સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ ગુજારવાના નારોલ અને ગોમતીપુરના બે અલગ અલગ કેસમાં કોર્ટે બંને આરોપીઓને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. નારોલમાં રહેતી 17 વર્ષીય સગીરાને આરોપી આયુષે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી 8 જૂન 2020ના રોજ ભગાડી તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. આ બનાવ અંગે સગીરાના પિતાની ફરિયાદ બાદ નારોલ પોલીસે આરોપી આયુષની 16 જૂને ધરપકડ કરી હતી.
આયુષને દોષિત ઠેરવી 20 વર્ષની સખ્ત સજા
આ કેસ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ભરત પટ્ટણીએ 10 સાક્ષી અને દસ્તાવેજી પુરાવા તપાસી આરોપી આયુષ વિરુદ્ધ ગુનો પુરવાર કર્યો હતો. કોર્ટે સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને રાખી એડી.સેશન્સ જજ જે.કે.પ્રજાપતિએ આરોપી આયુષને દોષિત ઠેરવી 20 વર્ષની સખ્ત સજા ફટકારવાનો આદેશ કર્યો હતો.
લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું
બીજા કેસમાં ગોમતીપુરમાં રહેતી 14 વર્ષીય સગીરાને 23 વર્ષીય ઇશ્વર સરદારેએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. 26 માર્ચ 2020ના રોજ ઇશ્વર સરદારે ઉમેશ ગજરે સાથે મળી સગીરાને બળજબરીપૂર્વક અપહરણ કરીને લઇ ગયા અને સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ કર્યુ હતું.
મુખ્ય દોષિતનો સાગરીત મહારાષ્ટ્ર ભાગી ગયો
સગીરાની માતાની ફરિયાદ બાદ ગોમતીપુર પોલીસે નારોલમાં ભાડાના મકાનમાં રહેતા આરોપી ઇશ્વર સરદારેની ધરપકડ કરી હતી. આ કેસમાં સરકારી વકીલ બી.આર.પટ્ટણીએ 16 સાક્ષી અને દસ્તાવેજી પુરાવા તપાસી આરોપી ઇશ્વર વિરુદ્ધ ગુનો પુરવાર કરતા સખ્તમાં સખ્ત સજા ફટકારવાની દલીલ કરી હતી. કોર્ટે સાક્ષીઓ દસ્તાવેજી પુરાવાને ધ્યાને રાખી આરોપીને 20 વર્ષની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં મુખ્ય દોષિતનો સાગરીત મહારાષ્ટ્ર ભાગી ગયો હોવાતી હજુ સુધી તે પોલી પકડમાં આવ્યો નથી પોલીસે તેની તપાસ ચાલુ રાખી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.