મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:રાજ્યભરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ગૃહ રાજ્યમંત્રી સહિતના મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો, પંજાબમાં ગુજરાતવાળી, કેપ્ટનનું પૂરી ટીમ સાથે CM પદેથી રાજીનામું

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,
આજે રવિવાર છે, તારીખ 19 સપ્ટેમ્બર, ભાદરવા સુદ ચૌદશ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) રાજ્યભરમાં આજે ભારે વરસાદ પડી શકે, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
2) IPL 2021 (IPL)નો બીજા ફેઝ UAEમાં ધમાકેદાર પ્રારંભ થશે, આજે મુંબઈ અને ચેન્નઈ વચ્ચે મેદાની જંગ જામશે.
3) આજે ગણેશ વિસર્જન, ‘અગલે બરસ તું જલ્દી આ’ના નાદ સાથે વિઘ્નહર્તાને વિદાય અપાશે.
4) GPSCની નાયબ મેનેજર વહીવટ વર્ગ-2ની પરીક્ષા રાજકોટ ખાતે યોજાશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ગૃહમંત્રીએ ભારતમાતા, શિક્ષણમંત્રીએ ગણેશજી અને શહેરી વિકાસમંત્રીએ નીલકંઠ વર્ણીની સ્થાપના કરી ચાર્જ સંભાળ્યો
ગત ગુરુવારે ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ હતી, જેમાં 24 મંત્રીએ શપથ લીધા હતા, જેમાંથી 7 મંત્રીએ આજે ચાર્જ સંભાળ્યો છે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મંત્રીઓએ ખુરશી પર બેસતાં પહેલાં ઓફિસમાં પૂજા કરાવી હતી, જેમાં ગણેશજી, નીલકંઠ વર્ણી, ભગવદ્ ગીતા સહિતની મૂર્તિ-પુસ્તકોની સ્થાપના કરી પૂજા-આરતી કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) હર્ષ સંઘવીએ પ્રદીપસિંહના પગે પડીને આશીર્વાદ સાથે સવા કલાક લેસન લીધું, કહ્યું-કોઈ પોલીસ અધિકારીએ મારી પાસે આવીને સમય બગાડવો નહીં
ભાજપના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીએ કાર્યભાર સંભાળી લીધો છે. આ સાથે જ તેમણે પોતાની કાર્યશૈલીને લઈ કેટલાક સંકેતો આપી દીધા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓએ મારી પાસે પોતાનો પરિચય (કોલ ઓન) આપવા આવવું નહીં અને ખોટો સમય બગાડવો નહી.
વાંચો સમાચાર વિગતવાર

3) ગાંધીનગરના સામ્રાજ્ય ફાર્મ હાઉસના માલિક અને કોંગ્રેસના નેતાની મિત્રએ ગોળી મારી હત્યા કરી, પાંચની અટકાયત
ગાંધીનગરના સરગાસણ રોડ હડમતિયા વિસ્તારમાં આવેલા સામ્રાજય ફાર્મ હાઉસમાં ગઈકાલે શુક્રવારે આઠ મિત્ર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન કોઈ બાબતે મિત્રો વચ્ચે માથાકૂટ થતાં એક મિત્રે રિવોલ્વર વડે પાર્ટી પ્લોટના માલિક પ્રવીણ માણિયાને છાતીમાં ગોળી ધરબી દેતાં તેનું મોત નીપજ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) 2022માં અમારી સરકાર બનશે, 125 સીટ સાથે ચોક્કસ સરકાર બનાવીશું, જે જનતાની હશે: હાર્દિક પટેલ
ગુજરાતની રાજનીતિમાં છેલ્લા અઠવાડિયામાં ધરખમ ફેરફાર થયા છે ત્યારે વિરોધ પક્ષ પણ હવે સક્રિય થયો છે અને 2022ની ચૂંટણી માટે કામે લાગ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી, જેમાં ઘણા મુદ્દાઓ પર તેમણે સ્પષ્ટતા કરી છે અને આગળની રણનીતિ અંગે વાત કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) પંજાબમાં ગુજરાતવાળી, કેપ્ટનનું પૂરી ટીમ સાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું; નવા CM પસંદ કરવાનો નિર્ણય સોનિયા ગાંધી પર છોડ્યો
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યપાલ બીએલ પુરોહિતને સમગ્ર મંત્રિમંડળનું રાજીનામું આપ્યું છે. કેપ્ટન સાંસદ પત્ની પરનીત કૌર અને દિકરા રણઈંદર સિંહ સાથે રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. કેપ્ટન ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ હાઈકમાનનું વલણ જોઈને કેપ્ટનના ખાસ લોકોએ પણ તેમનાથી અંતર કરી લીધું છે.
વાંચો સમાચાર વિગતવાર

