આપની પ્રેસ કોન્ફરન્સ:હવે બદલાશે ગુજરાત, દિલ્હી મોડલથી ગુજરાતમાં ચૂંટણી લડવા કેજરીવાલનો સંકેત, કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહેલા અરવિંદ કેજરીવાલ - Divya Bhaskar
પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહેલા અરવિંદ કેજરીવાલ
  • પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીને ખેસ પહેરાવી કેજરીવાલે વિધિવત આપમાં પ્રવેશ કરાવ્યો
  • ભાજપને જ્યારે-જ્યારે પણ જરૂર પડી છે, કોંગ્રેસે જ તેને માલ સપ્લાય કર્યો છેઃ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના (આપ) નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતના એક દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. વલ્લભસદનના હોલમાં પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીને વિધિવત ખેસ પહેરાવી કેજરીવાલે તેમનો વિધિવત આપમાં પ્રવેશ કરાવ્યો હતો. આ સમયે તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે પણ તેમાં કોંગ્રેસનું સૌથી મોટું યોગદાન છે. વાસ્તવમાં ભાજપને જ્યારે-જ્યારે પણ જરૂર પડી છે, કોંગ્રેસે જ તેને માલ સપ્લાય કર્યો છે.

2022માં ગુજરાતની તમામ 182 સીટ પર આપ ઝંપલાવશે
કેજરીવાલે ઘોષણા કરી હતી કે, આગામી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યની તમામ 182 સીટ પર આપ લડશે. ગુજરાતમાં આજ યુવાનો બેરોજગાર છે, વિદ્યાર્થીઓને સારું શિક્ષણ નથી મળતું. સરકારી સ્કૂલો અને હોસ્પિટલોની હાલત ખરાબ છે. હવે ગુજરાતનું મોડલ ગુજરાતના પોતાના લોકો જ તૈયાર કરે તે સમય પાકી ગયો છે. હું અહીં જનતાના મુદ્દાઓની વાત કરવા જ આવ્યો છું અને જનતા જ અમારો ચહેરો છે કારણ કે કેજરીવાલ તો બહુ નાનો માણસ છે. દિલ્હીના 2 કરોડ લોકો પોતાનું પ્રારબ્ધ નક્કી કરી ચૂક્યા છે અને હવે ગુજરાતનો વારો છે.

આજે ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે:કેજરીવાલ
આજે ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે:કેજરીવાલ

કોંગ્રેસ તો ભાજપના ખિસ્સામાં, કોરોનામાં બંને પાર્ટીએ ગુજરાતને અનાથ તરછોડ્યું
કેજરીવાલે ઉમેર્યું હતું કે, હકીકતમાં તો ગુજરાતમાં કોંગ્રેસ આજે ભાજપના ખિસ્સામાં છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં બંને પાર્ટી વચ્ચે મિત્રતા છે અને બંને ભેગા મળીને રાજ કરી રહી છે.આજે ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાતમાં સરકારી હોસ્પિટલોની બદતર હાલત છે, ગુજરાતમાં સરકારી સ્કૂલો મરવા પડી છે. આ બધા માટે આ બંને ભાજપ-કોંગ્રેસની મિત્રાચારી જ જવાબદાર છે. કોરોનાના કપરાકાળમાં તો એક વર્ષથી બંને પાર્ટીઓએ મળીને ગુજરાતને અનાથ તરછોડી દીધું છે.

પૂર્વ પત્રકાર ઈસુદાનને આપમાં આવકારી રહેલા અરવિંદ કેજરીવાલ
પૂર્વ પત્રકાર ઈસુદાનને આપમાં આવકારી રહેલા અરવિંદ કેજરીવાલ

એરપોર્ટ પર કર્મીએ કહ્યું- 'ઈસુ​​​​​​​દાન તો અમારા ગુજરાતના કેજરીવાલ છે'
કેજરીવાલે પત્રકાર પરિષદના આરંભે ઈસુદાનને ખેસ પહેરાવીને તેમનું આપમાં સ્વાગત કર્યું હતું. તે પછી પત્રકારોને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે, હું અહીં આવ્યો તે પછી એરપોર્ટ પર એક કર્મચારીએ મારી પાસે સેલ્ફી ખેંચાવવા રિક્વેસ્ટ કરી. મેં તેમની સાથે સેલ્ફી ખેંચાવી તે પછી તેમણે મને પૂછ્યું કે તમે શા માટે અહીં આવ્યા છો? મેં તેમને કહ્યું કે, ઈસુ​​​​​​​દાન ગઢવીને આમ આદમી પાર્ટીમાં સામેલ કરાવવા હું અહીં આવ્યો છું તો તેમણે મને કહ્યું કે, ઈસુદાન તો અમારા ગુજરાતના કેજરીવાલ છે.

