શ્રદ્ધા રાજપૂતના આરોપમાં કેટલું વજૂદ?:વીડિયોમાં ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂત આસપાસ AAPનો એકેય કાર્યકર નથી દેખાતો, ભાજપ કેમ છેડતીનો વીડિયો જાહેર કરતો નથી?

અમદાવાદએક મહિનો પહેલા
વીડિયોના સ્ક્રીન શોટમાં શ્રદ્ધા રાજપૂત અને ઈન્સેટમાં શ્રદ્ધા રાજપૂત
  • શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન ગઢવી સહિત આપના નેતાઓ સામે છેડતીની ફરિયાદ કરી છે
  • શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સામે નશામાં હોવાનો પણ આરોપ મુક્યો છે

ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી પર ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે છેડતીનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ કરી છે. આપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ભાજપની મહિલા નેતાઓ નખોરીયા ભર્યાં હોવાના પણ આરોપ લગાવ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીએ આજે 1 મિનિટ અને 38 સેકન્ડનો એક વીડિયો જાહેર કરી જણાવ્યું છે કે ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂતની આસપાસ આપના નેતા ઈસુદાન ગઢવી કે એકપણ કાર્યકર્તા ગયા નથી છતાં પણ તેઓ દ્વારા છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ આપના નેતાઓ નશાની હાલતમાં હતા, ખૂબ ગાળાગાળી અને છેડતી કરી, ઇટાલિયા, ઇસુદાન, પ્રવીણ રામે નખ માર્યાં

ઇસુદાન તો વીડિયોમાં ક્યાંય દેખાતા નથી
આ વીડિયોમાં શ્રદ્ધા રાજપૂત આડે એક રેલિંગ પણ જોવા મળે છે. તેમજ શ્રદ્ધા રાજપૂતની પહેલા ઋત્વિજ પટેલ સહિતના ભાજપના નેતાઓ જોવા મળે છે. જ્યારે ઇસુદાન ગઢવી તો ક્યાંય દેખાતા પણ નથી. જો છેડતી કરવામાં આવી હોય તો ભાજપ કેમ તેના CCTV જાહેર કરતો નથી?

શ્રદ્ધા રાજપૂત તો દૂરથી બૂમો પાડતા જોવા મળે છે
આમ આદમી પાર્ટીએ આજે સવારે એક વીડિયો જાહેર કર્યો છે અને તેમાં ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂત દ્વારા છેડતીનો જે આરોપ લગાવવામાં આવ્યો છે,તે ખુલ્લો પાડતા બતાવ્યું છે કે, શ્રદ્ધા રાજપૂત કમલમના પગથિયાંથી ઘણા ઉપર ઊભા રહી અને દૂરથી બૂમો પાડી અને વાત કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં શ્રદ્ધા રાજપૂત આસપાસ આપ પાર્ટીના કોઈ નેતા અને કાર્યકર્તા ન હોવાનું જણાય છે તેમ કહી અને આમ આદમી પાર્ટીએ શ્રદ્ધા રાજપૂતે જે છેડતીનો આરોપ લગાવ્યો છે તેને ખોટો ગણાવ્યો છે.

એક તરફ આમ આદમી પાર્ટીએ ભાજપના મહિલા નેતાએ છેડતીનો આરોપ લગાવ્યો છે તેને ખુલ્લો પાડતો વીડિયો જાહેર કર્યો છે. પરંતુ ભાજપ દ્વારા મહિલા નેતા શ્રદ્ધા રાજપૂતની ઇસુદાન ગઢવીએ કે અન્ય કોઈ કાર્યકર કે નેતાએ છેડતી કરી હોય અથવા તેમની સાથે તેવા કોઈ વીડિયો ફૂટેજ જાહેર કર્યા નથી.

ભાજપે માત્ર 50 સેકન્ડના CCTV ફૂટેજ જાહેર કર્યાં છે
ભાજપ દ્વારા ગઈકાલે માત્ર 50 સેકન્ડના CCTV ફૂટેજ આપવામાં આવ્યા છે, જેની અંદર આપના કાર્યકર્તાઓ અને નેતાઓ કમલમનો દરવાજો ખોલીને અંદર જતાં દેખાય છે. આમ આદમી પાર્ટી દ્વારા જ્યારથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે આમ આદમીના નેતાઓ દ્વારા ફેસબુક લાઈવ પણ કરવામાં આવ્યું હતું જેના લાઇવ ફૂટેજ પણ તેઓએ પોલીસને આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.