ભાસ્કર ઇનસાઇડ:ગુજરાતમાં પ્રજા સમક્ષ એન્ટી-ઇન્કમ્બન્સી ઊભી કરવા AAPની ગેરીલા સ્ટ્રેટેજી, ભાજપને પણ કોંગ્રેસનો નહિ, ઝાડુનો લાગે છે ડર!

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • દિલ્હીના વીજળી-આરોગ્યના મોડલના પ્રચાર થકી પંજાબમાં સત્તા મેળવી, ગુજરાતમાં આ જ વ્યૂહરચના
  • ગુજરાતનું વિકાસ મોડલ સદંતર ફેલ હોવાનો પ્રચાર કરવા કેજરીવાલ-સિસોદિયાની વારંવાર ગુજરાતની મુલાકાતો
  • ભાજપના નેતાઓને ઉશ્કેરીને સોશિયલ મીડિયા પર એનો પ્રચાર કરવાની વ્યૂહરચના

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ગમેત્યારે જાહેરાત થઈ શકે છે. આ માહોલમાં ભાજપને કોંગ્રેસની લગીરે ચિંતા નથી, પણ આમ આદમી પાર્ટી(AAP)નો ડર જરૂર લાગી રહ્યો છે. આનું કારણ એ છે કે ભાજપને ટક્કર આપવા માટે AAP હવે પંજાબ પેટર્ન મુજબ પ્રજામાં એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી કરી રહી છે. આ માટે AAPએ ગેરીલા એટેકની પદ્ધિતિ અપનાવી છે અને ભાજપના વિકાસ મોડલ પર જ પ્રહાર કરી રહી છે. AAPની દિલ્હી સરકારે આપેલી શિક્ષણ, વીજળી અને પાણી માટેની ફ્રી સુવિધાની યોજનાઓની તેઓ ગુજરાત સાથે તુલના કરી રહી છે. આ રીતે તેઓ ગુજરાતની ભાજપ સરકારને ભીંસમાં લઈ રહી છે, જેથી તેના નેતાઓ ઉશ્કેરાઈ જાય છે.

ભાજપના ગુજરાતના વિકાસ મોડલ પર જ પ્રહાર
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ તાજેતરમાં ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે હતા. તેમની સાથે પંજાબમાં AAPની સરકારના મુખ્યમંત્રી ભગવંત માન પણ હતા. નિકોલથી બાપુનગર સુધીની રેલીમાં તે બંનેએ ડગલે ને પગલે ભાજપના 25 વર્ષના શાસનની ખામીઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે એક વખત અમને મોકો આપો અને ના ગમે તો બદલી નાખજો. ગુજરાતમાં ખરેખર અમુક લોકોનો જ વિકાસ થયો છે અને પ્રજા એમની એમ છે એવો કેજરીવાલે વારંવાર ઉલ્લેખ કર્યો હતો.

દિલ્હીમાં આપેલી સુવિધાઓનો ગુજરાતમાં પ્રચાર
દિલ્હીમાં સાત વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે. આ કાર્યકાળમાં કેજરીવાલે પ્રજાની મૂળભૂત સુવિધાની સ્થિતિ સુધારવા મહેનત કરી હતી. પરિણામે, દિલ્હીમાં લોકોને મફત વીજળી અને પાણી આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ, સરકારી શાળાઓમાં મળતા શિક્ષણ અને સરકારી હોસ્પિટલોમાં મળતી સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. ત્યાં AAPએ નવી હોસ્પિટલો પણ બનાવી છે, જેના કારણે વિકાસનું દિલ્હી મોડલ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ કારણથી જ AAPને દિલ્હીમાં સતત બીજી ટર્મ મળી અને ત્યાંના કુલ 70માંથી હાલ 62 ધારાસભ્ય આપના છે. હવે કેજરીવાલ આ મોડલનો ગુજરાતમાં પ્રચાર કરે છે.

પંજાબમાં AAPને દિલ્હીના વિકાસનું જ ફળ મળ્યું
દિલ્હીના વિકાસના મોડલનો પુરજોશમાં પ્રચાર કરીને આમ આદમી પાર્ટીએ પંજાબની વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ખરું જોતાં પંજાબમાં ભગવંત માનના નેતૃત્વ હેઠળ AAPની સરકાર બની એ દિલ્હીમાં કેજરીવાલ સરકારની કામગીરીનું જ ફળ હતું. પંજાબની ચૂંટણીના પ્રચાર દરમિયાન તત્કાલીન કોંગ્રેસ સરકાર સામે એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી કરવા AAPએ દિલ્હી મોડલની જેમ મફત વીજળી, પાણી અને શિક્ષણ આરોગ્ય પર ભાર મૂક્યો હતો.

