ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું:ઉમેદવારોની યાદી લઇને ભાજપની બેઠક પૂર્ણ, રૂપાણી-નીતિન પટેલે ચૂંટણી નહીં લડે; કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યનું રાજીનામું

અમદાવાદએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ચારેય પક્ષો તરફથી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP) દ્વારા સ્ટાર પ્રચારકો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં યુવા નેતા રાઘવ ચઢ્ઢા અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ ગુજરાતમાં સભાઓ ગજવશે. ગઈકાલે 50 વર્ષ સુધી પાર્ટી સાથે જોડાયેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપમાંથી વિજય રૂપાણી અને નીતિન પટેલની ટિકિટ કપાય એ પહેલાં પોતે જ ચૂંટણીમાંથી દાવેદારી પાછી ખેંચી છે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિધાનસભા રેસમાંથી બહાર થઈ ગયાં હતા. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડે કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપ એવું કહે છે કે અમે કોઈને નિમંત્રણ નથી આપતાં તોય રોજ અમારે ત્યાં મહેમાન આવે છે. ગુજરાત કોંગ્રેસ હવે કોંગ્રેસ છોડો અભિયાન ચલાવે છે. દિલ્હી કમલમ ખાતે ઉમેદવારોની યાદીને લઇ ભાજપની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જોકે ભાજપ મોડી રાતે યાદી જાહેર કરે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. બીજી તરફ છોટુ વસાવાની BTPએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મહેશ વસાવા ઝગડિયાથી ચૂંટણી લડશે. ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે. કોંગ્રેસના ત્રીજા ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે

ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપ્યું
ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપ્યું

ધારાસભ્ય ભાવેશ કટારાનું કોંગ્રેસમાંથી રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે. કોંગ્રેસના ત્રીજા ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ભાવેશ કટારાએ રાત્રે 10 વાગે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું છે. જોકે, આવતીકાલે તેઓ પણ ભાજપમાં પ્રવેશ કરી શકે છે.

દિલ્હી કમલમમાં મોદી ઉમેદવારોની યાદી લઈને બેઠા
દિલ્હી કમલમમાં મોદી ઉમેદવારોની યાદી લઈને બેઠા

ભાજપની નવી રણનીતિ
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના મૂરતિયા જાહેર કરવાની તૈયારીમાં છે. આ જાહેર થનારા લિસ્ટમાં મોટાભાગના પૂર્વ મંત્રીઓની ટિકિટ કપાઈ શકે તેમ છે, ત્યારે આંતરિક વિરોધ થવાની સંભાવના વચ્ચે ભાજપે નવી રણનીતિ બનાવી છે. આ રણનીતિમાં ભાજપ હવે જે પૂર્વ મંત્રીઓની ટિકિટ કાપવાનું છે, તેમની પાસેથી જ તેમના લેટર પેડ પર જાહેરાત કરાવી રહ્યું છે કે તેઓ ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરે. તેમાં વિજય રૂપાણી અને નીતિન પટેલે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં પહોંચ્યા
ગુજરાતના મુખ્યમંત્રી બેઠકમાં પહોંચ્યા
ગુજરાતના મુખ્યમંત્રી બેઠકમાં પહોંચ્યા
ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં પહોંચ્યા
ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં પહોંચ્યા
બી.એસ. યેદિયુરપ્પા બેઠકમાં પહોંચ્યા
બી.એસ. યેદિયુરપ્પા બેઠકમાં પહોંચ્યા
દેવેન્દ્ર ફડણવીસ બેઠકમાં પહોંચ્યા
દેવેન્દ્ર ફડણવીસ બેઠકમાં પહોંચ્યા
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ બેઠકમાં પહોંચ્યા
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ બેઠકમાં પહોંચ્યા

