સુનાવણી હાથ ધરાશે:કમલમ પર થયેલા ઘર્ષણ દરમિયાન ધરપકડ કરાયેલા ‘AAP’ના નેતાઓને આજે બપોરે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર કમલમમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. - Divya Bhaskar
ગાંધીનગર કમલમમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો કર્યો હતો.
  • આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોને ગઈકાલે રાત્રે સાબરમતી જેલમાં મોકલવામાં આવી હતી
  • પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કમલમ પર વિરોધપ્રદર્શન કર્યું હતું

ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ મામલે વિરોધપ્રદર્શન અને ચેરમેન અસિત વોરાનું રાજીનામું માગવા ગાંધીનગર ભાજપ કાર્યાલય પહોંચેલા આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓની છેડતી, રાયોટિંગ સહિતના ગુનામાં ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. AAPના નેતા ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી, પ્રવીણ રામ, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર સહિતના નેતાઓની ધરપકડ બાદ આજે બપોરે 3.30 વાગ્યે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગોપાલ ઈટાલિયાને વિરોધ દરમિયાન ઈજા પહોંચી હતી.
ગોપાલ ઈટાલિયાને વિરોધ દરમિયાન ઈજા પહોંચી હતી.

મહિલા કાર્યકરોને સાબરમતી જેલમાં મોકલવામાં આવી હતી
કમલમ ખાતે વિરોધપ્રદર્શનમાં ગયેલી આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોની પણ પોલીસે આ ગુનામાં ધરપકડ કરી હતી. મોડી રાત્રે તમામ મહિલા આરોપીઓને જજ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મહિલા આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે ના મંજૂર કરી તમામને જેલમાં મોકલવાનો હુકમ કરતાં ગઈકાલે મોડી રાત્રે તમામ મહિલા આરોપીઓને સાબરમતી જેલમાં મોકલવામાં આવી હતી.

હાલમાં AAPના કાર્યકરોને ગાંધીનગર પોલીસ કબજામાં રાખવામાં આવ્યા છે
હાલમાં AAPના કાર્યકરોને ગાંધીનગર પોલીસ કબજામાં રાખવામાં આવ્યા છે

ગઈકાલે પોલીસ દ્વારા સજ્જડ કિલ્લાબંધી કરાઈ હતી
તમામ ડિટેઇન કરેલા કાર્યકરોને ગાંધીનગર જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે લઈ જવાયા હતા, જ્યાં પોલીસ દ્વારા સજ્જડ કિલ્લાબંધી કરી દેવામાં આવી હતીં. ગાંધીનગરના એસપી મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, હસમુખ પટેલ, નિખિલ સવાણી, પ્રવીણ રામ અને શિવ કુમાર સહિતના અંદાજે 400થી 500 લોકો સામે એફઆઈઆર દાખલ થઈ છે, જેમાંથી 70 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરાયામાંથી 26 મહિલાઓ પણ સામેલ છે. તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. હવે તમામને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે.