પૈસા લૂંટવાનો નવો ખેલ:અમદાવાદમાં જાણીજોઈ ડોક્ટરની કાર સાથે એક્ટિવા અથડાવ્યું,પછી સારવાર માટે પૈસા ખંખેર્યા, ડોક્ટરે વધુ પૈસા ના આપ્યાં તો ધમકી આપી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારવારના પૈસા નહીં આપે તો હાથપગ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
  • ડોક્ટરે આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી

સરદારનગરમાં એક્ટિવા પર આવેલા બે યુવકોએ ડોક્ટરની ગાડી સામે પોતાની એક્ટીવાને ટક્કર મારીને 'અમને ઈજાઓ થઈ છે' તેમ જણાવીને ડોક્ટર પાસે સારવાર કરવા માટે પૈસાની માંગણી કરી હતી. જોકે ડોક્ટરે પૈસા આપવાની ના પાડી ત્યારે આ બંન્ને શખ્સોએ ડોક્ટરને હાથપગ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપીને જબરજસ્તી રૂ.65 હજાર પડાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે ડોક્ટરે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.​​​​​​​

જાણીજોઈ ડોક્ટરની કાર સામે એક્ટિવા લાવી અથડાવ્યું
સરદારનગરમાં રહેતા અને કુબેરનગરમાં ઓમશાંતી ક્લિનિક નામથી હોસ્પિટલ ધરાવતા MBBS ડોક્ટર મનોજ કોડવા તેમની કાર લઈને ગણેશ પાર્ટી પ્લોટ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક એક્ટિવા પર સવાર બે લોકો અચાનક જ એક્ટિવા લઈને મનોજભાઈની ગાડીને અથડાયા હતા અને અમને ઈજા થઈ છે તેમ કહીને હોસ્પિટલ લઈ જાવ તેમ કહેવા લાગ્યા હતા. જેથી મનોજભાઈએ પોતે ડોક્ટર હોવાનું જણાવીને તેમની હોસ્પિટલમાં લાવ્યા હતા અને પ્રાથમિક સારવાર કરાવી હતી.

સારવાર માટે પહેલા 5 હજાર લઈ ચૂક્યા હતા
જોકે આ બંન્ને શખ્સો અમને શરીરમાં બહુ દુખાવો થાય છે તેમ કહીને સારવાર માટે રૂ.5 હજાર માંગ્યા હતા. જેથી મનોજભાઈએ આ બંન્નેને રૂ.5 હજાર આપ્યા હતા. બાદમાં આ બંન્ને શખ્સો અવાર નવાર ફોન કરીને અમારા ખંભાનુ હાકડુ તૂટી ગયુ છે જેની સારવાર માટે રૂ.65 હજાર થશે તેમ કહેતા હતા. જોકે મનોજભાઈએ તેમના હોસ્પિટલમાં સારવાર કરાવવાનું કહેતા આ બંન્ને શખ્સોએ તમે અમને પૈસા આપી દો અમે સારવાર કરાવી લઈશું તેમ જણાવ્યુ હતું.

ડોક્ટરે બીજા પૈસા આપવાની ના પાડી તો ધમકી આપી
જોકે મનોજભાઈએ પૈસા આપવાની ના પાડી ત્યારે આ બંન્ને શખ્સો અચાનક ઉશ્કેરાઈ ગયા હતા અને જો તું અમને પૈસા નહીં આપે તો હાથપગ તોડીને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપીને જબરજસ્તી કરીને રૂ.65 હજાર પડાવી લીધા હતા. બાદમાં મનોજભાઈએ આ બંન્ને શખ્સો વિશે તપાસ કરાવી તો તેમના નામ ઉમર અહેમદ પઠાણ અને મહેશ ઠાકોર હોવાનું સામે આવ્યું હતુ. બાદમાં મનોજભાઈએ આ બંન્ને શખ્સોના વિરુદ્ધમાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...