દેશની આઝાદીમાં ગુજરાતીઓના યોગદાનમાં 'સરદાર'નું જ નામ લીધું
કેજરીવાલે દેશની આઝાદી અને ત્યારબાદ તેના નિર્માણમાં ગુજરાતીઓના યોગદાનને બિરદાવ્યા હતા. જો કે, આ વેળાએ તેમણે વ્યૂહાત્મક રીતે ફક્ત સરદાર વલ્લભભાઈ પટેલનું જ નામ લીધું હતું. બાકી, મહાત્મા ગાંધી સહિત અન્ય કોઈ ગુજરાતી નેતાઓના નામ લીધા નહોતા. કેજરીવાલે કહ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં ગુજરાતી નેતાઓ જ નહીં, ગુજરાતી આમઆદમીનું પણ મહત્ત્વનું યોગદાન હતું. દેશ આઝાદ થયો તે પછી 500થી વધુ રજવાડાઓને એક કરીને સરદારે ખરા અર્થમાં દેશને એક કર્યો હતો. સરદારના યોગદાન વિના આજે જે ભારત છે તે બની શક્યું ન હોત.

આપના સ્વરૂપમાં ગુજરાતીઓને એક મોટો વિકલ્પ મળ્યો છે
ગુજરાતમાં સિસ્ટમ અંદરથી જ કરપ્ટ થઈ ચૂકી છે અને બધા રાજકીય પક્ષો અંદરો-અંદર મળેલા છે, એમ જણાવી કેજરીવાલે ઉમેર્યું હતું કે, સિસ્ટમની બહાર રહીને ફક્ત ન્યૂઝ ડિબેટ કરી શકીએ પણ સિસ્ટમને બદલવા તો તેમાં અંદર જ આવવું પડે. આવામાં ઈસુ​​​​​​​દાનનો બહુ મોટો ત્યાગ છે કારણ કે તેઓ પોતાની કારકિર્દી છોડીને રાજકારણમાં આવ્યા છે. હવે ગુજરાત બદલાશે. મારો તમને એક જ સવાલ છે કે દિલ્હીમાં જો તમને ઈલેક્ટ્રિસિટી ફ્રી મળી રહી છે તો ગુજરાતને કેમ ન મળે.

સુદાને કહ્યું, સિસ્ટમની ગંદકી દૂર કરવા રાજકારણમાં ઉતર્યો છું
પોતાની પત્રકારત્વની કારકિર્દી છોડીને આપમાં જોડાયા બાદ ઈસુદાને કહ્યું હતું કે, 16 વર્ષની પત્રકારત્વની કારકિર્દીમાં કદી વિચાર્યું નહોતું કે હું ક્યારેય રાજકારણી બનીશ. પત્રકાર તરીકે લોકોની મદદનો પૂરતો પ્રયાસ કર્યો, પરંતુ પત્રકારની એક લક્ષ્મણરેખા હોય છે, જે ઓળંગી ન શકાય. જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે અને હવે હું સિસ્ટમની અંદરની ગંદકી દૂર કરવા રાજકારણમાં ઉતર્યો છું. દરેક યુવાન, મહિલાને વિનંતી કરું છું, ખેડુતો વેપારીઓ માટે મેદાનમાં ઉતર્યો છું તો સાથ આપજો.

અગાઉ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરાયું, પોલીસનો મોટો કાફલો
ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા છે. હવે ટૂંક સમયમાં નવરંગપુરા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરશે. કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર બેનર પણ લગાવ્યા હતા. કેજરીવાલના સ્વાગતને લઈને અમદાવાદ શહેર પ્રમુખ જે. જે મેવાડા, ભેમાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકરો એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારી સહિત 40 જેટલાં કર્મીઓ ગોઠવાયા ગયા હતા. એરપોર્ટ પર કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી.