અમદાવાદના નવરંગપુરમાં થોડા દિવસ અગાઉ આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને જતાં વ્યક્તિઓ પાસેથી અજાણ્યા શખ્સો બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયાં હતાં. બેગમાં 42 લાખ રૂપિયા હતાં. આ મામલે ક્રાઈમ બ્રાંચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ તેમની પાસેથી લૂંટના 31.37 લાખ રૂપિયા રિકવર પણ કર્યાં છે.
31.37 લાખ રોકડા અને એક એક્સેસ કબજે કર્યું
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, અગાઉ ચિલ ઝડપ તથા કાચ તોડીને પૈસા ચોરી કરતા મનોજ સિંધી ગાગડેકર અને વિશાલ તમંચે ભેગા મળી કોઈ જગ્યાએથી લૂંટ કરેલ પૈસા સગેવગે કરવા નરોડા ગેલેક્ષી તરફ જઈ રહ્યા છે.બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે 31 લાખ 37 હજાર 500 રૂપિયા રોકડા અને ઍક્સેસ વાહન કબ્જે કર્યું હતું. આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બંને આરોપીઓએ અન્ય આરોપી પપ્પુ ગારગે સાથે ચિલઝડપ કરવા નીકળ્યા હતા.
પૈસા લઈને જતાં બે જણાનો પીછો કર્યો હતો
નવરંગપુરમાં આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને જતાં બે જણાનો પીછો કર્યો હતો.બંને પાસે રૂપિયા ભરેલો થેલો હતો. સી.જી રોડ બોડીલાઇન ચાર રસ્તા પાસે પહોંચતા જ આરોપીઓ થેલો ઝુંટવી ફરાર થઇ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધપરકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કેસના વોન્ટેડ આરોપી પાસે લૂંટની અન્ય રકમ હોઈ શકે છે જેથી પોલીસને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી છે આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.
પપ્પુની તપાસ માટે પોલીસ જ્યારે તેના ઘરે ગઈ ત્યારે તેની પત્નીએ તેનો પતિ નિદોર્ષ હોવાનું અને જે સમયે ઘટના બની ત્યારે તે બહારગામ હોવાનું કહીને ટ્રેનની ટિકિટ રજૂ કરી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસીસ કરાવતાંં પપ્પુના ફોનનું લોકેશન પણ બહારગામનું મળ્યું હતું. જો કે પોલીસની કડક તપાસ બાદ પપ્પુની સંડોવણી હતી અને પોતાની જાતને બચાવવા માટે તેણે ટ્રેનની ટિકિટ બુક કરાવી પોતાનો ફોન આપીને પત્નીને બહારગામ મોકલી હતી. આ મામલે પોલીસે પપ્પુ ગારંગેની શોધખોળ હાથ ધરી છે.
બંને આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે
આરોપી વિશાલ તમૈચે સરદારનગર પોલીસ સ્ટેશનમાં દારૂ, નજર ચૂકવી ચોરી કરવાના ગુનામાં પકડાયેલો છે. દરિયાપુર, વડોદરા તથા સુરતમાં ચોરી કરી હતી. બે વખત પાસા પણ થઈ છે, જ્યારે મનીષ સેવાણી કાગડાપીઠ, એલિસબ્રિજ, નવરંગપુરા, સરદારનગર, એરપોર્ટ પોલીસમાં ચોરી-દારૂના ગુનામાં પકડાયો અને પાસા હેઠળ સજા ભોગવી ચૂક્યો છે.
શું હતી સમગ્ર ઘટના
વોન્ટેડ આરોપી પપ્પુ ગારંગેએ રેકી નવરંગપુરામાં આંગડિયા પેઢી પાસે ત્રણેય જણાં ઉભા રહી, પેઢીમાંથી કોઇ નીકળે તો તેનો પીછો કરી રૂપિયાની ચીલઝડપનું નક્કી કર્યું હતું. એવી જ રીતે 10 દિવસ પહેલા એક વ્યકિત પેઢીમાંથી થેલો લઈ નીકળતા જોઈને તેમનો પીછો કર્યો અને સીજી રોડ બોડીલાઈન ચાર રસ્તા પાસે તેનો થેલો લૂંટીને ત્રણેય નાસી છૂટ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.