કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજય કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી વર્ષે કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ ચાલતા વિવિધ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં હાલની બેઠકોમાં વધારો કરીને અંદાજીત ૩૦૦ જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ આપવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કૃષિ મંત્રીએ કહ્યું હતુ કે, આ નિર્ણયથી રાજયના કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને લાભ થશે. તે ઉપરાંત વિદેશના વધુ વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી શકે તે માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવા ભાર મુકવામાં આવ્યો છે. જે થકી અન્ય દેશોની શૈક્ષણિક સંસ્થાઓ સાથે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન વધુ મજબુત થશે. કૃષિ યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય વધુ સુદ્રઢ બને તે માટે જરૂરી ભરતી પ્રક્રિયાને વેગ આપવા મંત્રીએ સંબંધિતોને સૂચના આપી હતી.
ગુજરાત રાજયમાં કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ શિક્ષણ તથા ખેડૂતો માટે વિસ્તરણ પ્રવૃત્તિઓની સાથે વિવિધ પાકોમાં સંશોધન કાર્યવાહી હાથ કરવામાં આવે છે જેને બિરદાવવાની સાથે હજુ પણ વધુ ઉત્કૃષ્ટ સંશોધન કરી ખેડૂતોને સીધો ફાયદો થાય તે મુજબ આગામી વર્ષોમાં સંશોધન કાર્યો હાથ ધરવા કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ કૃષિ યુનિવર્સિટીઓની આગવી ઓળખ પ્રસ્થાપિત થાય જેનો સીધો લાભ ખેડૂતો-વિદ્યાર્થીઓને મળે તે માટે પ્રયત્નશીલ રહેવા સૂચનો કર્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.