એક્સક્લૂઝિવ:અમદાવાદમાં દારૂડિયો દીકરી અને પત્નીને મારતો ને ભૂખ્યાં તરસ્યાં રાખતો, ટ્વીટ થતાં એક્ટર વરૂણ ધવન મદદે આવ્યા

અમદાવાદ18 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત
  • વરૂણ ધવનની ટીમ અમદાવાદ આવી અને પીડિત માતા-દીકરીને જમવાનું આપ્યું
  • વરૂણ ધવને અમદાવાદ પોલીસને મદદ માટે ટ્વીટ કર્યું હતું
  • રાતે 11 વાગે દીકરીએ સોશિયલ મીડિયામાં મદદ માગી, વરૂણ ધવને 2 વાગ્યે રિપ્લાય કર્યો

સોશિયલ મીડિયાની સારી અને નરસી એમ બે પ્રકારની અસરો આપણે જોઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં દારૂડિયાના ત્રાસથી તેની પત્ની અને દીકરી પરેશાન હતાં. દીકરીએ સોશિયલ સાઈટ્સ ટ્વીટર પરથી મદદ માગી તો બોલિવૂડ સ્ટાર વરૂણ ધવન મદદે દોડી આવ્યા હતા. દારૂડિયો તેની પત્ની અને દીકરીને માર મારતો અને ભૂખ્યાં તરસ્યાં રાખતો હતો. વરૂણ ધવને અમદાવાદી દીકરીની ટ્વીટને રાતે બે વાગ્યે રિપ્લાય કરી અમદાવાદ પોલીસને મદદ માટે ટેગ કર્યા હતા. તેની સાથે વરૂણ ધવનની ટીમ આ પીડિત પરિવાર સુધી પહોંચી ગઇ હતી.

અમદાવાદ પોલીસ પણ મદદે દોડી ગઈ
વરૂણ ધવનની ટીમે તેમના જમવાની વ્યવસ્થા કરી આપી હતી. આ પરિવારને અમદાવાદ પોલીસ દ્વારા પણ મદદ કરવામાં આવી છે. હાલ પરેશાન કરતા પિતા સામે પોલીસે કાર્યવાહી કરી છે. હાલ તેને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. બોલિવૂડ એક્ટર વરૂણ ધવન અને પોલીસની મદદથી આજે એક પીડિત પરિવારને ન્યાય મળ્યો છે.

પિતા રોજ દારૂ પીતાને માર મારતા
આ યાતનામાંથી પસાર થયેલી દીકરીએ દિવ્યભાસ્કર સાથે વાત કરી હતી કે, તેને તેના પિતા માર મારતા હતા. તેના પિતા રોજ દારૂ પીતા હતા. એક વખત મારી માતાએ દારૂની બોટલ નાખી દેવાનો પ્રયાસ કર્યો તો તેને ચાર-પાંચ લાફા ઝીંકી દીધા હતા. મને અને મારી માતાને મારા પિતા બાંધીને રાખતા હતા. મેં સોશિયલ મીડિયામાં મદદ માંગી અને વરૂણ ધવને મારી સાથે વાત કરી અને કહ્યું કે તમારી સાથે ખરાબ થયું છે. અમે તમારી તમામ મદદ કરીશું. આજે પણ વરૂણ ધવનની ટીમ અમારો રોજ સંપર્ક કરે છે અને અમને મદદ કરી રહી છે.

દીકરીની આજીજીથી વરૂણની ટીમ એક્શનમાં
અમદાવાદને અડીને આવેલા હાથીજણ પાસેનું વિવેકાનંદનગર હાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. તેનું કારણ અહીંયા રહેતી એક દીકરી અને માતાએ મદદ માટેની આજીજી કરેલી એટલે તેને મદદ કરવા બોલિવૂડ એક્ટર અને તેની ટીમ એક્શનમાં આવી તેથી છે. આ સમગ્ર મામલાની 22મી મેના રોજ શરૂઆત થઇ હતી. રાતે 11 વાગે એક ટ્વીટ થયું જેમાં લખ્યું હતું. મારા પિતા મારી અને મારી માતાને અનેક વખત માર મારે છે. તેઓ આવું રોજ કરે છે, અમને જમવા પણ દેતા નથી અને ગંદી ભાષામાં વાત કરે છે.

એક્ટરે જમવાનું પહોંચાડ્યું અને અન્ય મદદ માટે તૈયાર
આ ટ્વીટ થયાના ગણતરીના કલાકમાંમાં તેના પર એક્ટર વરૂણ ધવનની નજર પડી હતી. વરૂણ ધવને આ ટ્વીટનો રાતે બે વાગ્યે રિપ્લાય કર્યો હતો અને તેને બનતી મદદ કરવા માટે કહ્યું હતું. બીજા દિવસે વરૂણ ધવનની ટીમ તે પરિવારની મદદ પહોંચ્યો હતો. તેણે તેમને જમવાની વ્યવસ્થા કરી આપી હતી. એટલું જ નહીં, તેણે અમદાવાદ પોલીસને ટેગ કરીને મદદ માટે જણાવ્યું હતું. આ જોઇને અમદાવાદ શહેરના આઇજીપી અજય ચૌધરીએ મહિલા પોલીસને જાણ કરીને તેમની મદદ માટે જવા કહ્યું હતું.

અમદાવાદ પોલીસ રિટ્વીટ બાદ એક્શનમાં આવી
મહિલા પોલીસની ટીમ આ દીકરીનો સંપર્ક કર્યો હતો અને તેને મદદ કરવાની તૈયારી બતાવી હતી. આ પીડિત પરિવાર અમદાવાદ જિલ્લાની હદમાં રહેતો હતો, તેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે આખા મામલે ખરાઇ કરી હતી અને દીકરી તથા તેની માતાને પરેશાન કરતા પિતા સામે અટકાયતી પગલાં ભરીને ધરપકડ કરી છે. હાલ આરોપીને જેલમાં રાખવામાં આવ્યો છે.

(વિડીયો ઇનપુટ: હરિઓમ શર્મા)

અન્ય સમાચારો પણ છે...