ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી:અમદાવાદના અકસ્માતના બહાને આંગડિયા પેઢીના કર્મચારી સાથે 28 લાખની લૂંટ કરનાર આરોપી ઝડપાયો, રૂ. 14 લાખ જપ્ત કરાયા

અમદાવાદ5 મહિનો પહેલા
લૂંટના કેસમાં ઝડપાયેલા આરોપીઓ
  • એલિસબ્રિજમાં ગાડીનો અકસ્માત કર્યાના બહાને આરોપી 28 લાખ લૂંટી ગયા હતા

અઠવાડિયા પહેલા એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાંચે 14 લાખ રોકડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે પુછપરછમાં ખુલાસો થયો કે અન્ય રાજ્યોમાંથી આરોપી બોલાવી લૂંટને અંજામ અપાયો હતો, જેથી પોલીસની ટીમો અન્ય રાજ્યમાં તપાસ કરી રહી છે.

શહેરમાં પાંજરાપોળ પાસે આંગડિયા પેઢીના કર્મચારીને ટાર્ગેટ કરી થયેલી લુંટનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે અજય ઉર્ફે અજુબા ગાગડેકરની ધરપકડ કરી છે. જેની પાસેથી રોકડા 14 લાખ રૂપિયા ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યા છે. 24 ફેબ્રુઆરીના રોજ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી ગાડીનો અકસ્માત કર્યાનું બહાનું કરી રૂપિયા 28 લાખની લુંટને અંજામ આપ્યો હતો. જે ગુનામાં અજય ગાગડેકરની ધરપકડ કરી ગુનામાં ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આરોપી અજય ઉર્ફે અજુબાની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યું કે, લૂંટ માટે જલગાંવથી અજય નામના આરોપી અને તેના બે સાગરીતને બોલાવી લુંટને અંજામ આપ્યો હતો. સાથે જ ગુનો કરવા માટે બાઈક પણ જલગાંવથી આરોપી લાવ્યા હોવાનું સામે આવ્યુ છે. ઝડપાયેલા આરોપી અજુબા એ કબુલાત કરી છે કે લુંટની રકમમાંથી 14 લાખ તેને મળ્યા હતા, જોકે અન્ય 14 લાખ જલગાંવના આરોપી સાથે લઈ ગયા છે. જેને ઝડપી લેવા અન્ય 3 ટીમો કાર્યરત છે.

આંગડિયા લૂંટના ગુનામાં ઝડપાયેલ આરોપ અજુબાના ગુનાહીત ઈતિહાસની તપાસ કરતા સોલા, એલિસબ્રિજ સહિત 6 જેટલી લુંટ અને ગંભીર ગુનાને અંજામ આપ્યો છે. જેથી પોલીસે આરોપીની અન્ય ગુના અંગે તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસને શંકા છે કે જલગાંવની ગેંગ ઝડપાયા બાદ અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાશે.

અન્ય સમાચારો પણ છે...