અકસ્માત:અમદાવાદથી નડિયાદ જતી એસટી બસ નીચે એક્ટિવાચાલક કચડાયો, શહેરમાં બે દિવસમાં પાંચ અકસ્માતમાં 6નાં મોત

અમદાવાદ10 દિવસ પહેલા
બસની નીચે કચડાયેલા એક્ટિવાચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.
  • ટ્રાફિક-પોલીસે CCTV કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે
  • લોકોએ એક્ટિવાચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો

અમદાવાદમાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં મણિનગર વિસ્તારમાં જવાહર ચોક ચાર રસ્તા પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. અમદાવાદથી નડિયાદ જતી ST બસ નીચે એક્ટિવાચાલક કચડાયો છે. એક્ટિવા આખું બસની નીચે આવી જતાં લોકોએ ભેગા થઈને એક્ટિવાચાલકને બસની નીચેથી ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો. બાદમાં 108 બોલાવીને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.

એસટી બસને ટ્રાફિક-પોલીસ સ્ટેશન લઈ જવાઈ
અકસ્માતને પગલે જવાહર ચાર રસ્તા પાસે ટ્રાફિકજામ થતાં ઈસનપુર- મણિનગર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને જામ થયેલા ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. અકસ્માત અંગે ટ્રાફિક વિભાગને જાણ કરતાં બસની નીચે ઘૂસેલા એક્ટિવાને બહાર કાઢ્યું હતું અને એસટી બસને ટ્રાફિક-પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી. બસમાં બેઠેલા તમામ મુસાફરો ડરને લીધે નીચે ઊતરીને ચાલવા માંડ્યા હતા. જવાહર ચોક ચાર રસ્તા પરના CCTV કેમેરામાં આ ઘટના કેદ થઈ હોવાની વાતને લઈને ટ્રાફિક વિભાગે તપાસ શરૂ કરી છે.

જવાહર ચોક ચાર રસ્તા પાસે જ અકસ્માત થયો.
જવાહર ચોક ચાર રસ્તા પાસે જ અકસ્માત થયો.

અમદાવાદ શહેરમાં બે દિવસમાં પાંચ અકસ્માતમાં 6નાં મોત
ઘટના-1. પતિએ કાબૂ ગુમાવતાં કાર પલટી- માતા-પુત્રીનાં મોત
શેલા ગામે રહેતા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર વિશાલ પાટડિયા લાઈટ જવાથી બે વર્ષની પુત્રીને ગરમી થતી હોવાથી પત્ની-પુત્રીને કારમાં ગોડાઉન પર લઈ જતા હતા. ગફલતને કારણે કાર ટ્રકની પાછળ અથડાતાં વિશાલભાઈનાં પત્ની અને પુત્રીનાં મૃત્યુ નીપજ્યાં હતાં. વિશાલભાઈની હાલમાં સારવાર ચાલી રહી છે.

ઘટના.2 લોડિંગ રિક્ષાની એક્ટિવાને ટક્કરથી પત્નીનું મૃત્યુ, પતિને ઈજા
કાગડાપીઠમાં અણુવ્રત સર્કલ પાસે લોડિંગ રિક્ષાએ એક્ટિવાને ટક્કર મારતાં પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું અને પતિને ઈજા પહોંચી છે. અમરાઈવાડીમાં રહેતા ભરતભાઈ જાધવભાઈ પ્રજાપતિ અને તેમનાં પત્ની મિતલબહેન એક્ટિવા પર આવી રહ્યા હતા. આ સમયે એક લોડિંગ રિક્ષા પલટી ખાઈ ભરતભાઈના એક્ટિવા સાથે અથડાઈ હતી. એક્ટિવા પલટી ખાઈ જતાં દંપતીને ઈજા પહોંચી હતી. બેભાન થઈ ગયેલાં મિતલબહેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસે બસની નીચેથી એક્ટિવા બહાર કાઢ્યું.
પોલીસે બસની નીચેથી એક્ટિવા બહાર કાઢ્યું.

ઘટના-3. રોડ ક્રોસ કરી રહેલા પ્રૌઢને ઉડાવી વાહન પલાયન
દહેગામ રિંગ રોડ સર્કલથી રણાસણ ટોલટેક્સ જવાના રોડ પર હિટ એન્ડ રનમાં પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું હતું. નિકોલ ગામમાં રહેતા દિલીપભાઈ પવારના પિતા અશોકભાઈ ચાલીને જતા હતા. રોડ ક્રોસ કરી રહેલા અશોકભાઈને ટક્કર મારીને અજાણ્યું વાહન પલાયન થઈ ગયું હતું. હિટ એન્ડ રનમાં અશોકભાઈનું મૃત્યુ નીપજતા જી ડિવિઝન ટ્રાફિક- પોલીસે વાહનની શોધખોળ શરૂ કરી છે.

ઘટના-4. રાયપુરમાં એએમટીએસ બસે ટક્કર મારતાં પ્રૌઢનું મૃત્યુ
રાયપુર ચાર રસ્તાથી બિગ બજાર જતા રસ્તા પર કામનાથ મહાદેવ મંદિર સામે એએમટીએસ બસે ટક્કર મારતાં પ્રૌઢનું મત્યુ નીપજ્યું હતું. થલતેજમાં રહેતા ઓમકારનાથ જોગીના પિતા મેઘનાથ દેવનાથ જોગી રાયપુરમાં કામનાથ મંદિર સામે રોડ પરથી પસાર થતા હતા. એએમટીએસ બસ ટક્કર મારીને નાસી છૂટી હતી. 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જતી વખતે મેઘનાથ જોગીને મૃત જાહેર કરાયા હતા. કે ડિવિઝન ટ્રાફિક-પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના-5. એક્ટિવા ડિવાઈડર સાથે અથડાતાં એક યુવકનું મૃત્યુ, બીજાને ઈજા
કણભાથી ઓઢવ આવતા વીકે પેટ્રોલ પમ્પ સામે ડિવાઈડર સાથે એક્ટિવા અથડાતાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે અને બીજાને ઈજા પહોંચી હતી. વડોદરામાં રહેતા ગેગરેભાઈ આદિવાસીગોઢનું મૃત્યુ નીપજ્યું હતું. એક્ટિવાચાલક, મૃતકના પિતરાઈ ભાઈ મનોહરભાઈ સામે આઈ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.