રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની સમીક્ષા:નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સમીક્ષા બેઠકમાં ચર્ચા કરતા - Divya Bhaskar
શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સમીક્ષા બેઠકમાં ચર્ચા કરતા
  • રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
  • નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના ભાવિ માટે અગત્યનું પરિબળ સાબિત થશે : શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ માટેના રોડમેપ સંદર્ભે રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં ઉપસ્થિત યુનિવર્સિટીઓના કુલપતિઓને સંબોધતા કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનો છે.

રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે સીએમની ચર્ચા
મુખ્યમંત્રીએ ઉપસ્થિત શિક્ષાવિદો સાથે મુક્તમને ચર્ચા કરી અને ગુજરાતના શિક્ષણને વધુ સમૃદ્ધ અને વૈશ્વિક બનાવવા સૌના સહકારની અપેક્ષા અને અભિલાષા વ્યક્ત કરી હતી.શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના ભાવિ માટે અગત્યનું પરિબળ સાબિત થશે. શિક્ષણથી માત્ર સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનનું નહીં પણ સાથોસાથ ઉચ્ચ સ્તરીય તાર્કિક અને સમસ્યા સમાધાન સંબંધી બોદ્ધિક ક્ષમતાઓનો વિકાસ થવો જોઈએ તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતુ.

વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ, શિક્ષણવિદો અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા
વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ, શિક્ષણવિદો અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા

સર્જનાત્મક તથા વિવેચનાત્મક ક્ષમતાનો વિકાસ જરૂરી
તેમણે એમ પણ ઉમેર્યું હતુ કે, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રત્યેક વિદ્યાર્થીઓને ભાવપૂર્ણ આવકાર મળે, તેની વ્યક્તિગત કાળજી લેવાય અને પ્રેરણાત્મક શૈક્ષણિક વાતાવરણ હોય જ્યાં તમામ વિદ્યાર્થીઓને શીખવા માટે વિવિધ પ્રકારના અનુભવો ઉપલબ્ધ કરાવવામાં આવતા હોય તે જરૂરી છે અને આ બધુ પ્રાપ્ત કરવું એ પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાનું લક્ષ્ય હોવું જોઈએ.રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે માત્ર પરીક્ષાલક્ષી અધ્યયનને બદલે સંકલ્પનાત્મક સમજ પર ભાર મૂકતા કહ્યુ હતુ કે, તાર્કિક નિર્ણય શક્તિ અને નવાચારને પ્રોત્સાહિત કરવા સર્જનાત્મક તથા વિવેચનાત્મક ક્ષમતાનો વિકાસ જરૂરી છે.

નેશનલ એજ્યુકેશન પોલિસીનું સત્વરે અમલીકરણ પર વિશેષ ચર્ચા
આ ચર્ચા - બેઠકમાં આગામી સમયમાં નેશનલ એજ્યુકેશન પોલિસીનું સત્વરે અમલીકરણ કરવાની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત કુલપતિઓએ પોતાનાં મંતવ્યો અને સૂચનો રજૂ કરી સંસ્થાના કાર્યો વિશે માહિતી આપી હતી. ઉપરાંત નવી એજ્યુકેશન પોલિસી-2020ના ટુંકાગાળા (0-3વર્ષ), મધ્યમગાળા (3-6 વર્ષ) અને લાંબાગાળા (6-10 વર્ષ)ના એક્શન પ્લાન અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ટુંકાગાળાના પ્લાનમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા
ટુંકાગાળાના પ્લાન (0-3 વર્ષ) અંતર્ગત વિવિધ મુદ્દાઓ જેવા કે સંશોધન અથવા શિક્ષણ ઇન્ટેન્સીવ યુનિવર્સિટી, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝીટ સીસ્ટમ, મલ્ટી ડિસીપ્લીનરી પ્રોગ્રામ in HEI, ક્રેડીટ બેઇઝડ કોર્સ તથા મધ્યમગાળાના પ્લાન (3-6 વર્ષ) મલ્ટિડિસ્પ્લેનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી, ગ્રોસ એનરોલમેન્ટ રેટિયોમાં સુધારો તથા પરીક્ષા પધ્ધતિમાં સુધારા-વધારા તેમજ લાંબાગાળાના પ્લાન (6-10વર્ષ) અંતર્ગત કોલેજોનું ડી-એફીલીએશન, ગવર્નન્સ બાબતે યુનિવર્સિટી એક્ટમાં સુધારો, ઓટોનોમસ ડિગ્રી તથા ગ્રાન્ટીંગ કોલેજ પરત્વે ધ્યાન કેન્દ્રીત કરવા નિર્ધાર કરવામાં આવ્યો હતો.

ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા
આ બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર, ઉચ્ચ શિક્ષણ નિયામક એમ. નાગરાજન, ટેક્નિકલ શિક્ષણ નિયામક જી. ટી. પંડ્યા તેમજ વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ, શિક્ષણવિદો અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...