રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલાં જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું. જેનો સરકારે પણ સ્વીકાર કરી લીધો છે. ત્યારે આ પેપરલીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસે લાઠી ચાર્જ કરતા ગોપાલ ઇટાલિયાની પીઠમાં સોળ ઉઠી ગયા હતા. જ્યારે કેટલાક કાર્યકરોના માથા ફૂટ્યાં હતા.
આ ઘર્ષણ બાદ ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મુકતા ઇસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જ્યારે બ્લડ રિપોર્ટ એકાદ કલાકમાં આવશે.
ઇસુદાન સહિત 500 લોકોના ટોળા સામે છેડતીની ફરિયાદ
ઇસુદાન સહિત 500 માણસના ટોળા વિરુદ્ધ ઈન્ફોસિટી પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. ગેરકાયદે મંડળી રચી પોલીસ પર હુમલો કરવાનો અને મહિલાઓની છેડતી કરવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જનતાના અવાજને સરમુખત્યારશાહીથી દબાવી શકાય નહીંઃ કેજરીવાલ
આ અંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કર્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પર બર્બરતાપૂર્ણ હુમલો બેહદ નિંદનીય છે, જનતાના હકના અવાજને લાકડી-દંડાઓ કે સરમુખત્યારશાહીથી દબાવી શકાય નહીં.
ઇટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઈ જવાયા
ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના આપના કાર્યકરોને સેક્ટર 27 એસપી ઓફિસ લઈ ગયા છે.
ભાજપની કઠપૂતળી પોલીસ અને ભાજપના ગુંડાઓનો અમાનુષી હુમલો
ગુજરાત આપના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવાના ગુનામાં ભાજપની કઠપૂતળી પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો છે.
ગોપાલ ઈટાલિયા સહિતના AAP નેતાઓને પોલીસે માર માર્યો
પોલીસ લાઠીચાર્જમાં ગુજરાત AAPના પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સોળ ઊપસ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. પોલીસે દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતાં ગોપાલ ઈટાલિયાને પીઠમાં સોળ ઊપસ્યા હોવાનું AAP કાર્યકરો પોલીસ અટકાયત બાદ પોલીસની વાનમાંથી તસવીરો બહાર આવી છે. પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરોનાં માથામાં ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે AAP કાર્યકરોને દોડી દોડીને પોલીસે માર માર્યો હોવાના વીડિયો સામે આવ્યા છે.
AAP અને AAP યુથ વિંગ વિરોધ કરવા પહોંચ્યાં હતાં
આજે હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત અને યુથ વિંગ દ્વારા કોબા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં AAP નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠિયા સહિતના નેતાઓ જોડાયા હતા. જ્યારે યુથ વિંગમાંથી પ્રવીણ રામ અને નિખિલ સવાણી સહિતના ગુજરાતના રાજ્ય કક્ષાના હોદ્દેદારો જોડાયા હતા. તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પેપર કાંડ મુદ્દે ચેતવણી પત્ર આવા માટે પહોંચ્યા હતા. પેપરકાંડ મુદ્દે ગૌણ સેવાના અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે માગ કરી હતી તેમ જ પેપર લીક કાંડમાં જેમની સંડોવણી છે તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને અટકી પડેલી તમામ ભરતીઓ પૂર્ણ કરવા માગ કરી હતી. યુથ વિંગના પ્રવીણ રામે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી અને યુથ વિંગ ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.