રૂપાણી અને નીતિન પટેલને મોટી જવાબદારી અપાશે
ભાજપે આગ લાગે એ પહલાં જ એક કાંકરે બે પક્ષી માર્યાં છે. હવે આ બંને નેતાઓને મોટી જવાબદારી આપીને વિધાનસભાની ચૂંટણીમાંથી સાઈડ કરી દીધાં છે. અગાઉ વિજય રૂપાણીને પંજાબની જવાબદારી સોંપી દેવામાં આવી હતી. હવે નીતિન પટેલને પણ બીજા રાજ્યમાં મોટી જવાબદારી આપીને ગુજરાતની ચૂંટણીમાંથી દુર રાખવામાં આવશે.સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ભાજપના નેતા બી. એલ. સંતોષ પણ ગાંધીનગરની મુલાકાતે છે. ત્યારે ભાજપ કોર કમિટીની બેઠકમાં ફેરફાર કરાયો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોર કમિટીમાં સ્થાન અપાયું છે. આર.સી.ફળદુ, ભૂપેન્દ્રસિંહ સહિત છ સભ્યો ઉમેરાયા છે. એક બાજુ બે સિનિયર મંત્રીઓના ખાતામાં ઓચિંતો ફેરફાર કરાયો છે ત્યારે બીજી તરફ, ભાજપ કોર કમિટીમાં યે ફેરફાર કરાયો છે.અત્યાર સુધી આ કોર કમિટીમાં 12 સભ્યો હતા પણ વધુ છ સભ્યોને સ્થાન અપાયું છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, પૂર્વ કૃષિ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોઘરનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ ભાજપમાં જોડાઈ ગયા
કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ ભાજપમાં જોડાઈ ગયા

તલાલાના ધારાસભ્ય ભગા બારડ ભાજપમા જોડાયા
કોંગ્રેસમાં મોહન રાઠવા બાદ હવે વધુ એક ધારાસભ્ય ભગાભાઈ બારડ ભાજપમાં જોડાઈ ગયાં છે. તલાલાના ધારાસભ્ય ભગાબારડે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.તેઓ આજે કમલમ ખાતે કેસરીયો ખેસ ધારણ કર્યો છે.ભગા બારડ 2007માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી વિજેતા બન્યા હતા. 2017માં પણ તેઓ તલાલા સીટ પરથી ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા હતા.ભાજપ એવું કહે છે કે અમે કોઈને નિમંત્રણ નથી આપતાં તોય રોજ અમારે ત્યાં મહેમાન આવે છે. ગુજરાત કોંગ્રેસ હવે કોંગ્રેસ છોડો અભિયાન ચલાવે છે.

કોંગ્રેસમાં વધુ એક ભંગાણ, કિશોરભાઈ મકવાણાનું રાજીનામું
રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ થયું છે. રાજકોટ જિલ્લા OBC બક્ષીપંચ મહામંત્રી અને જેતપુર-જામકંડોરણા વિધાનસભાના કોંગ્રેસના મહામંત્રી કિશોરભાઈ મકવાણાએ રાજીનામું આપી દીધું છે. કિશોરભાઈ કોંગ્રેસમાં સક્રિય કાર્યકર હતા. રાજીનામામાં જણાવ્યું છે કે, રાજીનામું આપવાનું કારણ નબળી નેતાગીરી, સ્થાનિક હોદ્દેદારોનું ખરાબ વર્તન. તેમજ સમાજના અને મતદારોના કામમાં કોઈ પણ આગેવાન આગળ આવતા ન હોવાથી અને કોઈ પણ કામ અમારા પક્ષમાં ન થતા હોવાથી રાજીનામું આપું છું. હજુ તો ગઈકાલે જ જેતપુર-જામકંડોરણા બેઠકના યુથ કોંગ્રેસના પ્રમુખ નીતિન મકવાણાએ રાજીનામું આપ્યું હતું. ત્યારે વધુ એક રાજીનામું પડતા કોંગ્રેસના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

ઉમેદવારોના નામ જાહેર થતાં વિરોધનો ભડકો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ જેમ જેમ વાગી રહ્યાં છે. તેમ તેમ દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કરી રહ્યાં છે. ત્યારે ઉમેદવારોના નામ જાહેર થતાં ક્યાં વિરોધનો ભડકો બહાર આવે છે તો ક્યાંક વર્તમાન ઉમેદવાર સામેનો છૂપો રોષ પણ પ્રગટ થઈ રહ્યો છે. કતારગામ વિધાનસભા બેઠક પરથી આપના ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર થતાં જ ઈન્ટરનેટના સોશિયલ મીડિયા પર હિન્દુ વિરોધી કહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો લિંબાયત વિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય બદલવાની માંગ કરતાં બેનરો ઘણા સમયથી રસ્તાઓ પર લગાવવામાં આવી રહ્યાં છે.

