંટિયા ભાંગી નાખીશ' એવી ધમકીઓ આપી હતી. ટ્વિટર પર ઉશ્કેરણીજનક મેસેજ મૂકતાં ટ્વીટરે પણ તેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ બ્લોક કર્યું છે. રાજસ્થાન પોલીસ વિશે પણ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી કરતાં કાર્યવાહી થઈ છે. આ મામલે સોસાયટીના ચેરમેને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતાં પોલીસે ગુનો નોંધી પાયલ રોહતગીની ધરપકડ કરી છે.