કેજરીવાલનું મિશન ગુજરાત 2022:ઓગસ્ટના પહેલા વીકમાં 4 વખત ગુજરાત આવશે 'AAP' સુપ્રીમો, શ્રાવણના પહેલા સોમવારે જ સોમનાથમાં સભા

અમદાવાદ18 દિવસ પહેલા

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતો લઈ રહ્યાં છે. 26 જુલાઈએ તેઓ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં. ત્યાર બાદ તેમણે રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. હવે ફરીવાર તેઓ ઓગસ્ટની 1, 6, 7 અને 10 તારીખે ગુજરાત આવશે. સોમનાથમાં જંગી સભા સંબોધશે. તે ઉપરાંત વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ ગુજરાતમાં અવરજવર વધી રહી છે.

કેજરીવાલે રાજકોટમાં વેપારીઓને આ પાંચ વાયદા કર્યા
આ સાથે તેમણે વેપારીઓ અને ઉદ્યોગકારોને 5 ગેરંટી આપી હતી કે, જો અમારી સરકાર ગુજરાતમાં આવશે તો અમે તમને વચન આપીએ છીએ કે આ પાંચ કાર્યો પહેલા કરીશું. જેમાં પ્રથમ તો ભયનું વાતાવરણ ખતમ કરીશું,નિડરતાથી વેપારી-ઉધોગપતિ કામ કરી શકે તેવું વાતાવરણ બનાવીશું, દરેક વેપારી-ઉધોગપતિને ઇજ્જત આપીશું. સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું. GSTના રિફંડ છ મહિનામાં આપીશું. GST અંગેની ગૂંચવણોને દૂર કરીશું અને વેપારી-ઉધોગપતિઓને ભાગીદાર બનાવીશું, તેમના સૂચનો લેશું અને સમસ્યાઓનો હલ કરીશું.

કેજરીવાલ 26 જુલાઈએ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતાં
કેજરીવાલ 26 જુલાઈએ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતાં

સરકારે GST અંગે વિનામૂલ્યે સલાહ આપવી
કેજરીવાલે રાજકોટમાં જણાવ્યું હતું કે, સરકારે GST અંગે વિનામૂલ્યે સલાહ આપવી જોઈએ. કારણ કે, વેપારીઓને GST અંગે સલાહ લેવા માટે ખૂબ જ ખર્ચ કરવો પડે છે. તેમાંય ગુજરાતમાં તો વેપારીઓને ડરાવવામાં આવ્યા છે. સુરતમાં એક વર્ષ પહેલાં વેપારીઓને મળ્યો ત્યારે કાર્યક્રમ જ રદ કરાવી નાખ્યો હતો. આજે તમે બધા મોટી સંખ્યામાં આવ્યા તેનાથી મને આનંદ થયો છે. દિલ્હીમાં સરકાર નફામાં ચાલી રહી છે. જ્યારે ગુજરાત સરકાર ખોટમાં છે.

300 યુનિટ મફત વીજળીની જાહેરાત કરી હતી
અરવિંદ કેજરીવાલે તેમની સુરતની મુલાકાત દરમિયાન, ગુજરાતમાં સરકાર રચ્યાના ત્રણ મહિનામાં 24*7 મફત વીજળીના 300 યુનિટની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, તેમણે 31 ડિસેમ્બર 2021 સુધીના જૂના ઘરેલું વીજળીના બિલને માફ કરવાની પણ જાહેરાત કરી હતી.સુરત મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, “જે દિલ્હી અને પંજાબમાં કરવામાં આવ્યું, તે હવે અમે ગુજરાતમાં કરીશું.” કેજરીવાલે ઉમેર્યું હતું કે, વર્તમાન સરકારે 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ અમે તેમની જેમ કોઈ રાજકારણ નથી કરી રહ્યા કારણ કે આપ પ્રામાણિક લોકોની પાર્ટી છે. અમે જે કહીએ છીએ તે અમે કરીએ છે. જો અમે ગેરંટી પૂરી નહીં કરીએ તો અમે ફરી વોટ માંગવા નહીં આવીએ.

કેજરીવાલે રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો
કેજરીવાલે રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો

વડાપ્રધાન અને અમિત શાહની અવરજવર વધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. તેમણે સાબર ડેરીમાં દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. હવે તેઓ આવતીકાલે ફરીવાર ગુજરાત આવશે અને ગાંધીનગરમાં GIFT સિટીની પણ મુલાકાત લેશે. GIFT સિટીની શરુઆત ગાંધીનગરના મહાત્મા મંદિરથી કરવામાં આવી હતી. તેઓ ગાંધીનગરમાં બુલિયન એક્સચેન્જની પણ મુલાકાત લેવાના છે. તેમનો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ કાર્યક્રમ યોજાવાનો છે. હિંમતનગરમાં સાબરડેરીના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના છે.

આમ આદમી પાર્ટીની લહેરથી ભાજપ ચિંતામાં
ગુજરાતમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે. પરંતુ હવે ગુજરાતમાં એક નવી લહેર જોવા મળી છે. વિધાનસભાની ચૂંટણીના આડે હવે માત્ર 6 મહિના બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બનાવવામાં આવેલી લહેર ભાજપ અને કોંગ્રેસને હેરાન કરી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ ગુજરાત તેમનું હોમ સ્ટેટ હોવા ઉપરાંત ભાજપનો ગઢ છે. જેમાં આમ આદમી પાર્ટી તરફ વળી રહેલા મતદારોથી ભાજપ અને કોંગ્રેસ ચિંતામાં છે. હવે જોવાનું એ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલો વોટ શેર હાંસલ કરે છે. પોતાની તરફ વળી રહેલા મતદારોથી પાર્ટીને શું ફાયદો થાય છે.

અન્ય સમાચારો પણ છે...