રાજ્યમાં આગામી 13મી જૂનથી ઉનાળુ વેકેશન બાદ સ્કૂલો ફરીથી ખૂલી રહી છે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓ નવા પુસ્તકો, નોટબુક, યુનિફોર્મ તથા સ્ટેશનરી સહિતની સામગ્રી ખરીદતા હોય છે. એવામાં રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યની જે નોન-ગ્રાન્ટેડ ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ, પુસ્તકો કે સ્ટેશનરી કોઈ ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી ખરીદવા દબાણ કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
અનિયમિતતા આચરતી સ્કૂલોને પહેલીવાર રૂ.10 હજારનો દંડ
શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવશે. એટલું જ નહિ, અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે પહેલી વખતમાં રૂ. 10 હજાર રૂપિયાનો દંડ થશે.
પાંચથી વધુ અનિયમિતતાના કિસ્સામાં સ્કૂલની માન્યતા રદ થશે
તેમણે વધુમાં ઉમેર્યું કે, ત્યારબાદના અનિયમિતતાના દરેક કિસ્સામાં સ્કૂલને રૂ.25 હજારનો દંડ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત પાંચ કે તેથી વધુ વખત અનિયમિતતા આચરે તો તેવા કિસ્સામાં શાળા/સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
જોગવાઈનું પાલન કરાવવાનો જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ
મંત્રીએ કહ્યું કે, વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી કે ચોક્કસ માર્કા કે કંપની પાસેથી ખરીદી કરવા માટે આગ્રહ કરી શકાશે નહીં કે ફરજ પાડી શકાશે નહીં. અગાઉ કરવામાં આવેલી જોગવાઈઓનું ચુસ્તપણે પાલન થાય તે માટેની તકેદારી રાખી, તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને અંગત રસ લઈ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવા આદેશો આપી દેવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.