વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ વાહન સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી હતી. મહાત્મા મંદિર ખાતે રોકાણકારોના સંમેલનને વર્ચ્યુઅલી સંબોધતાં વડાપ્રધાને સ્ક્રેપેજ પોલિસીને કચરામાંથી કંચનના અભિયાન તરીકે ગણાવી કહ્યું હતું કે આ નીતિથી દેશમાં 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ આવશે અને હજારો લોકોને રોજગારી મળશે. સ્ક્રેપ થનારાં વાહન સામે ગ્રાહકને એક્સ શો રૂમ કિંમતથી 4થી 6 ટકાનું વળતર મળશે. સ્ક્રેપ સર્ટિફિકેટના આધારે નવું વાહન લેવા માટે લાભ મળશે.
પ્રશ્નઃ સ્ક્રેપ અને ફિટનેસ સર્ટિફિકેટ શું છે?
જવાબઃ જો જૂનું વાહન ભંગારમાં આપવાનું હોય તો સ્ક્રેપ સર્ટિફિકેટ લેવું પડશે. જો વાહન ચલાવવા માટે યોગ્ય છે, તો માવજત પ્રમાણપત્ર મેળવવું પડશે. બંને કેન્દ્રો કેન્દ્ર સરકારની પરવાનગી સાથે દરેક જિલ્લામાં ખૂલશે. ત્યાં જ સમગ્ર પ્રક્રિયા થશે.
પ્રશ્નઃ મારે વાહન ભંગારમાં આપવું પડશે. શું પ્રક્રિયા હશે?
જવાબઃ વાહનના રજિસ્ટર્ડ માલિકે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સાથે સ્ક્રેપિંગ સેન્ટરમાં જવું પડશે. ત્યાં વાહનનો સમગ્ર રેકોર્ડ આપવો પડશે. સેન્ટર પર તપાસ થશે કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ચોરાયેલા વાહનોમાં વાહનનો સમાવેશ છે કે કેમ? જો ચોરીનો રેકોર્ડમાં ન મળી તો સ્ક્રેપિંગની આગળની પ્રક્રિયા થશે.
પ્રશ્નઃ ફિટનેસ સર્ટિફેકેટ માટે શું કરવું પડશેે?
જવાબઃ ફિટનેસ કેન્દ્ર પર વાહનનું પ્રદૂષણ, રસ્તા પર ચાલવાની ક્ષમતા, પર્યાવરણ માટે જોખમ જેવાં પરિમાણોનો ટેસ્ટ થશે. બ્રેક ટેસ્ટ, એન્જિન અને અન્ય ભાગો પણ તપાસવામાં આવશે. આથી હેરાફેરીની શક્યતા નહીં રહે.
પ્રશ્નઃ જો વાહન ફિટ નહીં હોય તો?
જવાબઃ આ કિસ્સામાં નોંધણી રિન્યુ કરવામાં આવશે નહીં. એટલે કે, તમે તેને રસ્તા પર ચલાવી શકશો નહીં. જો રજિસ્ટ્રેશન ન હોય તો વાહનને ભંગારમાં આપવા સિવાય કોઈ રસ્તો રહેશે નહીં.
પ્રશ્નઃ મારી પાસે માન્ય સર્ટિફિકેટ નથી તો શું કરવું?
જવાબઃ સ્ક્રેપિંગ સેન્ટર પર રેકોર્ડ પરથી વાહનની ઓળખ કરાશે. માલિકની ઓળખ અને વાહનની વિગતો સમાન હશે તો સ્ક્રેપિંગ થશે.
પ્રશ્નઃ સ્ક્રેપિંગ માટે કયા દસ્તાવેજોની જરૂર છે?
જવાબઃ વાહનનું મૂળ રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર, માલિક પાસેથી સ્ક્રેપિંગની પરવાનગીનો પત્ર, પાન કાર્ડ, ક્રોસ બેંક ચેક, ઓળખપત્ર જેવા કે પાસપોર્ટ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ, સરનામા માટે વીજળી, પાણી, ટેલિફોન અથવા રસોઈ ગેસનું બિલ અને ડિજિટલ ફોટો. વાહન વારસાગત છે, તો મૃત્યુનું પ્રમાણપત્ર અને માલિકના ઉત્તરાધિકારીના પુરાવા આપવાના રહેશે.
પ્રશ્નઃ સ્ક્રેપમાં વાહન આપ્યા બાદ કેવી રીતે લાભ મળશે?
જવાબઃ સેન્ટર ઉપર ફોર્મ -2 ભરવાથી અને દસ્તાવેજો આપવાથી માલિકને પ્રાપ્તિ પ્રમાણપત્ર મળશે. તેને ડિપોઝિટ પ્રમાણપત્ર કહેવામાં આવશે. આનાથી જ લાભ મળશે. વાહન સ્ક્રેપ્ટ થયા પછી સેન્ટરમાંથી મૂલ્યાંકન રકમ મળશે.
