AAPને પોલીસે ઘેરી:18 કલમ લગાવી ઇસુદાન-ઇટાલિયા સહિત 500 સામે ગુનો, કાર્યકરોને DSP કચેરીમાં રખાયા, સજ્જડ કિલ્લાબંધી જેવો માહોલ

અમદાવાદએક મહિનો પહેલા
  • છેડતી, રાયોટીગ, પોલીસ પર હુમલો, ગેરકાયદે ખાનગી મિલકતમાં પ્રવેશ અને તોડફોડની કલમ હેઠળ ગુનો નોંધાશે

કમલમ ખાતે આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પ્રવેશ કરીને તોડફોડ કરી હતી. તેની સામે પોલીસ અને કેટલાક અન્ય લોકોએ આપના કાર્યકરોને માર માર્યો હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં હવે પોલીસે 500ના ટોળા સામે 18 કલમક હેઠળ ગુનો નોંધ્યો છે. આપના કાર્યકરોને DSP કચેરીમાં રાખવામાં આવ્યા છે. તેમજ આખી SP ઓફિસ પોલીસે કોર્ડન કરી, સજ્જડ કિલ્લાબંધી જેવો માહોલ જોવા મળ્યો છે.

ઇસુદાન ગઢવી નશાની હાલતમાં જણાતા, મોંમાંથી પુષ્કળ વાસ આવતી હતી
હસમુખ પટેલ, નિખિલ સવાણી, ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને શીવકુમાર સહિત કુલ 500ના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, કમલમ ખાતે ગેરકાયદે મંડળી રચી આશરે 500 માણસોનું ટોળું એક સંપ થઈને કમલમનો ગેટ તોડીને અંદર પ્રવેશ કરી, પગથિયાં પર બેસી અંદર આવવા જવાનો રસ્તો રોકી, મહિલા કાર્યકરો સાથે શારીરિક અડપલાં કરી માર મારી, ભાજપના કાર્યકરો તથા પોલીસ ઉપર તેઓના હાથમાં રહેલા બેનરોમાં લગાડેલી લાકડીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરી ઇજાઓ પહોંચાડીને અભદ્ર ભાષા બોલી હતી. પોલીસની ગાડીઓના કાચ તોડીને નુકસાન કર્યું હતું. ઇસુદાન ગઢવી નશાની હાલતમાં જણાતા હતા. તેમજ મોઢામાંથી દારૂની પુષ્કળ વાસ આવતી હતી. અમે તથા અમારી સાથેના કાર્યકરોને તેઓને તેમ ન કરવા સમજાવ્યું હતું. પરંતુ તેઓ માન્ય ન હતા, અને સૂત્રોચ્ચાર કરી બળપ્રયોગ કરી દરવાજો તોડવાનો પ્રયત્ન કરતા હતા.

લક્ઝરી ભરીને માણસો કમલમ કાર્યાલયના પાછળના ભાગે આવી ગયા
આ દરમિયાન ટોળામાંના એક ઇસમે ફોન કરી અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું કે, ભાજપના ગુજરાત રાજ્યના ગાંધીનગર ખાતેના કાર્યાલય કમલમ ખાતે લક્ઝરી આવવા દો તેઓ ફોન કરતા બીજી લક્ઝરી ભરીને માણસો કમલમ કાર્યાલયના પાછળના ભાગે આવી ગયા હતા. યજ્ઞેશ દવે અને ઋત્વિજ પટેલે પોલીસને બોલાવી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીનું ટોળું કમલનો ગેટ તોડી અંદર પ્રવેશી ગયું હતું. તેને સૂત્રોચ્ચાર કરવાની ના પાડતા ઉશ્કેરાઈને ધક્કા-મુક્કી કરવા લાગ્યા હતા અને વારંવાર અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હતા.

બેનરોમાં લગાડેલ લાકડીઓ મારા બરડાના ભાગે તથા હાથ ઉપર મારવા લાગ્યા
ટોળામાં આવેલી મહિલાઓ પૈકીની મહિલાઓએ મને તેમના હાથમાં રહેલા બેનરોમાં લગાડેલ લાકડીઓથી મારા બરડાના ભાગે તથા હાથ ઉપર મારવા લાગ્યા હતા. જેથી મને શરીરે ઈજા થઈ હતી, તેમજ આ ટોળા પૈકીના પુરૂષો પૈકી કેટલાક ઇસમોએ મારી સાથેની મહિલા કાર્યકરો સાથે ઝપાઝપી અને શારીરિક અડપલાં કર્યાં હતા. એક ઇસમ મને જણાવતો હતો કે, આની સેલ્ફી લઈ અપલોડ કરો તેમજ મારી સાથેના શ્રદ્ધાબેન જાને પણ મોઢામાં નખ મારી ઇજા પહોંચાડી હતી. ત્યાર બાદ પોલીસે જરૂરી બળ પ્રયોગ કરી ટોળું વિખેરી નાંખ્યું હતું.

