હાઇકોર્ટનો હુકમ:ધાનેરામાં 2020માં યુવકના આપઘાતના કિસ્સામાં FIR ન નોંધતા જિલ્લા પોલીસ વડા, સ્થાનિક પોલીસ અને ASP સામે કાર્યવાહીનો આદેશ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પ્રેમ લગ્ન કરનારા યુવકની લાશ ઝાડ પર લટકેલી હાલતમાં મળી હતી
  • પરિવારની રજૂઆત છતાં પોલીસ ફરિયાદ ન લેવાઈ

ધાનેરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધવા મુદ્દે દાખવેલી બેદરકારી ભારે પડી છે. ધાનેરામાં વર્ષ 2020માં થયેલી આત્મહત્યાના કિસ્સામાં FIR ન નોંધવા બાબતે જિલ્લા પોલીસ વડા, સ્થાનિક પોલીસ સ્ટેશન અને ASP સામે કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.

2020માં પ્રેમ લગ્ન કરનાર યુવતીને પરિવાર ઘરેથી ઉઠાવી ગયો હતો
2020ના સપ્ટેમ્બર મહિનામાં ધાનેરા તાલુકાના એક ગામમાં એક જ કોમ્યુનિટીના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કરી ગામથી દૂર જતા રહ્યા હતાં. જોકે આ પ્રેમ લગ્ન છોકરીના પરિવારજનોને મંજૂર ન હતા અને બંનેને રાજસ્થાનથી શોધી લાવ્યા હતા અને દીકરીના પરિવારજનો દીકરીને પરત લઈ ગયા. જે બાદ પ્રેમ લગ્ન કરનાર યુવકને અમુક વ્યક્તિઓ તેના ઘરેથી લઈ ગયા.

યુવકની ઝાડ પર લટકતી લાશ મળી હતી
જોકે 3 દિવસ સુધી દીકરો પરત ન આવ્યો અને અંતે તેની લાશ ઝાડ પર લટકેલી મળી. જે બાદ મૃતક દીકરાના પરિવારજનોએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા કેટલાય પ્રયાસ કર્યા, પરંતુ પોલીસે આકસ્મિક મોતની નોંધ લીધી. જોકે પરિવારજનોને દીકરાની લાશને જોઈ શંકા જતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ રજુઆત કરી, પરંતુ ફરિયાદ ન લેવાઈ.

પોલીસે ફરિયાદ ન નોંધતા હાઇકોર્ટમાં અરજી કરાઈ
ફરિયાદ ન લેવાતા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે, બાદ કોર્ટે પુરાવાના આધારે સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ વડાને નોટિસ કરી હતી. જે બાદ હવે કોર્ટે મૃતક વ્યક્તિના કિસ્સામાં આત્મહત્યાની દુષ્પ્રેરણા કે હત્યાનો ગુનો બન્યો હોવા અંગેની એફ.આઈ.આર. નહીં નોંધવા બદલ તપાસનો આદેશ કર્યો છે. પોલીસ અધિકારીઓ સામે ફરજમાં બેદરકારી અને મિસકન્ડકટ બદલ કાર્યવાહી કરવા કોર્ટે કહ્યું છે. મહત્વની વાત એ છે કે હવે હાઇકોર્ટે આ કેસની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમને સોંપી છે.