અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ડેન્ટલ અને ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગ થયાના બે કિસ્સા સામે આવ્યા હતા. જેમાં જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા રેગિંગ કમિટી થકી બંને કિસ્સામાં રેગિંગ કરનારને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ રેગિંગ કરનાર તબીબોને સસ્પેન્ડ સાથે તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી ABVP દ્વારા આવેદન આપી માંગણી કરવામાં આવી છે.
ABVP દ્વારા સિવિલ સુપરિટેનડેન્ટને આવેદન
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કાર્યકરો અને કેટલાક અભ્યાસ કરતા તબીબોને સાથે રાખીને સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડોક્ટર રાકેશ જોષી સાથે મિટિંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાકેશ જોશીને સિવિલમાં થતાં રેગિંગ મામલે કડક કાર્યવાહી કરવા ABVP દ્વારા જણાવવામાં આવ્યું હતું. ABVPએ આવેદન પણ આપ્યું હતું. જેમાં રેગિંગ કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તો હોસ્પિટલના કેમ્પસમાં ભવિષ્યમાં એક ઉદાહરણ મળી રહે તેવું જણાવ્યું હતું.
પોલીસ ફરિયાદ કરવા માગ કરી
તાજેતરમાં જ ડેન્ટલ વિભાગમાં થયેલ રેગિંગના કિસ્સામાં ABVP દ્વારા ડેન્ટલના ડીન ગિરીશ પરમારને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ત્રણ તબીબોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને સમર્થન આપ્યું છે. પરંતુ રેગિંગ કરનાર તબીબોને માત્ર સસ્પેન્ડ નહીં, પરંતુ તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આમ ABVP દ્વારા બંને આવેદન આપીને રેગિંગ કરનાર સામે પોલીસ કાર્યવાહીની જ માંગણી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.