ઘ ટનાક્રમ સનસનાટીભર્યો છે. આ ઘટના ઘટી છે સુરત પૂર્વની વિધાનસભા બેઠક પર. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા મંગળવારે રાત્રે અચાનક ગાયબ થઈ જાય છે. આખી રાત તેમની શોધખોળ ચાલે છે. ક્યાંય કોઈ પત્તો કે ઠેકાણું જડતું નથી. પાર્ટી દાવો કરે છે કે તેમનું અપહરણ કરાયું છે. સમગ્ર શહેરમાં આ વાતની ચર્ચા થાય છે. સુરતથી ગાંધીનગર અને ગાંધીનગરથી દિલ્હી સુધીના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચે છે. પણ બુધવારે સવારે જરીવાલા અચાનક પ્રગટ થાય છે. પોલીસ સુરક્ષા વચ્ચે તેઓ સીધા ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચે છે અને પોતાની ઉમેદવારી પાછી ખેંચે છે.
જ્યારે પત્રકારોએ પૂછ્યું તો તેમણે કહ્યું, ‘હું રાજીખુશીથી મારી ઉમેદવારી પાછી ખેંચું છું.’ આ નિવેદન સાથે જ સુરત પૂર્વની બેઠક પરથી આમ આદમી પાર્ટી લડાઈની બહાર થઈ જાય છે. પણ રાજકારણનો એક નિયમ છે. શરૂ થયેલા વિવાદનો અંત એમ આસાનીથી આવતો નથી. અહીં પણ એવું જ થયું. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનું નિવેદન આવે છે કે આ કિડનેપિંગ હતું. અને ગનપોઇન્ટ પર મારી પાર્ટીના ઉમેદવારને ઉમેદવારી પાછી ખેંચવાની ફરજ પાડવામાં આવી છે.
વાત દિલ્હી સુધી પહોંચી છે. ત્યાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સીધા ચૂંટણી પંચના મુખ્યાલયે પહોંચીને ધરણા પર બેસી જાય છે. તેઓ ઈમાનદારીથી તપાસની માગણી કરે છે. જ્યાં સુધી તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી સુરત પૂર્વની બેઠક પર ચૂંટણી પ્રક્રિયા અટકાવી દેવાની પણ માગ કરે છે. બાદમાં ઇલેક્શન કમિશન ગુજરાત ચૂંટણી પંચને આ અંગે તપાસ કરવા આદેશ આપે છે. બીજી તરફ નિવેદનોનું વાવાઝોડું ફૂંકાય છે. સંજય સિંહથી લઈને રાઘવ ચઢ્ઢા, ગોપાલ ઇટાલિયાથી લઈને અરવિંદ કેજરીવાલ સુધી સૌ મેદાનમાં ઉતરે છે.
ગુજરાતમાં લોકશાહી સામે મોટો ખતરો હોવાનું જણાવે છે. સાંજે ભાજપ પ્રેસ કોન્ફરન્સ યોજીને આપના આક્ષેપોને ફગાવે છે. ભાજપે કહ્યું કે જરીવાલાએ જાતે ઉમેદવારી પાછી ખેંચી છે. જો કે એ અલગ વાત છે કે આ સમગ્ર રાજકીય ઘટનાક્રમનો સીધો ફાયદો ભાજપને મળે છે. મૂળ સુરતીઓની આ સીટ પર 2017માં ભાજપનો 13 હજાર વોટથી વિજય થયો હતો.આ વખતે લડાઈ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે હતી. કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાઇકલવાલા છે.
તેઓ મુસ્લિમ છે આ સીટ પર મુસ્લિમોના 92 હજાર વોટ છે જ્યારે રાણા જ્ઞાતિના 40 હજાર અને ખત્રી જ્ઞાતિના 18500 વોટ છે. ભાજપમાંથી અરવિંદ રાણા મેદાનમાં છે. આપે કંચન જરીવાલાને ઉતાર્યા હતા. જરીવાલા પણ રાણા છે. અહીં ભાજપને સૌથી મોટો ડર વોટ વહેંચાવાનો હતો. ડરનું એક કારણ એ પણ હતું કે 2020માં કોર્પોરેશનની ચૂંટણીમાં જરીવાલાએ આ વિસ્તારના વોર્ડ 13માંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. અને 11 હજાર વોટ પણ મેળવ્યા હતા. એટલે 10થી 12 હજાર વોટ જરીવાલા ખેંચી જશે એ નક્કી હતું. જો એમ થતું તો ભાજપને આ બેઠક ગુમાવવાનો વારો આવતો.
ભાજપને આશા હતી કે જરીવાલાનું ફોર્મ રદ થશે. ફોર્મ તો રદ થયું નહીં પણ હાઇ વોલ્ટેજ ડ્રામામાં જરીવાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. હવે અસલમે પોતાને ટેકો આપવા માટે આમ આદમી પાર્ટીને અપીલ કરી છે. હવે આ બેઠક પર આપ પોતાના ચૂંટણી ચિહ્ન પર ઉમેદવાર ઉતારી નહીં શકે. આપ હવે ડમી ઉમેદવાર સલીમ મેનનને ઉતારી રહ્યો છે. સલીમનું ફોર્મ મંજૂર થશે તો હવે વોટ વહેંચાવાનો ડર અસલમ સાઇકલવાલાને થશે. દરમિયાન રાજીખુશીથી ફોર્મ પાછુ ખેંચ્યું હોવાનો દાવો કરનાર જરીવાલાએ મોડી સાંજે એક નિવેદન બહાર પાડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.