અમદાવાદ અકસ્માત:રખિયાલમાં એક્ટિવાને ટ્રકે ટક્કર મારતાં માસી અને બે ભાણિયા રોડની સાઈડમાં પડ્યા, એક બાળક પર ટાયર ફરી વળતાં મોત

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં બાળકનું માથું કચડાઈ ગયું હતું - Divya Bhaskar
અકસ્માતમાં બાળકનું માથું કચડાઈ ગયું હતું
  • એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો
  • અકસ્માત સર્જીને ટ્રકચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં પાયલ કોમ્પલેક્સ પાસેથી એક્ટિવા પર જઈ રહેલી માસી અને બે ભાણિયાઓને ટ્રક ચાલકે ટક્કર મારી હતી. જેમાં મહિલા અને બંને બાળકો રોડની બાજુમાં પડ્યા હતા. જેમાં 8 વર્ષીય બાળક ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા તેનું મોત નિપજ્યું હતું. આ અંગે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા ટ્રક ચાલકના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માસી ભાણિયાઓને ટ્યૂશન મૂકવા જતા હતા
મળતી માહિતી મુજબ રખિયાલ વિસ્તારમાં કલન્દરી મસ્જિદની ચાલીમાં રહેતા 35 વર્ષીય રૂબી સૈયદ બપોરના સમયે એક્ટિવા લઈને તેમની બહેનના દીકરા અર્શ તથા મોહમંદ હુસેનને ટ્યૂશન ક્લાસમાં મૂકવા માટે જઈ રહ્યા હતા. એક્ટિવા લઈને કલંન્દરી મસ્જિદથી અજીત મિલ તરફના રસ્તા પાસે પાયલ કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યા ત્યારે એક ટ્રક ચાલકે પાછળથી રૂબી બહેનના એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી રૂબીબહેન અને મોહમદ હુસેન અને 8 વર્ષીય અર્શ રસ્તા વચ્ચે પટકાઈ પડતા અર્શ ટ્રકના ટાયરમાં આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું.

ઈજાગ્રસ્ત માસી અને ભાણાને સારવાર માટે ખસેડાયા
આ અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક અચાનક ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ આસપાસના લોકો ભેગા થઈને ઈજાગ્રસ્ત રૂબી બહેન અને મોહમદ હુસેનને સારવાર માટે મોકલી આપ્યા હતા. બાદમાં રૂબી બહેને અજાણ્યા ટ્રક ચાલકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા એચ ટ્રાફિક ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.