ભાજપના MLAએ ચૂંટણી ન લડવાનું કહી ઘડીકમાં ફેરવી તોળ્યું
વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પહેલા મીડિયા સમક્ષ કહ્યું કે, મારી પત્નીને હું ચૂંટણી લડાવવા ઇચ્છું છું, મારી જરાક ઓછી ઇચ્છા છે. મારી પત્નીને ટિકિટ આપવાના છે. રૂપાલા આવીને ગયા તેમને મળવા માટે મને બોલાવ્ય પણ નથી અને હું ગયો પણ નથી. હું ભાજપનો સેવક છું અને રહેવાનો છું. જો કે ત્યાર બાદ નિવેદન ફેરવી તોળતા મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, દિવાળી અને દેવદિવાળી ગઈ. મારી પત્ની બાજુમાં ઉભી હતી તો મારી પત્નીને સારુ લગાડવા માટે એમ બોલ્યો કે મારી વાઇફ ચૂંટણી લડશે. પરંતુ મીડિયાના મારફતે ખોટી રીતે ચાલી રહ્યું છે. તે વખતે મને ખબર નહોતી કે, મીડિયાના કેમેરા ચાલુ છે. આ તો ટીવી પર ચગાવી દીધુ છે. આ વખતે ભાજપ સગા-વ્હાલઓને ટિકિટ આપવાના નથી. એટલે પત્નીને ટિકિટ અપાવવાનો વિષય પેદા થતો જ નથી. ચૂંટણી હું જ લડવાનો છું. ભારતીય જનતા પાર્ટી પર મને વિશ્વાસ છે. હું પાર્ટીનો સૈનિક છું અને સૈનિક બનીને લડતો આવ્યો છું અને લડતો રહીશ.

સયાજીગંજના AAPના ઉમેદવારે લોકો પાસેથી ડિપોઝિટ એકઠી કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. તો બીજી તરફ ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરાની સયાજીગંજ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસ દ્વારા ચૂંટણી લડવા માટે ભરવી પડતી 10 હજાર રૂપિયાની ડિપોઝિટ લોકોના સમર્થનથી એકત્ર કરી ભરવામાં આવશે. આ અંગે સ્વેજલ વ્યાસે જણાવ્યું હતુ કે, ડિપોઝિટ માટે લોકો પાસેથી માત્ર એક રૂપિયો જ લઇએ છીએ. એક રૂપિયાથી વધુ કશું જ નહીં. એક જ દિવસમાં 9 હજાર રૂપિયા એકત્ર થઇ ચુક્યા છે. આ માટે સોસાયટીઓમાં ફરીને મારા સમર્થકો એક-એક રૂપિયો ઉઘરાવી રહ્યા છે. સાથે જ ઘણા લોકોએ ઓનલાઇન પેમેન્ટથી એક-એક રૂપિયો આપ્યો છે. 10 હજારની રકમ એકત્ર થઇ જતાં અમે વધુ રૂપિયા નહીં લઇએ.

ગોપાલ ઈટાલિયા કતાર ગામથી ચૂંટણી લડશે
આમ આદમી પાર્ટીએ કુલ 159 ઉમેદવાર જાહેર કરી દીધા છે, તેમાં આજે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ક્યાંથી ચૂંટણી લડશે એની જાહેરાત કેજરીવાલે ટ્વીટ કરીને કરી છે. ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી તેમજ મનોજ સોરઠિયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે.

