સેટેલાઇટમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે 19 વર્ષ બાદ ઝડપ્યો છે. 2003થી વોન્ટેડ આરોપીને પકડવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી લીધો છે. જે આરોપી આટલા વર્ષોથી પાગલ હોવાનો ડોળ કરી છટકી રહ્યો હતો, તેને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો તો તે પાગલ નહીં પણ સ્વસ્થ મળી આવ્યો હતો.
પ્રેમ સંબંધમાં 2003માં યુવકની હત્યા થઈ હતી
પોલીસે દિનેશ વાળાને ઝડપી લીધો છે. તે હત્યા કર્યા બાદ માનસિક અસ્થિર બનીને ઘરેથી નીકળી ગયો હતો. 19 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢમાં ભાણવડ તાલુકાના ઘુમલી ગામમાંથી પકડ્યો હતો. તો આરોપી પાગલ નહીં પણ સ્વસ્થ મળ્યો હતો. ઘટનાની વાત કરીએ તો 2003માં આરોપી દિનેશ વાળાની ભત્રીજીનું જયેશ ગોહિલ નામના યુવક સાથે પ્રેમ સબંધ હતો. જેની જાણ આરોપી દિનેશ અને તેના પરિવારને થતાં તેઓએ જયેશને માર મારીને હત્યા કરી હતી. આ હત્યાના ગુનામાં અગાઉ દિનેશના 3 ભાઈઓ હસમુખ વાળા, દેવજી વાળા અને દિલીપ ઉર્ફે દિપક વાળાની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે દિપક માનસિક અસ્થિર બનીને ઘરેથી નીકળી ગયો હતો. જે 19 વર્ષ બાદ સ્વસ્થ મળી આવ્યો હતો.
અમદાવાદથી ફરાર આરોપીની પોલીસે શોધખોળ કરી હતી
પ્રેમ સંબંધની અદાવતમાં જયેશ ગોહિલ નામના શખસની હત્યા કરીને આરોપી દિનેશ અમદાવાદથી ફરાર થઇ ગયો હતો. સ્થાનિક પોલીસે આરોપીની શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. જ્યારે દિનેશના પરિવારે તે પાગલ હોવાથી ઘરેથી નીકળી ગયો હોવાની વાર્તા ઘડી હતી. 19 વર્ષથી વોન્ટેડ આરોપી પકડાય અને મૃતક જયેશને ન્યાય મળે માટે તેના પરિવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
બાતમીના આધારે આરોપીને પકડીને જેલ હવાલે કર્યો
સુપ્રીમ કોર્ટ અમદાવાદ પોલીસ કમિશ્નરને આરોપીને પકડવા હુકમ કર્યો હતો. આ હુકમ બાદ પોલીસ કમિશ્નર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના DCPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી હતી. ટેક્નિકલ સેલ તેમજ બાતમીના આધારે હત્યાના વોન્ટેડ આરોપી દિનેશ વાળાને ક્રાઇમ બ્રાન્ચે પકડીને જેલ હવાલે કર્યો છે. પાગલ બનીને 19 વર્ષથી ફરાર થયેલો આરોપી પકડાયો ત્યારે તેના પૌત્રો સાથે મળ્યો હતો અને એકદમ સ્વસ્થ હતો. તો તેને છૂપાવવા અને ફરાર કરવામાં કોઈની સંડોવણી હોવાનું ખુલી શકે છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની મદદ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.