ભાજપના નેતાઓને ઉશ્કેરવાનો મુખ્ય વ્યૂહ
આનાથી કોંગ્રેસ સતત ભીંસમાં રહી હતી. હવે આ જ ગેરીલા એટેક થકી AAP ગુજરાતમાં ભાજપ સામે એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી કરી રહી છે. AAPના નેતાઓ પ્રજા સામે ભાજપ સરકારને સતત શરમજનક સ્થિતિમાં મૂકી રહી છે અને ગુજરાતની જનતાને મૂળભૂત સુવિધાઓ મળતી નથી એવું ઉજાગર કરીને સત્તા પક્ષને અકળાવી રહી છે. હવે ભાજપના નેતાઓ ઉશ્કેરાઈ જાય એટલે એલફેલ નિવેદનો કરે છે, જેથી 'AAP' નેતાઓ વધુ મજબૂત બનવા લાગ્યા છે.

ગુજરાતમાં ભાજપે શરૂ કરેલી કેન્દ્રની યોજનાના ગુણગાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર સત્તા મેળવવા ભાજપમાં અત્યારસુધી કોન્ફિડન્ટ હતો, પરંતુ ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીની જોરદાર એન્ટ્રી થતાં ભાજપને એનો ડર સતાવે છે. જેથી ભાજપે પણ અલગ અલગ વ્યૂહરચના સાથે પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે, ખાસ કરીને કેન્દ્રની યોજનાઓના લાભ પ્રજા સુધી પહોંચાડવા અને એનો પ્રચાર કરવા માટેનો પ્લાન બનાવી દીધો છે.

કોંગ્રેસ કરતાં AAPના નેતાઓની મૂવમેન્ટ પર ભાજપની નજર
ભાજપની સતત વોચ કોંગ્રેસ કરતાં વધુ આમ આદમી પાર્ટીના નેતાઓની મૂવમેન્ટ પર છે. એમાં પણ AAPના બે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાતની મુલાકાત સૂચક રહી હતી. આ સિવાય દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ ગુજરાત આવી ગયા જેણે આપના કાર્યકરોમાં જોમ ભરી દીધું છે. આ મુલાકાતો અને તેની પાછળની તેમની રાજકીય રમતો પર ભાજપના કેટલાક ચોક્કસ નેતાઓ નજર રાખી રહ્યા છે. બીજી તરફ, ભાજપના પ્રદેશ નેતાઓની ટીમ AAPની સ્ટ્રેટેજીને નિષ્ફળ બનાવવા સક્રિય બની છે.

ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે રસ્તો આસાન નથી
ગુજરાતમાં ભાજપ 25 વર્ષ કરતાં વધુ સમયથી શાસનમાં છે. બીજી તરફ, ગુજરાતના મતદારોની તાસીર પણ ભાજપ અને કોંગ્રેસ બે જ રાજકીય પક્ષો પૂરતી રહી છે. ગુજરાતમાં ત્રીજા પક્ષને ક્યારેય સફળતા મળી નથી. આ સંજોગોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પણ લોઢાના ચણા ચાવવા પડે એમ છે. મતદારોના મનથી મત સુધી પહોંચવું આમ આદમી પાર્ટી માટે અઘરું છે. તેમ છતાં દિલ્હી અને પંજાબની સફળતા બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં અલગ જ સ્ટ્રેટેજી સાથે કામ કરી રહી છે.

વાઘાણીની જીભ લપસતાં AAPનું કામ આસાન થયું
AAPની ગેરીલા પદ્ધતિ અને એની વ્યૂહરચનાનો દાખલો તાજેતરમાં જ જોવા મળ્યો હતો. રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વઘાણીએ ઉશ્કેરાઈને વાલીઓને ગુજરાત છોડી આડકતરી રીતે દિલ્હી જતા રહેવાનું નિવેદન કર્યું હતું. બસ, વાઘાણીને આ ભૂલ ભારે પડી ગઈ અને ભાજપે પણ તેનો ભોગ બનવું પડ્યું. પ્રજામાં અત્યારે વાઘાણી પ્રત્યે ભારોભાર રોષ છે ત્યારે AAPના નેતાઓ પણ શિક્ષણમંત્રીને ટાર્ગેટ બનાવી આખી સરકાર અને ભાજપને ટ્રેપમાં લેવા કોશિશ કરી શકે છે.