સાહેબ મિટિંગમાં છે:​​​​​​​ભાજપના હાર્ડકોર હિન્દુત્વ સામે ગુજરાતમાં AAPનું તીર્થયાત્રાનું સોફ્ટ હિન્દુત્વ, હાર્દિક-મેવાણી મુદ્દે ટ્વીટ કરનારા યજ્ઞેશ દવે ભરાયા!

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવ્યા છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના પગપેસારા બાદ ભાજપના નેતાઓ જાણે એકદમ એલર્ટ થઈ ગયા છે. કોઈ વિચાર કર્યા વિના ભાજપના નેતાઓ AAP સામે સીધી લડાઈમાં જાણે ઊતરી ગયા છે. જોકે સામે પક્ષે AAP પણ ગાંજી જાય એવી નથી, કારણ કે દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ AAPએ રાજકીય કૂટનીતિ એકદમ મજબૂત કરી દીધી છે. ભાજપ વિકાસ અને હિન્દુત્વના મુદ્દે જ ચૂંટણી લડશે એનો પાક્કો વિશ્વાસ AAPને છે. આ કારણથી AAPના નેતા કેજરીવાલે કાઉન્ટર એટેક કરતા દિલ્હીમાં તેમની સરકારે કરેલાં વિકાસનાં કામોનો ગુજરાતમાં પ્રચાર શરૂ કર્યો છે. હમણાં રાજકોટની સભામાં તો તેમણે વડીલોને રેલવેના થર્ડ-એસી ડબ્બામાં મફતમાં તીર્થયાત્રા કરાવવાનાં વચનો પણ આપ્યા છે. આ સાથે તેઓ સોફ્ટ હિન્દુત્વ ફેક્ટર પણ ઊભું કરી રહ્યા છે. આમ, ભાજપની જ સ્ટ્રેટેજી અપનાવી તેને ટક્કર આપવા AAP મથી રહી છે, હવે બધો આધાર મતદારો પર છે.

હાર્દિક-મેવાણી સામે ભાજપના યજ્ઞેશ દવેની ટ્વીટ બૂમરેંગ થઈ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ ઉત્સાહમાં આવી હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીના મામલે ટ્વીટ કરી દીધું, પણ હવે એ બૂમરેંગ થઈ જતાં ભાજપના નેતાઓ પણ ભોંઠા પડી ગયા હતા. બ્રહ્મ સમાજની આગેવાની કરતાં-કરતાં ભાજપના પ્રદેશ પ્રવક્તા સુધી પહોંચી ગયેલા યજ્ઞેશ દવેએ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત દરમિયાન ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે હાર્દિક પટેલને 2 વર્ષની જેલની સજા થઈ, તેના પર 32 કેસ થયા અને તે 10 મહિના જેલમાં રહ્યો, પરંતુ રાહુલ ગાંધીએ મંચ પરથી એનો ઉલ્લેખ ન કર્યો પણ જિજ્ઞેશ મેવાણી તો 10 જ દિવસ જેલમાં રહ્યો છતાં તેનો ઉલ્લેખ કર્યો. આમ, તેમણે રાહુલને ટાર્ગેટ કરીને હાર્દિક પટેલ ભાજપમાં આવી રહ્યાના સંકેત આપવા ગયા. જોકે અગાઉ હાર્દિક સાથે સક્રિય અને હાલ ભાજપમાં સક્રિય વરુણ પટેલે ટવીટ કરીને યજ્ઞેશ દવેને જ ટેગ કરીને કહ્યું હતું, ભાઈ, 32 કેસ તો મારી પર પણ છે, હું પણ પોલીસ કસ્ટડીમાં બહુ રહ્યો છું, થોડો મારા નામનો પણ ઉલ્લેખ કરો... અમે પણ ભાજપના પ્રેમના હકદાર છીએ.

