અમદાવાદ શહેરમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો વધવા માંડ્યા હોય તેમ લાગી રહ્યું છે. એમાંય પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર અણબનાવોનું પ્રમાણ વધુ જોવા મળે છે. ત્યારે શહેરમાં રહેતી પરિણીતાને પતિ અવારનવાર ખોટી શંકા રાખી માર મારી ત્રાસ આપતો હતો. એટલું જ નહીં, પતિ દારૂની ટેવે ચડી હેરાન કરતા અંતે પરણીતાં કંટાળી જતા રિવરફ્રન્ટ ખાતે આપઘાત કરવા પહોંચી જતા અભયમે તેનું કાઉન્સેલિંગ કરી તેને બચાવી હતી.
શહેરના પૂર્વ વિસ્તારમાં મહિલા તેની નવ વર્ષની દીકરી અને પતિ સાથે રહે છે. લગ્નના 10 વર્ષ થઈ ગયા હોવા છતાં પતિ અવારનવાર ખોટી શંકા રાખીને મારઝૂડ કરી ત્રાસ આપતો હતો. જો કે, પતિ ધીરેધીરે સુધરી જશે તેવું વિચારીને મહિલા પતિનો ત્રાસ સહન કરવા લાગી હતી. પરંતુ પતિ દારૂની ટેવે ચઢી જતાં રોજ ઘરે આવીને મારઝૂડ કરી હેરાન કરવા લાગ્યો હતો. એટલુ જ નહીં જો પિયરમાં આ અંગેની જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો.
મહિલા કંટાળી ગઈ હતી અને અંતે તેણે આપઘાત કરવાનો વિચાર કરીને રિવરફ્રંટ ખાતે પહોંચી હતી. જો કે એક જાગૃત નાગરિકે અભયમને કોલ કરી કહ્યું હતું કે, એક મહિલા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી છે. જેથી કોલના આધારે અભયમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં યુવતીની પુછપરછ કરી હતી. બાદમાં તેનું કાઉન્સલિંગ કરી તેને આશ્રય ગૃહમાં મોકલી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.