ભાજપની મહિલા નેતાનો આરોપ:આપના નેતાઓ નશાની હાલતમાં હતા, ખૂબ ગાળાગાળી અને છેડતી કરી, ઇટાલિયા, ઇસુદાન, પ્રવીણ રામે નખ માર્યાં

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ આ લોકોએ અભદ્ર વર્તન કર્યું

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12 ડિસેમ્બરે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા સરકારી ભરતીઓને લઈ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. તેમાં પણ ગૃહમંત્રીએ પેપર ફૂટ્યું હોવાની વાત સ્વીકારતા જ રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે આજે આપના કાર્યકરોએ ભાજપના કોબા સ્થિત કમલમ કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો. ત્યાર બાદ આપ અને ભાજપ સામ સામે આવી ગયા હતા. જ્યારે પોલીસે પણ આપના નેતાઓ અને કાર્યકરોને માર માર્યો હતો. તેમજ ભાજપની મહિલા કાર્યકરો અને આપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી. જો કે ભાજપે આ ઘર્ષણમાં મહિલા કાર્યકરોને આગળ ધરી હતી.

ખૂબ તોડફોડ કરી નખ માર્યાં
ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે, આપના નેતાઓ નશાની હાલતમાં હતા, હું તેમને ડિબેટના માધ્યમથી ઓળખું છું એટલે પોલીસ ફરિયાદ આપી છે. ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ આ લોકોએ ખૂબ તોડફોડ કરી નખ માર્યાં છે. ખૂબ અભદ્ર વર્તન કર્યું છે.

આપના નેતાઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા
ઇસુદાન ગઢવી પર છેડતીનો આરોપ મુકતા જ ચકચાર મચી ગઇ હતી. શ્રદ્ધા રાજપુતની અરજી મળતાની સાથે જ પોલીસે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામને ઉઠાવી લીધા હતા. તેમને સીધા જ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે ખસેડવામાં આવ્યા હતા.

સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા હતા, રોક્યા તો ઝપાઝપી કરી
શ્રદ્ધા રાજપૂતે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે સવારે હું અને અન્ય મહિલા કાર્યકર હાજર હતા. અચાનક બહારથી અવાજ આવતા તેઓ બહાર દોડી આવ્યા ત્યારે 500 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરો ત્યાં હાજર હતા, તેઓ ધીમે ધીમે કાર્યાલયમાં ઘૂસી આવ્યા. જેમાંથી કેટલાક લોકો સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા હતા, જેમને રોકતા તેમણે મારી સાથે ઝપાઝપી કરતા મારી કેટલાક અંગત જગ્યાએ ઈજાઓ થઈ છે, જે હું કહી શકું તેમ નથી.

બેફામ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા
શ્રદ્ધા રાજપૂતે આગળ કહ્યું કે, અમે મહિલાઓને પણ રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓ બેફામ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમાંથી કેટલાક લોકો નશો કરીને આવ્યા હતા જે તમામની મેડિકલ તપાસ કરવા માટે હું પોલીસને જણાવું છું મને શરીરના ઘણા એવા અંગે ઉઝરડા પડી ગયા છે જે હું બતાવી કે બોલી શકું તેમ પણ નથી.

ગોપાલ ઈટાલિયા સહિતના AAP નેતાઓને પોલીસે માર માર્યો
પોલીસ લાઠીચાર્જમાં ગુજરાત AAPના પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સોળ ઊપસ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. પોલીસે દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતાં ગોપાલ ઈટાલિયાને પીઠમાં સોળ ઊપસ્યા હોવાનું AAP કાર્યકરો પોલીસ અટકાયત બાદ પોલીસની વાનમાંથી તસવીરો બહાર આવી છે. પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરોનાં માથામાં ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે AAP કાર્યકરોને દોડી દોડીને પોલીસે માર માર્યો હોવાના વીડિયો સામે આવ્યા છે.

પાટીલને ચેતવણી પત્ર આપવા આપના કાર્યકરો કમલમ પહોંચ્યા હતા
આજે હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત અને યુથ વિંગ દ્વારા કોબા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં AAP નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠિયા સહિતના નેતાઓ જોડાયા હતા. જ્યારે યુથ વિંગમાંથી પ્રવીણ રામ અને નિખિલ સવાણી સહિતના ગુજરાતના રાજ્ય કક્ષાના હોદ્દેદારો જોડાયા હતા. તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પેપર કાંડ મુદ્દે ચેતવણી પત્ર આપવા માટે પહોંચ્યા હતા. પેપરકાંડ મુદ્દે ગૌણ સેવાના અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે માગ કરી હતી તેમ જ પેપર લીક કાંડમાં જેમની સંડોવણી છે તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને અટકી પડેલી તમામ ભરતીઓ પૂર્ણ કરવા માગ કરી હતી. યુથ વિંગના પ્રવીણ રામે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી અને યુથ વિંગ ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે છે.