દિવ્ય ભાસ્કરે ત્રણ દિવસ પહેલાં કહ્યું હતું કે ગોપાલ ઈટાલિયા કતાર ગામથી ચૂંટણી લડશે.
દિવ્ય ભાસ્કરે ત્રણ દિવસ પહેલાં કહ્યું હતું કે ગોપાલ ઈટાલિયા કતાર ગામથી ચૂંટણી લડશે.

AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ
આમ આદમી પાર્ટીએ મોડી રાતે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં ક્રિકેટર અને પંજાબના રાજ્યસભા સાંસદ હરભજન સિંહ, પંજાબ સરકારના બે મહિલા મંત્રી બલજિંદર કૌર અને અનમોલ ગગન માન, યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં પાર્ટીનો પ્રચાર કરશે. ગુજરાતના નેતાઓમાં આમ આદમી પાર્ટીનાના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઇસુદાન ગઢવી, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉપરાંત મનોજ સોરઠિયા, અલ્પેશ કથીરિયા અને યુવરાજસિંહ જાડેજા, પ્રવીણ રામ અને મહિલા પ્રમુખ ગૌરી દેસાઈ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરાયા છે.

કેજરીવાલ જાદુગર છેઃ પીયૂષ ગોયલ
વડોદરામાં પીયૂષ ગોયલ દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. ઉપરાંત તેમણે કેજરીવાલને જાદુગર પણ કહ્યા હતા અને કહ્યું હતું કે કેજરીવાલ જાદુગર છે, જેઓ ભ્રમ ઊભો કરે છે, લોકો એમાં ભ્રમમાં ભરાઈ જશે નહીં. ઉપરાંત તેમણે મોહનસિંહ રાઠવાની ભાજપમાં એન્ટ્રીને લઈને પણ વાત કરી હતી. વડોદરા એક એવી નગરી છે, જે સાંસ્કૃતિક નગરી અને શિક્ષણ નગરી છે. ગુજરાત ભાજપને ઐતિહાસિક વિજય આપવા માગે છે. આ ગુજરાત એક-એક ગુજરાતીના લોહી પરસેવાથી બન્યું છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ વડોદરા આવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ વડોદરા આવ્યા હતા.

ભાજપ રાષ્ટ્રીય મોરચાના યુવા અધ્યક્ષ તેજસ્વી સૂર્યા ગુજરાત આવશે
ભાજપના ઉમેદવારો હજી જાહેર થયા નથી, પરંતુ ભાજપે પ્રચાર પુરજોશમાં ચાલુ કરી દીધો છે. સમગ્ર ગુજરાતમાં ભાજપના કેન્દ્રીય નેતાઓ અને રાજ્યોના નેતાઓ પણ ધામા નાખીને બેઠા છે. ત્યારે આજે ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ ગુજરાત આવી રહ્યાં છે. તેઓ આજે અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગરમાં સભાઓ સંબોધશે.

પૂર્વ IPS વણઝારા સામે વિરોધ શરૂ થયો
ગુજરાતમાં પૂર્વ IPS ડી.જી. વણઝારાએ રાજકીય પાર્ટીની જાહેરાત કરતાં જ વિરોધનો વંટોળ શરૂ થયો છે. વણઝારા સમાજના આગેવાનોએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ડી.જી. વણઝારા સાથે સમસ્ત સમાજ નથી, અમે ભાજપ સાથે છીએ. ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી વણઝારા સમાજ દ્વારા દાવેદારી થઈ શકે છે.

જયરાજસિંહ પરમાર( ફાઈલ ફોટો)
જયરાજસિંહ પરમાર( ફાઈલ ફોટો)

કોંગ્રેસ તૂટવા મુદ્દે જયરાજસિંહે બળાપો કાઢ્યો
કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને હાલ ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમારે મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાતા જ બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના 10 જેટલા લેપટોપિયા નેતાના લીધે આ સ્થિતિ થઈ છે. તેઓ ગુજરાતના પ્રશ્નોની જાણ દિલ્હી સુધી નથી થવા દેતા, સિનિયર અને અનુભવી નેતાઓની અવગણના થઈ રહી છે, ભાજપમાં નવી પેઢીને તક મળે છે.

