ભાજપને AAPનો ડર લાગ્યો:અમદાવાદમાં ખખડધજ રસ્તા રિપેર કરવા અને ખાડા પુરવા ગયેલા ‘આપ’ના નેતાઓની પોલીસે અટકાયત કરી

અમદાવાદ3 મહિનો પહેલા

અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં વરસાદને કારણે ગુજરાતમાં રસ્તાઓની હાલત ખરાબ થઈ છે. ખાડાઓ પડવાના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થયા છે. ભાજપ સરકારના રાજમાં ખાડા પડ્યા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સુરતમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ખાડા પૂર્યા હતા. બરોડા, રાજકોટ અને ભાવનગર બાદ આજે અમદાવાદમાં લોકસભાના પૂર્વ પ્રભારી એચ.ડી. પટેલ અને અમદાવાદ જિલ્લા પ્રમુખ જે.જે. મેવાડાની આગેવાની હેઠળ નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તાથી બાપા સીતારામ ચોક સુધી ખાડા પુરવાની કામગીરી શરૂ કરી હતી. જો કે આ કામગીરી તેઓ કરી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

આદમી પાર્ટીએ સુરતમાં ખાડાઓ પુરવાનું શરૂ કર્યું હતું
સૌ પ્રથમ આમ આદમી પાર્ટીએ સુરતમાં ખાડાઓ પુરવાનું શરૂ કર્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આગેવાનો અને કાર્યકરો સાથે સુરતના રીંગરોડ વિસ્તારમાં ઉધના દરવાજા પાસે એપલ હોસ્પીટલ નજીકના રોડ પરના ખાડાઓનું સમારકામ કર્યું હતું. સત્તાધારી ભાજપ માત્ર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે અને તેમને જનતાની સમસ્યાઓ દેખાતી નથી, તેથી જ આમ આદમી પાર્ટીએ આ કરવાની ફરજ પડી છે તેમ તેમણે જણાવ્યું હતું.

અન્ય જિલ્લાઓમાં પણ ખાડાઓ પુરવાનું શરૂ કર્યું
વડોદરામાં પ્રદેશ સંયુકત મંત્રી વિરેન રામી, બરોડા લોકસભા પ્રભારી મયંક શર્મા અને બરોડા જિલ્લા પ્રભારી પ્રતિમા પટેલની આગેવાનીમાં ગેંડા સર્કલથી પંડ્યા બ્રિજ સુધીના ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ભાવનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ભાવનગર લોકસભાના અધ્યક્ષ ઉમેશ મકવાણા, ભાવનગર શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલાની આગેવાની હેઠળ, લીલા સર્કલ, B.A.D.A વિકાસ પથ અને રાજકોટમાં રાજકોટ જિલ્લા પ્રમુખ ચેતન કમાણીની આગેવાની હેઠળ રામાપીર ચોક (150 ફૂટ રીંગ રોડ) સાથે અન્ય જિલ્લાઓમાં પણ ખાડાઓ પુરવાનું અને રસ્તાઓનું સમારકામ કરવાની કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...