રખડતા ઢોરથી લોકોના જીવને જોખમ:અમદાવાદમાં પરિવારને નડ્યો અકસ્માત, બાઈક સાથે ગાય અથડાતા બાળકો સાથે દંપતી રોડ પર પટકાયું

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટની ઝાટકણી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી કરાઈ રહી છે. તેમ છતાં પણ રખડતા ઢોર લોકો માટે જીવનું જોખમ બન્યા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં બાળકો સાથે દંપતી બાઈક ઉપર જતું હતું તે સમયે અચાનક જ રસ્તામાં ગાય આવતા બાળકો સાથે દંપતી રોડ પર પટકાયું હતું. જેમાં પિતાને હાથના ભાગે અને નાની બાળકીને ઇજા થઈ હતી. જ્યારે માતા અને બાળકનો આબાદ બચાવ થયો હતો. નિકોલ વિસ્તારમાં કાનાણી પરિવારને આ અકસ્માત નડ્યો હતો. ઇજાગ્રસ્ત બાળકી અને તેના પિતાને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બાઈક સાથે ગાય અથડાતા દંપતી રોડ પર પટકાયું
મળતી માહિતી મુજબ આજે બપોરે ભરતભાઇ કાનાણી તેમના પત્ની અને બાળકો સાથે બાઇક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે નિકોલ વિસ્તારમાં અચાનક જ રોડ પર ગાય આવી હતી અને ભરતભાઈના બાઈક સાથે અથડાઈ હતી. જેના કારણે તેઓએ બેલેન્સ ગુમાવ્યું હતું અને પરિવાર સાથે તેઓ રોડ પર પટકાયા હતા. ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલિક દોડ્યા હતા. આ અકસ્માતમાં ભરતભાઈ અને તેમની નાની બાળકીને ઇજાઓ થતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

21 ટીમો કાર્યરત છતાં રોજના માત્ર 2 જ ઢોર પકડવામાં આવે છે
મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએસનસીડી વિભાગ દ્વારા 21 જેટલો ટીમો બનાવી અને 24 કલાક કામગીરી કરવામાં આવતી હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ દિવસેને દિવસે રખડતા ઢોર પકડવાની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા ઢોર પકડવાની સંખ્યા 70 થી 100 વચ્ચે પહોંચી ગઈ છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ પહેલા 10 દિવસ 150 જેટલા ઢોર પકડવામાં આવતા હતા પરંતુ હવે સૌથી ઓછા ઢોર પકડવામાં આવી રહ્યા છે. 21 ટીમો કાર્યરત છતાં રોજના માત્ર બે જ ઢોર પકડવામાં આવે છે એવું સાબિત થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...