ભાજપની ભરતીની લાલચમાં ન આવવાની રાહુલની સલાહનું શું થશે?
હમણાં જ ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રદેશ નેતાઓને સલાહ આપી હતી કે કોઇપણ ધાકધમકીથી ડરવાનું નથી કે લોભ-લાલચમાં આવવાનું નથી. મેવાણીનો ખાસ ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આસામ પોલીસની કાર્યવાહીની અદાલતે પણ ટીકા કરી હતી. જિજ્ઞેશ મેવાણીએ ભયભીત થયા વિના ભાજપને ખુલ્લી ચેલેન્જ કરીને મુકાબલો કર્યો હતો. કોંગ્રેસના આંતરિક મતભેદો પર ખાસ ટકોર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નેતાઓમાં અંદરોઅંદરની લડાઈ ચાલુ હોય તો જીતના માર્ગમાં મોટો અવરોધ બને છે. કોઇ મતભેદો હોય તો મિટાવવા પડશે અને તો જ પાર્ટી જીત મેળવી શકશે. કોઇપણ નેતાઓને કોઇ ફરિયાદ હોય તો હાઈકમાન્ડના દરવાજા ખુલ્લા છે. હવે જોઈએ ગુજરાત કોંગ્રેસમાં ખરેખર કેટલા નેતાઓ રાહુલની સલાહને સાચેસાચ માને છે.

હવે સચિવાલયનો રસ્તો અમદાવાદ મ્યુનિ.માંથી નીકળે છે
ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાતાં જ જાણે અમલદારોના સચિવાલય પહોંચવાના રૂટ પણ બદલાઈ ગયા છે. તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના (AMC) ચાર અધિકારીની ગાંધીનગરમાં મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર બદલીઓ થઈ છે. સૌથી પહેલા તો AMCમાં DyMC તરીકે ફરજ બજાવતા એમ ડી મોડિયાની CMના સચિવ તરીકે નિમણૂક કરાઈ. તેના થોડાક દિવસોમાં જ અમદાવાદના વધુ એક DyMC ડીપી દેસાઈને માહિતી ખાતામાં મહત્ત્વનો હવાલો સોંપાયો. તેના થોડાક દિવસોમાં તેમને ઔડાના CEO પણ બનાવી દેવાયા જે પાછું મહત્ત્વનું પોસ્ટિંગ છે. હજી ગયા મહિને જ અમદાવાદના વધુ એક DyMC આર કે મહેતાની માહિતી નિયામક તરીકે ગાંધીનગર બદલી થઈ. હવે બીજા પણ અમલદારો રાહમાં છે કે ક્યારે અગાઉ અમદાવાદ મ્યુનિ. અને ઔડામાં મહત્ત્વના હોદ્દા સંભાળનારા CMની તેમની ઉપર પણ અમીદૃષ્ટિ પડે છે.

રાજેન્દ્ર ત્રિવેદીની રંગીન કોટીઓ નરેન્દ્રભાઈની યાદ અપાવે છે
પૂર્વ સ્પીકર અને વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મહેસૂલમંત્રી તથા નંબર 2નું સ્થાન ધરાવનારા રાજેન્દ્ર ત્રિવેદીએ તાજેતરમાં બજેટ સત્રમાં જે રીતે વિપક્ષોના હુમલાને ખાળ્યા એને કારણે તો ચર્ચામાં રહ્યા, પરંતુ અત્યારે બીજા એક કારણથી પણ તેઓ ચર્ચામાં છે. રાજેન્દ્ર ત્રિવેદીની રંગબેરંગી કોટીઓ.. હમણાં જ કમલમમાં એક કાર્યક્રમમાં ભાજપના જ બે-ત્રણ સિનિયર નેતાને વાતો કરતા સાંભળવા મળ્યા હતા કે ભૂપેન્દ્રભાઈ કરતાં તો રાજેન્દ્રભાઈનો ઠાઠમાઠ વધી ગયો હોય તેમ લાગે છે. જિતુભાઈ જેવા મંત્રીઓ તો વારેઘડિયે બોલવામાં બાફે પણ છે, પણ રાજેન્દ્રભાઈ તો સિંઘમની જેમ મહેસૂલ ઓફિસોમાં દરોડા પાડીને સોટ્ટા પાડે છે. પાછું તેમની રંગબેરંગી કોટીઓ જોઈને મોદીસાહેબ યાદ આવી જાય છે, જેઓ ગુજરાતમાં હતા ત્યારે આવી જ કોટીઓ પહેરતા હતા.

અન્ય સમાચારો પણ છે...