વિદ્યાર્થીઓની યુક્રેનથી વતનવાપસી:44 ગુજરાતી વિદ્યાર્થીઓ મુંબઈ એરપોર્ટ પહોંચ્યા, ગુજરાત સરકારના અધિકારીઓએ એરપોર્ટ પર સ્વાગત કર્યું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુક્રેનથી ભારત આવી ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ - Divya Bhaskar
યુક્રેનથી ભારત આવી ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ
  • યુક્રેનમાં ફસાયેલા પૈકીના 100 ગુજરાતીઓ રવિવારે દિલ્હી અને મુંબઈ પહોંચશે, ગુજરાતમાં વોલ્વો બસમાં આવશે
  • પ્રધાનમંત્રીના દિશા દર્શનમાં ભારત સરકારે યુક્રેન સાથે સંકલન કરી રેસ્ક્યૂ ફ્લાઈટ શરૂ કરાવી: જીતુ વાઘાણી

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ સરકારના પ્રયત્નથી મુંબઈ આવી પહોંચ્યા છે. 44 વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની GSRTCની બે વોલ્વો બસ દ્વારા ગુજરાતમાં લાવવામાં આવશે અને તેમને વતન પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે. ગુજરાત સરકારના અધિકારીઓએ યુવાનોને એરપોર્ટ પર આવકાર્યા હતા.

ગુજરાત સરકારના અધિકારીઓએ યુવાનોને એરપોર્ટ પર આવકાર્યા
ગુજરાત સરકારના અધિકારીઓએ યુવાનોને એરપોર્ટ પર આવકાર્યા

ગુજરાતમાંથી યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા યુવાઓ યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધને કારણે ફસાયા છે. તેમને વતન ગુજરાત પરત લાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયે હાથ ધરેલા પ્રયાસો ફળદાયી રહ્યા છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રવિવારે વહેલી સવાર સુધીમાં દિલ્હી-મુંબઈ ખાતે કુલ 100થી વધુ ગુજરાતી યુવાનો યુક્રેનથી આવી પહોંચશે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકાર યુક્રેનમાં ફસાયેલા આ યુવાનોને સહીસલામત પરત લાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકરજી અને કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે સતત સંપર્ક અને સંકલનમાં છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે આ યુવાઓની માહિતી તેમ જ તેમના પરિવારજનો તથા સગાસંબંધીઓ વિગતો આપી શકે તે માટે એક હેલ્પલાઈન સવારે 9-00થી રાત્રિના 9-00 વાગ્યા સુધી શરૂ કરી છે. હેલ્પલાઈન નંબર - 079- 232- 38278. Email – nrgfoundation@yahoo.co.in રાજ્યના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા પોતાના સંબંધીઓની માહિતી કે વિગતો ઈમેલ દ્વારા પણ આપી શકે છે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે, ભારત સરકારે યુક્રેનથી યુવાઓને પરત લાવવા રેસ્ક્યૂ ફ્લાઈટ શરૂ કરી છે. તે અંતર્ગત બે ફ્લાઈટ દ્વારા ગુજરાતના કુલ 100 જેટલા યુવાઓ શનિવારે મોડી રાત્રે મુંબઈ અને રવિવાર વહેલી સવાર સુધીમાં દિલ્હી આવી પહોંચશે. રાજ્ય સરકારે આ યુવાઓને મુંબઈ અને દિલ્હીથી ગુજરાત પરત લાવવા અને તેમના વતન સુધી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરી છે. આ હેતુસર મુંબઈ અને દિલ્હી ખાતે વોલ્વો બસની સુવિધા તેમ જ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે જવાબદારી સોંપી મોકલવામાં આવ્યા છે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે, ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી યુક્રેન ગયા હોય તેવા કુલ 584 વ્યક્તિઓ ત્યાં ફસાયેલા હોવાની વિગતો હેલ્પલાઈન અને ઈમેલ દ્વારા પ્રાપ્ત થઈ છે. તેના અનુસંધાને પણ મુખ્યમંત્રી સતત ચિંતા કરીને આ લોકોને પણ સહીસલામત ગુજરાત પરત લાવવા માટે પ્રધાનમંત્રી અને કેદ્ર સરકાર સાથે સંકલનમાં છે. દિલ્હી અને મુંબઈથી જે યુવાનો આવશે તેમને અમદાવાદથી પોતાના વતન જિલ્લામાં જવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર કરશે. તથા જે વિદ્યાર્થીઓને અમદાવાદમાં રોકાણ માટેની જરૂરિયાત હોય તેમના માટે કેસીજીમાં વ્યવસ્થા કરવામાં આવશે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે, ગુજરાતના જે યુવાનો યુક્રેનમાં છે અને વર્તમાન સ્થિતિમાં ફસાઈ ગયા છે તે તમામ યુવાનોને સહીસલામત પરત લાવવા માટેની વ્યવસ્થાઓ માટે મુખ્યમમંત્રી એ રાજ્યના વહીવટીતંત્રને કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહેવા અને જરૂરી વ્યવસ્થા કરવા માર્ગદર્શન આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...