6) TMCનો મુખપત્રમાં દાવો, મોદીનો વિકલ્પ રાહુલ નહીં, મમતા
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી આમ તો કોંગ્રેસ સાથે મળીને વિપક્ષની એકતાની વાત કરે છે, પરંતુ તેમની પાર્ટી તૃણમૂલે સ્પષ્ટ કરી દીધું છે કે દિલ્હીની દાવેદારી બાબતે કોઈ સમાધાન નહીં કરવામાં આવે. ખરેખરમાં તૃણમૂલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોંગ્રેસનેતા રાહુલ ગાંધી નહીં, પણ મમતા બેનર્જી જ છે. મોદીની સામે મમતા વિપક્ષનો ચહેરો બનીને ઊભરી આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

7) મોદીભક્ત હવે મમતાના પક્ષમાં, બાબુલ સુપ્રિયો તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ; 48 દિવસ પહેલાં જ BJPમાંથી રાજીનામું આપ્યું હતું
પશ્ચિમ બંગાળમાં બીજેપીને વધુ એક ઝટકો લાગ્યો છે. મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા સાંસદ બાબુલ સુપ્રિયોએ ટીએમસી જોઈન કરી લીધી છે. થોડા દિવસ પહેલાં જ બાબુલ સુપ્રિયોએ બીજેપીમાંથી રાજીનામું આપ્યું હતું. ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી અને ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં તેમણે તૃણમૂલ કોંગ્રેસનું સભ્યપદ ગ્રહણ કર્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) 11 વર્ષ સુધી મંત્રી રહેલા પ્રદીપસિંહે કહ્યું- આજે કેટલાં વર્ષ બાદ 10 વાગે તો ઊઠ્યો, નિરાંતે કામ કરીશું
2) તમારા પર અમને ગર્વ છે, CM ભૂપેન્દ્ર પટેલના ગુજરાતીમાં જ બોલવાના આગ્રહને તમામ સ્તરે આવકારાયો
3) 'તારીખ પે તારીખ' જેવા સંવાદો લખનાર લેખક-દિગ્દર્શક રાજકુમાર સંતોષી ખુદ રાજકોટની અદાલતમાં હાજર થયા, ચેક રિટર્નના કેસમાં તારીખ પડી
4) સુરતમાં ખેતલા આપા ટી-સ્ટોલના માલિકનું ઊંઘમાં જ ગળું કાપી ઘાતકી હત્યા
5) ઝારખંડમાં તળાવમાં ડૂબવાથી ત્રણ સગી બહેન સહિત 7 કિશોરીના મોત, કર્મા ડાલીના વિસર્જનમાં એકને ડૂબતા જોઈ અન્ય કિશોરીઓ બચાવવા ગઈ હતી.

આજનો ઈતિહાસ
વર્ષ 1962માં આજના દિવસે ચીને ભારતની ઉત્તર વિસ્તારમાં આવેલી સરહદ પર હુમલો કર્યો હતો.

અને આજનો સુવિચાર
જેમની પાસેથી સુખ મળે છે તે જ દુઃખ આપે છે. મિત્રો, સ્વજનો સાથે વ્યહવાર કરતી વખતે આ વિષે હંમેશા સજાગ રહેવું.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...