શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસની પાછળ એટલે કે આશરે 200 મીટર દૂર ચાલતા જુગારનાં અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલે ગયા શનિવારે રેડ કરી હતી. દરિયાખાન ઘુમ્મટ પાસે 18 લોકોને 2.24 લાખના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. ઇન્કવાયરી દરમિયાન માધવપુરા PI એમ.બી. બારડ અને ડી સ્ટાફ પીએસઆઇ એ. જી. પરમારને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ સસ્પેન્ડ કર્યા હતા. જો કે શહીબાગમાં તાજેતરમાં લિસ્ટેડ ગુનેગારને ત્યાં રેડ કરવામાં આવી પરંતુ પોલીસ વડા દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા ચર્ચાનો વિષય બન્યો છે.
માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શાહીબાગ પોલીસ કમિશનર કચેરીની પાછળ દરિયાખાના ઘુમ્મટ પાસે ગાર્ડનમાં દાઉદ ઈબ્રાહિમ મિયાંણા નામનો શખ્સ જુગારધામ ચલાવતો હતો. જો કે પોલીસ સ્ટેશન સહિત ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીમાં અનેક ફરિયાદો કરી છતાં તેની સામે કોઈ કાર્યવાહી થતી હતી. મહત્વની વાત તો એ છે કે, કમિશનરના સ્કવોડ અને ખુદ ઉચ્ચ અધિકારીઓને આ પ્રવૃત્તિ વિશે સ્ટેટ મોનિટરીંગ સેલે જણાવ્યું હતું. પરંતુ ત્યાં રેડ ન થતા અનેક રહસ્યો ઉદ્દભવ્યા હતા.
ગાંઘીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ તથા એસઆરપીની ટીમ સાથે મળીને તે જગ્યા પર દરોડો પાડ્યો હતો. પોલીસે પાછળ દોડીને 18 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.1.16 લાખ તથા 14 મોબાઈલ ફોન મળીને કુલ રૂ.2.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે આખરે બેદરકારી દાખવનાર માધવપુરા પીઆઇ બારડ અને ડી સ્ટાફ પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ઝોન 2 સ્ટેટ મોનિટરીંગ સેલના ટાર્ગેટ પર અત્યાર સુધી ત્રણ રેડ
રાજ્યના પોલીસ બેડમાં કોલ્ડ વોર જાણે સપાટી પર આવી ગયો હોય તેમ હવે સ્ટેટ મોનિટરીંગ સેલ પણ ટાર્ગેટ લેતી હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે. અમદાવાદમાં તમામ ઝોનમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું નકારી શકાય તેમ નથી. ત્યારે અમદાવાદના સાત ઝોનમાંથી ફક્ત ઝોન 2ના પોલીસ સ્ટેશનોના વિસ્તારને ટાર્ગેટ બનાવતો હોવાનું સ્ટેટ મોનિટરીગ સેલની રેડ પરથી ફલિત થાય છે. એક અધિકારીનું ખરાબ લાગે તે માટે અન્ય એક અધિકારીએ ચોક્કસ કોન્સ્ટેબલ દ્વારા કરાવ્યું હોવાની ચર્ચા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.