છોટુભાઈ વસાવાના ગઠબંધનને પુત્ર મહેશ વસાવાએ ફગાવ્યું
આદિવાસી ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવતા ભારત ટ્રાઈબલ પાર્ટીમાં પિતા-પુત્ર છોટુ વસાવા તથા મહેશ વસાવા વચ્ચે મતભેદ સર્જાયા છે. છોટુ વસાવાએ જેડીયુ સાથે ગઠબંધન જાહેર કર્યું છે અને નીતીશકુમાર પ્રચારમાં આવશે એવું જણાવ્યું છે, પરંતુ તેમના પુત્ર મહેશ વસાવાએ તેનો ઈનકાર કર્યો છે. અગાઉ પણ ‘આપ’ સાથે જોડાણ મુદે પિતા-પુત્ર વચ્ચે જબરા મતભેદ હતા.

BTP અને JDUના ગઠબંધનને લઈ પિતા-પુત્ર સામસામે ( ફાઈલ ફોટો)
BTP અને JDUના ગઠબંધનને લઈ પિતા-પુત્ર સામસામે ( ફાઈલ ફોટો)

કુંવરજી બાવળિયાએ પ્રચાર શરૂ કરી દીધો
રાજકોટ જિલ્લાની જસદણ વીંછિયા વિધાનસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરતાં પૂર્વે જ પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પ્રચાર શરૂ કરી દીધો છે. કુંવરજીભાઇ બાવળિયાએ જસદણ અને વીંછિયા વિસ્તારના અલગ અલગ આગેવાનો સાથે ઓટલા બેઠક શરૂ કરી દીધી છે. જસદણ વીંછિયા બેઠક પરથી ભાજપ કુંવરજીભાઇ બાવળિયાને આ બેઠક પરથી રિપીટ કરી ફરી ચૂંટણી લડાવશે એવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કુંવરજીભાઇ બાવળિયા પાછલી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બની પક્ષપલટો કરી ભાજપમાં પ્રવેશ કરી ફરી ભાજપમાંથી પેટાચૂંટણીમાં વિજેતા બન્યા હતા. જોકે આ વખતે ત્રિપાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરતાં આ વખતની ચૂંટણી રસાકસી ભરી જોવા મળશે.

ઉમેદવારો જાહેર થયા પહેલાં જ કુંવરજી બાવળિયાએ પ્રચાર શરૂ કર્યો.
ઉમેદવારો જાહેર થયા પહેલાં જ કુંવરજી બાવળિયાએ પ્રચાર શરૂ કર્યો.

રાજકોટમાં 24 કલાકમાં આચારસંહિતા ભંગની 27 ફરિયાદ
રાજકોટ જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો સી-વિજિલ (C-Vigil) એપ પર ફરિયાદો કરીને ચૂંટણીતંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી આવેલી પાંચ ફરિયાદ સહિત કુલ 27 ફરિયાદનો ચૂંટણીતંત્ર દ્વારા ગણતરીની મિનિટોમાં જ નિકાલ કરાયો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં સી-વિજિલ એપના માધ્યમથી અત્યારસુધીમાં 27 જેટલી ફરિયાદ આવી છે, જેમાં બે ફરિયાદ સદંતર ખોટી હોવાથી પડતી મૂકવામાં આવી હતી. જ્યારે ધોરાજી તથા જસદણ વિસ્તારમાંથી 1-1, ગોંડલ મતક્ષેત્રમાંથી 10, જેતપુર ક્ષેત્રમાંથી 2, રાજકોટ પૂર્વમાંથી 3, રાજકોટ ગ્રામ્યમાંથી 2, રાજકોટ દક્ષિણમાંથી 5 તથા રાજકોટ પશ્ચિમ ક્ષેત્રમાંથી 1 મળીને કુલ 25 ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ટોલ ફ્રી નંબર પર હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી

અન્ય સમાચારો પણ છે...