ઓઢવમાં પૂર્વ પત્નીના પ્રેમીથી બદલો લેવા પતિએ એસિડ એટેક કરાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પત્ની અને મિત્રએ આપેલા દગાનો બદલો લેવા માટે પતિએ જ પત્નીના પ્રેમી પર એસિડ એટેક કરાવ્યો હતો. જેમાં પ્રેમી અને હુમલો કરનારનો મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પતિએ કરાવેલા કારસ્તાનનો પર્દાફાશ થતાં પોલીસે આરોપીની કરી ધરપકડ છે.
એક્ટિવાસવાર પર જ્વલનશીલ પ્રવાહી ફેંકાયું હતું
ઓઢવમાં ઉત્તમસિંગ રાજપૂતે તેની પત્ની અને મિત્રના અનૈતિક સંબંધનો બદલો લેવા એસિડ એટેક કરતા પોલીસે તેની ધરપકડ કરી છે. એક્ટિવા ઉપર જતાં કેરસિંગ અને કૈલાસ માળી ઉપર એસિડ જેવું પ્રવાહી ફેંકાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. અજાણ્યા 3 આરોપીએ એસિડ એટેક કરતા કેરસિંગે આરોપી ઉત્તમસિંગ પર શંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે ઉત્તમસિંગની પૂછપરછ કરતાં એસિડ એટેકનો ભેદ ઉકેલાયો હતી. ઉત્તમસિંગએ પત્ની અને મિત્ર સાથે બદલો લેવા એસિડ એટેક કરાવ્યો હતો.
મિત્રને ઘરમાં આશરો આપ્યોને તેણે જ ઘર ઉજાડ્યું
ઘટનાની વાત કરીએ તો આરોપી ઉત્તમસિંગ અને કેરસિંગ બંને મિત્ર હતા. રાજસ્થાનથી ઉત્તમસિંગ કેરસિંગને અમદાવાદ લાવ્યો હતો અને પોતાના ઘરમાં રાખ્યો હતો. કેરસિંગના લગ્ન 2020માં થયા હતા. પરંતુ પત્ની સાથે મેળ ના મળતાં છૂટાછેડા થઈ ગયેલા અને ત્યારબાદ ઉત્તમસિંગની પત્ની સાથે પ્રેમસંબંધ બાંધ્યા હતા. મિત્ર અને પત્નીના અનૈતિક સંબંધની જાણ ઉત્તમસિંગને થતાં તેને કેરસિંગને ઘરમાંથી કાઢી મૂક્યો હતા.
એસિડ એટેકમાં આરોપીના દોસ્તો પણ સામેલ
જેથી પત્નીએ ઉત્તમસિંગને છૂટાછેડા આપીને કેરસિંગ સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી હતી. કેરસિંગ કાપડની દુકાન શરૂ કરી હતી અને પ્રેમિકા સાથે સુખી જીવન જીવતો હતો. જેથી પૂર્વ પત્ની અને મિત્રએ દગો આપતા બદલો લેવા ઉત્તમસિંગ એસિડ એટેકનું ષડયંત્ર રચ્યું હતું. જેમાં તેણે અન્ય મિત્રોની મદદથી એસિડ એટેક કરાવ્યો હતો.એસિડ એટેક, અનૈતિક સંબંધ અને બદલાની આ ઘટનામાં ઓઢવ પોલીસે ઉત્તમસિંગની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત એસિડ એટેક કરનાર આરોપીઓ શોધખોળ શરૂ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.