પોલીસ દ્વારા સજ્જડ કિલ્લા બંધી
આ બધાની વચ્ચે તમામ ડિટેઇન કરેલા કાર્યકરોને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લઈ જવાયા છે. જ્યાં પોલીસ દ્વારા સજ્જડ કિલ્લા બંધી કરી દેવામાં આવી છે. ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ જણાવ્યું કે, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, હસમુખ પટેલ, નિખિલ સવાણી, પ્રવિણ રામ અને શિવ કુમાર સહિતના અંદાજે 400થી 500 લોકો સામે એફઆઈઆર દાખલ થઈ છે. જેમાથી 70 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓ જ્યાં પણ હશે ત્યાંથી તેમની ધરપકડ કરવામાં આવશે. ધરપકડ કર્યામાં 26 મહિલાઓ પણ સામેલ છે. તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. હવે તમામને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

50-50 મીટરના અંતરે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો
હાલમાં 50-50 મીટરના અંતરે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કોઈને પણ ડીએસપી કચેરીમાં પ્રવેશ કરતા પહેલા કારણ આપ્યા વગર જવા દેવામાં આવતા નથી. આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે, જે સંદર્ભે પોલીસ અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પ્રકરણમાં રાઇટીંગ ગેરકાયદેસર ખાનગી મિલકતમાં પ્રવેશ પ્રોપર્ટીને નુકસાન પોલીસના વાહનોમાં તોડફોડ મહિલાની છેડતી તેમજ આપના કાર્યકરો સંદર્ભે મેડિકલ બ્લડ અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ દારૂ પીધેલી હાલતમાં હશે, તો તેના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. ડીએસપી કચેરીની બહાર મોટી સંખ્યામાં લોકો ઉભા રહેલા જોવા મળે છે પરંતુ કચેરીની અંદર શું થઈ રહ્યું છે તે અંગે કોઈ પણ વિગત જાણવા મળી રહી નથી.

નીચે સમજો કયા ગુના હેઠળ કઈક કલમ લાગે છે

ધારા 135: પોલીસ સાથે અસભ્ય વર્તન કરવા પર.
ધારા 452: પરવાનગી વિના ઘરમાં પ્રવેશવું, ઈજા પહોંચાડવા માટે હુમલાની તૈયારી કરવી, ખોટી રીતે દબાણ કરવું.
ધારા 353: લોક સેવકને પોતાની ફરજ નિભાવવાથી ડરાવવા માટે હુમલો અથવા ફોજદારી બળનો પ્રયોગ કરવો.
ધારા 354: ભારતીય દંડ સંહિતામાં જાતીય સતામણી અને જાતીય સતામણી માટે આ કલમ હેઠળ ગુનો નોંધાય છે.
ધારા 341: જે પણ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિને ખોટી રીતે રોકે તો આ કલમ હેઠળ ગુનો નોંધાય છે.
ધારા 323: જે પણ વ્યક્તિ ઈરાદાપૂર્વક કોઈ અન્યને ઈજા પહોચાડે છે તો આ કલમ હેઠળ ગુનો નોંધાય છે.
ધારા 143: જે કોઈ વ્યક્તિ ગેરકાનૂની જનસમૂહનો સભ્ય હશે તો આ કલમ હેઠળ ગુનો નોંધાય છે.
ધારા 144: આ કલમનો મુખ્ય ઉદ્દેશ્ય અનેક લોકોને એક જગ્યાએ એકઠા થતા અટકાવવાનો છે.
ધારા 145: જો કોઈ કઈ ગેરકાયદેસર જનસમૂક જેને કાયદા દ્વારા નિર્ધારિત રીતે વિખેરવાનો આદેશ આપવામાં આવ્યો છે, ઈરાદાપૂર્વક સામેલ છે
ધારા 147: જે કોઈ ઉપદ્રવ કરાવવા માટે દોષિત છે
ધારા 148: પ્રાણઘાતક હથિયારો સાથે હુલ્લડની સજા
ધારા 149: ગેરકાયદેસર મંડળીના દરેક સભયની જવાબદારી
ધારા 151: 5 કે તેનાથી વધુ વ્યક્તિની બનેલી મંડળીને વિખરાઈ જવાનો હુકમ આપ્યા પછી જાણીને જોડાવું કે ચાલુ રાખવા પર.
ધારા 152: હુલ્લડને શાંત કરવાનું કામ કરતા હોય એવા રાજ્યસેવક ઉપર હુમલો કરવો કે તેને અવરોધ કરવો.
ધારા 188: જાહેરનોકર દ્વારા જાહેર કરેલા હુકમનો અનાદર કરવો.
ધારા 429: 50 રૂપિયાની કિંમતના કોઈ પ્રાણીને મૃત્યુ પહોંચાડી અથવા અપંગ બનાવી બગાડ કરે.
ધારા 504: શાંતિમાં ખલેલ પહોંચાડવાના ઈરાદાથી જાણી જોઈને અપમાન કરવું,
ધારા 03: ભારત પાર થયેલા, પરંતુ કાયદા અનુસાર જેની ઈન્સાફી કર્યવાહી ભારતમાં થઈ શકે તેવા ગુનાઓની શિક્ષા.

અન્ય સમાચારો પણ છે...