પ્રશ્નઃ આ પ્રમાણપત્રનો ઉપયોગ કેટલી વાર થશે?
જવાબઃ સમગ્ર દેશમાં ગમે ત્યાં માન્ય રહેશે. તે માત્ર એક સમય માટે માન્ય રહેશે. નવું વાહન ખરીદ્યા પછી, ‘રદ’નો સ્ટેમ્પ લગાવવામાં આવશે.
પ્રશ્નઃ વાહન સ્ક્રેપિંગથી કયો ફાયદો થશે?
જવાબઃ સ્ક્રેપ વાહનનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ રકમ વાહનની હાલની એક્સ-શોરૂમ કિંમતના 4 થી 6 ટકા જેટલી નક્કી થઈ છે. સ્ક્રેપ્ટ સર્ટિફિટેક બતાવાથી નવા વાહનની નોંધણી ફી માફ થશે. રોડ ટેક્સમાં પણ 25% ઘટાડો થશે. નવા વાહન પર 5% ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.
પ્રશ્નઃ જૂનું વાહનના સ્ક્રેપિંગ અને નવી ખરીદી પર 15% ફાયદો કેવી રીતે?
જવાબઃ ઓટોમોબાઇલ ક્ષેત્રના નિષ્ણાત સંજીવ ગર્ગના જણાવ્યા અનુસાર, સ્ક્રેપ સર્ટિફિકેટ અને નવા વાહનની નોંધણી પર 10% સુધી ફાયદો થઈ શકે છે. નવા વાહન પર 5% ડિસ્કાઉન્ટ અલગથી મળશે. આ રીતે કિંમત પર કુલ 15%નો ફાયદો મળી શકે છે. એટલે કે, જૂનું વાહન સ્ક્રેપમાં આપ્યા પછી 10 લાખ રૂપિયાનું નવું વાહન ખરીદો તો 1 લાખ રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે.
સ્ક્રેપિંગ કેવી રીતે નક્કી થશે?
ખાનગી વાહનનું રજિસ્ટ્રેશન 15 વર્ષ, કોમર્શિયલનું 10 વર્ષ માટે હોય છે. પછી તેને સ્ક્રેપમાં આપવું પડે છે.
કંડિશન સારી હોય તો?
વાહન ઠીક હોય તો ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. ત્યારે નવું રજિસ્ટ્રેશન થશે અને પછી રસ્તા પર ચલાવી શકાશે.
ચોરીના વાહનનું સ્ક્રેપ થશે?
સ્ક્રેપ સેન્ટર પર વાહનના તમામ દસ્તાવેજની તપાસ થશે. આથી તેની આશંકા બિલકુલ નથી.
ફિટનેસ કેટલીવાર?
15 વર્ષ પછી દર 5 વર્ષે આ સર્ટિફિકેટ લેવું પડશે. મહત્તમ 3 વાર લઈ શકાશે પછી સ્ક્રેપ થશે.
રાજ્યમાં 10 લાખથી વધુ વાહનો સ્ક્રેપેજ પોલિસીના દાયરામાં
ગુજરાતમાં અંદાજે 60 લાખથી વધુ કોર્મશિયલ અને પેસેન્જર વાહનો છે જેમાંથી સ્ક્રેપેજ પોલિસી હેઠળ સાત લાખથી વધુ વાહનો આવે તેમ છે. જો સરકારની પોલિસીનો વાસ્તવિક અમલ થાય તો ગુજરાતમાંથી સરેરાશ 7 લાખથી વધુ વાહનો સ્ક્રેપમાં જઇ શકે છે. સ્ક્રેપેજ પોલિસીને કારણે 10 ટકા પણ નવા વાહનોનું વેચાણ વધે તો ગુજરાતના ઓટો ઇન્ડસ્ટ્રીઝને સારો ફાયદો મળશે.
ગુજરાતનું ઓટો ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ દર મહિને રૂ.2200 કરોડથી વધુ છે. જેમાં સરેરાશ દર મહિને 23000થી વધુ પેસેન્જર વાહનો (કાર) અને 60000થી વધુ ટુ-વ્હિલરનું વેચાણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કુલ વેચાણ થતા વાહનોમાં અમદાવાદનો હિસ્સો 25-30 ટકા રહ્યો છે. નીચા વ્યાજદર, ઓટો કંપનીઓ દ્વારા આકર્ષક એક્સચેન્જ ઓફરના કારણે ગુજરાતમાં દર મહિને 8500-9000 જેટલી વેચાતી કારમાં 1000-1200 કાર એક્સચેન્જમાં આવી રહી છે. જોકે, જે કાર આવે છે તે 8-10 વર્ષ જૂની હોય છે. સ્ક્રેપ પોલિસી ઉત્તમ છે. સેક્ટરને સારો ફાયદો લાંબાગાળે મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.