એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા લાંચ માગવાના તથા અપ્રમાણસર મિલકતના કિસ્સામાં સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેમાં વર્ષ 2021માં ACB દ્વારા આવા 318 ગુનામાં ચાર્જશીટ કરવામાં આવી છે, જ્યારે 3939 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે, જે ACBના ઈતિહાસમાં સૌથી વધુ નિકાલની કામગીરી છે. આ સાથે જ ગુનો સાબિત કરવાના કન્વીક્શન રેટમાં પણ 3 ટકાનો વધારો નોંધાયો છે.
2021માં ACBનો કન્વીક્શન રેટ 43 ટકા રહ્યો
વર્ષ 2020માં ACBનો કન્વીક્શન રેટ 40 ટકા હતો જે વર્ષ 2021માં 43 ટકા રહ્યો. આમ કન્વીક્શન રેટમાં 3 ટકાનો વધારો થયો છે. ACB દ્વારા ટોલ ફ્રી નં.1064 ને બહોળી પ્રસિધ્ધી મળે અને લોકોમાં ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે જાગૃતિ લાવવા ગુજરાત રાજ્યના જીલ્લા, તાલુકા અને છેવાડાના ગામડાઓ સુધી બહોળી પ્રસિધ્ધિ કરવામાં આવે છે. વર્ષે 2021માં 1064 નંબર ઉપર કુલ-116 ફરીયાદો મળેલી જે પૈકી કુલ-25 કેસોમાં સફળ ટ્રેપ થયેલી છે. જેની ટકાવારી 21.55% રહેલી છે.
અપ્રમાણસર મિલકત અંગેના શોધાયેલ કેસો
ACB દ્વારા વર્ષ 2021માં કુલ-11 કેસ અપ્રમાણસર મિલકતના નોંધવામાં આવેલા છે. વર્ષ 2020માં કુલ 50 કરોડ 11 લાખ 12 હજાર 824 રૂપિયાની અપ્રમાણસરની મિલકત શોધી કાઢી હતી. જ્યારે વર્ષ 2021માં કુલ 56 કરોડ 61 લાખ 98 હજાર 440 રૂપિયાની માતબર રકમની અપ્રમાણસરની મિલકત શોધી કાઢી છે. જે અગાઉના વર્ષ કરતા રૂ.6.50 કરોડની વધારે અપ્રમાણસર મિલકત છે.
સૌથી મોટી 50 લાખની લાંચની સફળ ટ્રેપ
ACB દ્વારા તાજેતરમાં અમદાવાદ રેન્જની આર.આર.સેલ.ના પોલીસ કર્મચારીને રૂ.50 લાખની લાંચ લેતા પકડવામાં આવ્યા હતા. જે ગુજરાત ACBમાં સૌથી મોટી રકમની લાંચ લેવાનો સોપ્રથમ ટ્રેપનો કેસ છે.
ક્લાસ-2 અધિકારી પાસેથી 2.27 કરોડ મળ્યા
સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગરના સ્ટેટ પ્રોજેકટ ઇજનેર, વર્ગ-2ના અધિકારી નિપુણ ચોકસી રૂ.1.21 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. જેમાં ACBએ નિપુણ ચોકસીના રીમાન્ડ લઈને લોકર સર્ચ કરતા રૂ.2 કરોડ 27 લાખ 25 હજારની રકમ જપ્ત કરી હતી. જે એ.સી.બીના આજ સુધીના ઇતિહાસમાં સૌથી મોટી રકમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.