અમદાવાદમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ વાહન લઈને સ્કૂલે જતાં હોય છે. ત્યારે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજે વહેલી સવારે ઈન્દિરા બ્રિજ પાસે એક્ટિવા લઈને સ્કૂલે જતાં વિદ્યાર્થી સ્લીપ ખાઈ ગયો અને મોતને ભેટ્યો હતો. જ્યારે તેની સાથે રહેલી અન્ય એક વિદ્યાર્થિનીને સામાન્ય ઈજા પહોંચી હતી. પોલીસે આ ઘટનાને પગલે વધુ તપાસ હાથ ઘરી છે.
ફોન કરીને એક્ટિવા સ્લીપ થયાંની જાણ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે કુબેરનગરમાં ભાગ્યોદય સોસાયટીમાં રહેતા હીરાનંદ ગનવાણી રેડિમેડ કપડાંનો ધંધો કરે છે. તેઓ તથા તેમની દીકરીઓ તેમના બનેવીના એક્ટિવાનો ઉપયોગ કરે છે. હીરાનંદે પોલીસને જણાવ્યું હતું કે, આજે સવારે સાતેક વાગ્યાના સુમારે મારી દીકરી ભૂમિનો ફોન આવ્યો હતો કે, પાડોશમાં રહેતાં તેના મિત્ર દેવેશ સાથે એક્ટિવા પર સ્કૂલે જતાં હતાં. ત્યારે ભદ્રેશ્વર ત્રણ રસ્તાથી ઈન્દિરાબ્રિજ તરફ એક્ટિવા પર જતાં હતાં. આ દરમિયાન દેવેશનું એક્ટિવા પરથી બેલેન્સ જતું રહેતા એક્ટિવા સ્લીપ ખાઈ ગયું હતું. જેમાં દેવેશને માથામાં ઈજા પહોંચી છે
.
108 ઘટનાસ્થળે દોડી ગઈ
આ ફોન બાદ હિરાનંદ તરત ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ત્યાં જઈને જોતા દેવેશના માથાના ભાગે ઈજા પહોંચી હતી. 108 વાળાઓએ તેને મૃત જાહેર કર્યો હતો. હિરાનંદની દીકરી ભૂમિને જમણા હાથે ઈજા થઈ હતી. તેને હિરાનંદના મોટાભાઈ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જ્યાં ભૂમિ સંપૂર્ણ ભાનમાં હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો તથા ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો મદદ માટે દોડી આવ્યા હતાં અને 108ને જાણ કરી હતી. પોલીસને પણ આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.