મૂલ્યાંકન રિપોર્ટ:શિક્ષણ વિભાગના સરવેમાં રાજ્યની સરકારી સ્કૂલોના શિક્ષણની પોલ ખૂલી, ગુણોત્સવ 2.0માં A+ ગ્રેડની માત્ર 14 શાળા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુણોત્સવ 2.0માં રાજ્યની કુલ 30 હજાર 681 પ્રાથમિક શાળા આવરી લેવામાં આવી હતી
  • 75થી 85 ટકામાં A ગ્રેડ તેમજ 86થી 100 ટકામાં A+ ગ્રેડ આપવાનું નક્કી કરાયું હતું
  • ગુણોત્સવ 2.0નું સરેરાશ પરિણામ 57.84 ટકા જ આવતાં B ગ્રેડ પ્રાપ્ત થયો

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં કેવા પ્રકારનું શિક્ષણ અપાય છે, શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, વિદ્યાર્થીઓ કયા પ્રકારનાં સંશોધનો કરે છે અને શિક્ષકો કેવું શિક્ષણ આપે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગણોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો, જેના થકી શાળાઓનું મૂલ્યાંકન થાય છે. આ મૂલ્યાંકનનો રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં રાજ્યની સરકારી સ્કૂલોનું શિક્ષણ કથળી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

શિક્ષણની ગુણવત્તા નબળી પડી
ગ્રામ્ય વિસ્તારની 6 હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓને તાળાં મારવાનું કામ ભાજપ સરકાર કરવા જઈ રહી છે. એક તરફ, કોરોનાકાળમાં પાયમાલ થયેલા વાલીઓને ઊંચી ફી નહીં પોસાતાં તેઓ પોતાનાં બાળકોને ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં દાખલ કરાવી રહ્યા છે. બીજી બાજુ, સરકારી શાળાઓમાં જ શિક્ષણની ગુણવત્તા ઘટી રહેવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ગુણોત્સવ 2.0નું સરેરાશ પરિણામ 57.84 ટકા જ આવતાં B ગ્રેડ પ્રાપ્ત થયો છે.

વર્ષ-2009માં ગુણોત્સવ કાર્યક્રમ લાવવામાં આવ્યો
ગુણોત્સવ 2.0માં રાજ્યની કુલ 30 હજાર 681 પ્રાથમિક શાળા આવરી લેવામાં આવી હતી, જેના મૂલ્યાંકનમાં આ વિગતો સામે આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા સરકારી સ્કૂલોની ગુણવત્તા ચકાસવા માટે વર્ષ-2009માં ગુણોત્સવ કાર્યક્રમ લાવવામાં આવ્યો અને વર્ષ-2010થી તેની અમલવારી શરૂ કરી દેવાઈ હતી. જોકે અત્યારસુધીમાં કુલ 8 ગુણોત્સવ યોજાયા છે અને ગુણોત્સવનાં પરિણામને લઈ સરકાર દ્વારા ભારે વાહવાહી પણ ખાટવામાં આવી, પરંતુ વર્ષ-2019માં ગુણોત્સવની પદ્ધતિમાં મોટો ફેરફાર કરી ગુણોત્સવ 2.0 અમલમાં મૂકવામાં આવ્યો હતો.

ઝીણવટપૂર્વક ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું
ગુણોત્સવ 2.0માં સ્કૂલ ઈન્સ્પેક્ટરો દ્વારા વર્ષ દરમિયાન સ્કૂલોમાં ઝીણવટપૂર્વક ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેથી ગુણોત્સવ 2.0માં રાજ્યની સરકારી સ્કૂલોની નબળી ગુણવત્તાનો પર્દાફાશ થઈ ગયો છે. ગુણોત્સવ 2.0માં કુલ ચાર ભાગ પાડવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ભાગમાં અધ્યયન અને અધ્યાપન આવે છે, જેમાં એકમ કસોટીઓ, વર્ગખંડનું વાતાવરણ અને અધ્યયન તથા અધ્યાપન પ્રક્રિયાઓનો સમાવેશ કરાયો છે.

બીજા ક્રમે શાળાના ક્ષેત્રમાં શાળાની હાજરી, સંચાલન અને સલામતીનો સમાવેશ કરાયો છે. ત્રીજા ક્રમે સંસાધનોમાં પુસ્તકાલયનો ઉપયોગ, ટેકનોલોજીનો ઉપયોગ, મધ્યાહન ભોજન અને પાણી તેમજ શૌચાલયની વ્યવસ્થા તથા ચોથા ક્રમમાં સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પ્રાર્થના, રમતગમત, સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી સહિતની વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સરકારી સ્કૂલોનું સરેરાશ પરિણામ 57.84 ટકા
આ સિવાય જે ગ્રેડિંગ સિસ્ટમ અપનાવાઈ છે, એમાં 0થી 25 ટકા પરિણામમાં D ગ્રેડ, 26થી 50 ટકા પરિણામમાં C ગ્રેડ, 51થી 75 ટકામાં B ગ્રેડ, 75થી 85 ટકામાં A ગ્રેડ તેમજ 86થી 100 ટકામાં A+ ગ્રેડ આપવાનું નક્કી કરાયું હતું, જેમાં ગુજરાતની સરકારી સ્કૂલોનું સરેરાશ પરિણામ 57.84 ટકા આવતાં B ગ્રેડ પ્રાપ્ત થયો છે. એકમ કસોટી યોજાયા બાદ જે વિદ્યાર્થીઓ જે વિષયમાં નબળા હોય તેનું ઉપચારાત્મક શિક્ષણકાર્ય શિક્ષકોએ કરવાનું હતું, પરંતુ રાજ્યની 76 ટકા જેટલી શાળાઓમાં ઉપચારાત્મક શિક્ષણ થયું જ ન હોવાનું ગુણોત્સવ 2.0ના પરિણામમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...