સગો દીકરો જ ઐયાશ નીકળ્યો:અમદાવાદમાં બીમાર માતાના 25 લાખ લઈ ફરાર થયેલા દીકરાએ 4 કાર અને એક બાઈક ખરીદ્યું હતું

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત

પેટે જણેલા દીકરાને હાલરડાં ગાઈને જે મા મોટો કરે છે તેની જ મરણમૂડી લૂંટીને દીકરો ભાગે તો શું કરવું? અમદાવાદનાં કલાવતીબેનને તો ખબર પણ નહોતી કે જેમને ઘડપણની લાકડી સમજતા હતાં તે પેટનો દીકરો ઐયાશ નીકળ્યો. માતાની મરણમૂડીના એક-બે નહીં પણ પૂરા પચ્ચીસ લાખ બારોબાર બેંકમાંથી ઉપાડીને પેટે જણેલો દીકરો ભાગી ગયો હતો. તેને શોધવા માટે પોલીસ પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને ભેજાબાદ દીકરાની કડી મળી અને પોલીસે બેંગ્લોર પહોંચીને દીકરાની શોધખોળ શરૂ કરી. ત્યાર બાદ પોલીસના હાથે લાગેલા દીકરાએ જે વાતો કબૂલી તે ખૂબ જ ચોંકાવનારી છે.

આ પણ વાંચોઃ 'આવો દગો પેટનો દીકરો કરે, સાહેબ?', વૃદ્ધાના એક-એક લોહીના આંસુએ IPSને રડાવી દીધા, હવે પુત્રની જેમ રાખે છે સંભાળ

બેંક એકાઉન્ટમાંથી રૂ. 25 લાખ ઉપાડીને ફરાર થઈ ગયો
અમદાવાદના વેજલપુરના કલાવતીબાએ આખી જિંદગી કાળી મજૂરી કરીને રૂ. 25 લાખ જેટલી મરણમૂડી એકઠી કરી હતી. પરંતુ તેમનો કપાતર પુત્ર કોરા ચેક પર માતાની સહી કરાવી તેના બેંક એકાઉન્ટમાંથી રુ. 25 લાખ ઉપાડીને નાસી ગયો. માતાના 25 લાખ રૂપિયા જે તેણે આખરી સમય માટે રાખ્યા હતા તે એનો દીકરો માતાની સહીઓ કરાવીને ધીમે ધીમે ઉપાડતો ગયો હતો પોલીસને આ બધાની વચ્ચે દીકરો બેંગ્લોરમાં હોવાની કડી મળી અને તેને પકડવા માટે પોલીસની ટીમ બેંગ્લોર પહોંચી હતી. બેંગ્લોર પહોંચેલી પોલીસે દીકરાને ઝડપ્યો હતો. જ્યાં તે સામાન્ય નોકરી કરતો હતો તેની પાસે બે ટાઈમ ખાવાના પણ રૂપિયા વધ્યા ન હતા.

IPS આધિકારી માતાની મદદે આવ્યા
કલાવતીબેન સારી જગ્યાએ નોકરી કરતાં હતાં. આ નોકરીમાંથી નિવૃત્ત થતાં સમયે તેમને રૂ. 25 લાખ મળ્યા હતા. આ રૂપિયા લઈને દીકરો ઘરેથી જતો રહ્યો અને મા હવે બીમાર હતી. કલાવતીબેનને મદદ કરવાની આસપાસના લોકોએ તૈયારી બતાવી હતી. પરંતુ કલાવતીબેને કહ્યું, ભલે દીકરો જતો રહ્યો પણ મારી બેંકમાંથી તમે રૂપિયા લાવી આપો. કલાવતીબેનને ક્યાં ખબર હતી કે દીકરો બેંક બેલેન્સ પણ સફાચટ કરી ગયો છે. પાડોશીને જે ચેક લખી આપ્યો તે બાઉન્સ થયો ત્યારે તો માજીને ખબર પડી કે તેમના ખાતામાં માત્ર 1200 રૂપિયા છે. ભગીરથસિંહ જેવા માનવતાવાદી પોલીસ અધિકારીની તેમની પર નજર પડી. તેમણે જ બીમાર અને ભૂખી માને જમવાની વ્યવસ્થા કરી આપી. ઓશિયાળી બનેલી માતાને IPS આધિકારી મદદ કરી રહ્યા છે.

માતાના રૂપિયાથી ઐયાશી કરી અને માને તરછોડી
બેંગ્લોરમાં દીકરો પારસ સામાન્ય કામ કરતો હતો. જેમ-તેમ કરીને બે ટાઈમ જમતો હતો. તેની પાસે માતાની કમાયેલી જીવનભરની મૂડીની એક ફૂટી કોડી પણ ન હતી. તેને અમદાવાદ લાવીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી. પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તેણે ધીમે ધીમે માતાના રૂપિયાથી ચાર કાર અને એક બાઈક ખરીદી હતી. થોડા રૂપિયા તેણે ચાની કીટલી અને પાનનો ગલ્લો કરવા માટે વાપર્યા હતા. હવે તેની પાસે માતા સામે જવાનું કોઈ જ કારણ ન હતું. કારણ કે મા બીમાર હતી અને ખિસ્સામાં માતાનો કમાયેલો એક રૂપિયો વધ્યો નહોતો. જેથી તે બેંગ્લોર ભાગી ગયો હતો. આ અંગે ઝોન 7 ડીસીપી ભગીરસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમે આ દીકરાની ધરપકડ કરી છે તેણે તેની માની કમાયેલી પાઈએ પાઈ વાપરી નાખી છે. તેણે આ રૂપિયાથી કાર, બાઈક ખરીદી અને રૂપિયા પતી જતા ભાગી ગયો હતો. હવે તે જેલના સળિયા પાછળ છે.

અન્ય સમાચારો પણ છે...