તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘આમઆદમી'ના ફાયદા:ગુજરાતમાં ‘આપ’ની એન્ટ્રીથી રાજકીય પક્ષોને ફાયદો થાય કે નુકસાન, પણ જનતાને તો ફાયદો જ ફાયદો થઈ શકે છે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • કૉપી લિંક
  • ગુજરાતમાં વર્ષોથી પ્રાદેશિક પક્ષ કે અપક્ષને બદલે રાષ્ટ્રીય પક્ષને જ મતદારો વધુ પસંદ કરી રહ્યા છે
  • ગુજરાતમાં ‘આપ’ ની એન્ટ્રી સાથે જ સત્તાપક્ષ ભાજપ માટે પડકાર ઊભો થયો છે

ગુજરાતમાં ‘આપ’ના આગમનથી રાજકીય પક્ષોને ફાયદો કે નુકસાન થશે એના કરતાં જનતા માટે ફાયદો જ ફાયદો થાય એમ છે. AAPના આવવાથી ગુજરાતના લોકોને ચોક્કસ ત્રણ રીતે ફાયદો થશે. સરકાર બચાવવા હવે ભાજપે લોકોનાં વધુ કામ કરવાં પડશે.કોંગ્રેસ વિપક્ષ તરીકે વધુ સક્રિય થતાં સરકાર હંમેશાં વિપક્ષના મુદ્દા પ્રત્યે સજાગ રહેશે. આમઆદમી પાર્ટીના ડરથી પણ શિક્ષણ, હેલ્થ, વીજળી જેવા મુદ્દે સરકારે દિલ્હી મોડલ જેવા લાભો આપવા પડશે.

મતદારોને ચૂંટણીમાં પણ એક વિકલ્પ મળી રહ્યો છે
ગુજરાતના રાજકારણ અને સત્તાકારણમાં છેલ્લાં 25 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષ વચ્ચે જ લડાઈ ચાલતી હતી, જેમાં સ્થાનિક સ્વરાજ્યથી સંસદ સુધી ભાજપનો દબદબો જ ચાલી રહ્યો છે. આ સમયે ગુજરાતમાં એકાએક આમઆદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી સાથે જ ગુજરાતના રાજકારણમાં નવાં સમીકરણો બનવા લાગ્યાં છે, જેનો લાભ રાજ્યની પ્રજાને મળી શકે છે. એની સાથે મતદારોને ચૂંટણીમાં પણ એક વિકલ્પ મળી રહ્યો છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સુરતની મુલાકાત લીધી હતી.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સુરતની મુલાકાત લીધી હતી.

ભાજપ જીતતો નથી, કોંગ્રેસ હારી રહી છે
ગુજરાતના રાજકારણમાં વર્ષોથી પ્રાદેશિક પક્ષ કે અપક્ષને બદલે રાષ્ટ્રીય પક્ષને જ મતદારો વધુ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય પક્ષ જ સક્રિય હોવાથી મતદારો માટે માત્ર બે જ વિકલ્પ રહેતા હતા. પરિણામે, સત્તાધારી પક્ષ ભાજપને સત્તાનો ફાયદો મળી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદને કારણે જનતા સાથેનું સીધું જોડાણ તૂટી જવાથી પ્રજા પણ કોંગ્રેસથી દૂર થવા લાગી હતી. એનો પણ સીધો લાભ ભાજપને મળતો રહ્યો છે, એટલે તો રાજકીય વિશ્લેષકો પણ કહેતા આવ્યા છે કે ગુજરાતમાં ભાજપ જીતતો નથી, કોંગ્રેસ હારી રહી છે, તેથી સત્તામાં ભાજપ ટકી શકે છે.

ઉદ્યોગપતિ મહેશ સવાણી આમઆદમી પાર્ટીમાં જોડાયા.
ઉદ્યોગપતિ મહેશ સવાણી આમઆદમી પાર્ટીમાં જોડાયા.

ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં ‘આપ’ની એન્ટ્રી
ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં છેલ્લા કેટલાક સમયથી આમઆદમી પાર્ટીએ ગુજરાતમાં ધીમા પગલે પગપેસારો કર્યો હતો, પરંતુ જોઈએ એટલો ફાયદો તો ઠીક જનતાના મન સુધી પહોંચી શકી નહોતી. પણ છેલ્લા એકાદ વર્ષથી આમઆદમી પાર્ટી એકદમ સક્રિય રીતે ગુજરાતમાં આવી હતી, એમાં પણ સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ‘આપ’ને સાથ આપવા મતદારો બહાર આવ્યા અને મહાનગરપાલિકાથી લઈને જિલ્લા-તાલુકા પંચાયતમાં જીત મેળવી ‘આપ’નો ઉદય થયો હતો.

પૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવી પણ આમઆદમી પાર્ટીમાં જોડાયા હતા.
પૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવી પણ આમઆદમી પાર્ટીમાં જોડાયા હતા.

સત્તાપક્ષ ભાજપ માટે પડકાર ઊભો થયો
ગુજરાતમાં ‘આપ’ની એન્ટ્રી સાથે જ સત્તાપક્ષ ભાજપ માટે પડકાર ઊભો થયો છે, સાથે સાથે કોંગ્રેસ માટે પણ કપરા ચઢાણ બની શકે છે. આગામી ચૂંટણીઓમાં જનતા ‘આપ’ને સાથ આપે તો કોંગ્રેસ બીજો નહીં ત્રીજો વિકલ્પ બની શકે છે, જેથી ‘આપ’ની એન્ટ્રી ગુજરાતની વર્ષોજૂની રાજકીય પેટર્નને બદલવામાં સફળ થઈ શકે છે, કેમકે એવું કહેવાય છે કે વર્ષોથી ભાજપ સત્તા પર જ છે, એની પાછળનું મુખ્ય કારણ પ્રજા પાસે કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નહોતો અને પ્રજાને કોંગ્રેસની સત્તા પર ભરોસો નહોતો, એટલે ના છૂટકે ગુજરાતના શાણા મતદારો ભાજપને ચૂંટીને સત્તામાં મોકલી રહ્યા હતા, પણ હવે આમઆદમી પાર્ટી એક વિકલ્પ બની શકે છે, જે ગુજરાતના રાજકારણમાં અને મતદારો માટે ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. ગુજરાતમાં ‘આપ’ના આગમનથી રાજકીય પક્ષોને ફાયદો કે નુકસાન થશે. એના કરતાં જનતા માટે ફાયદો જ ફાયદો થાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...