પોલિટિકલ એનાલિસિસ:ગુજરાતમાં આપ શોધે છે 'માન', ભાજપથી નારાજ પાટીદાર નેતાને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા AAPની સ્ટ્રેટેજી

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • પંજાબની જીત બાદ આપનું મનોબળ મક્કમ
  • કેજરીવાલ સાથે ભગવંત માન પણ ગુજરાત આવી ચૂંટણી વ્યૂહરચના ગોઠવશે

પંજાબના શાનદાર વિજય બાદ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા જોર લગાવી શકે છે. પરંતુ ગુજરાતમાં આપને પંજાબ જેવા 'માન'ની તલાશ છે. તેમાં પણ કોઈ પાટીદાર દિગ્ગજને મુખ્યમંત્રીનો ચેહરો બનાવી આપ ગુજરાતમાં ઝંપલાવી શકે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા હવે અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના પદનામિત મુખ્યમંત્રી ભગવંત માન અને તેમની ટીમ પણ ગુજરાત તરફ વધુ ધ્યાન આપી શકે છે. દિલ્હી બાદ પંજાબ વિજયથી આપનો જૂસ્સો અને ચૂંટણી મેનેજમેન્ટનું મોડલ ગુજરાતમાં પણ અપનાવી શકે છે.

આપની નરેશ પટેલ અને હાર્દિક પટેલ પર નજર
ગુજરાતમાં ભાજપ સામે જોરશોરથી લડવા માટે આમ આદમી પાર્ટીએ અગાઉ પાટીદાર આગેવાનોને પક્ષમાં લીધા હતા. પરંતુ હાલ આપ વેરવિખેર થઈ ગઈ છે, એટલું જ નહીં ગુજરાતમાં આપ પાસે કોઈ ચોક્કસ ચેહરો કે રાજકીય કુનેહકાર નથી. જેના કારણે આપમાં હાલ એક કરતાં વધુ નેતાઓ પોત પોતાનું રાજકારણ કરી રહ્યા છે. આવા સમયે આપની નજર કોઈ પાટીદાર આગેવાન કે જે મુખ્યમંત્રીનો ચેહરો બની શકે તે તરફ છે, જેમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ આપના ધ્યાનમાં આવી ગયા છે. આપનું ગણિત એવું લાગે છે કે, ગુજરાતમાં પાટીદારો હજુ પણ ભાજપથી ક્યાંકને ક્યાંક અસંતુષ્ટ છે, અને તેનો લાભ લેવા નરેશ પટેલ કે હાર્દિક પટેલને મુખ્યમંત્રીનો ચેહરો બનાવી ગુજરાતમાં ચૂંટણી લડવામાં આવે તો ભાજપને ટક્કર આપી શકે છે.

ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ
ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ

આપના હતાશ નેતાઓમાં જોમ ભરશે, સંગઠનમાં ફેરફારો કરશે
આમ આદમી પાર્ટી પંજાબ પેટર્નથી ગુજરાતમાં સંગઠનથી લઈને ચૂંટણીની વ્યૂહરચના ગોઠવવાની તૈયારીઓ કરવા લાગી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આપની એન્ટ્રી તો થઈ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને બેઠકો પણ મળી હતી. પરંતુ થોડા સમયથી આમ આદમી પાર્ટીમાં ભંગાણ જેવી સ્થિતિ સર્જાતા આપના ગુજરાતના નેતાઓમાં હતાશા જેવી સ્થિતિ ઉભી થઇ હતી. પરંતુ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ જેવા દિગ્ગજ પક્ષને પછાડી ભારે બહુમતી સાથે સત્તા હાંસલ કરી લીધી છે.

ખાસ કરીને વેરવિખેર અને હતાશામાં આવી ગયેલા ગુજરાતના આપના નેતાઓમાં જોમ ભરવાની સાથે સાથે વહેલામાં વહેલી તકે આપ ગુજરાતના સંગઠનમાં મોટા પાયે ફેરફારો કરી પંજાબ પેટર્નથી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા ચૂંટણી જંગમાં ઝંપલાવી શકે છે.

નરેશ પટેલ પત્તા ખોલતા નથી
પંજાબના વિજય બાદ હવે અરવિંદ કેજરીવાલ આગામી એક પખવાડિયામાં જ ગુજરાત આવશે અને તે સમયે અનેક દિગ્ગજ નેતાઓ આગેવાનોને આપમાં જોડવા માટે પ્રયાસ કરવામાં આવે એવી શક્યતાઓ છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલ પોતાની રાજકીય ઇનિંગ અંગે હાલ પત્તા ખોલતા નથી અને આગામી દિવસોમાં ધડાકો કરે એવું માનવામાં આવે છે. જ્યારે આપ પાસે હવે કેજરીવાલ ઉપરાંત ભગવંત માન જેવા નેતાઓ છે તે મુખ્યમંત્રી છે અને તે પણ ગુજરાતમાં પ્રચારમાં આવશે તો ફરક પડશે તેમ મનાય છે.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને નિમિષાબેન ખુંટ
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને નિમિષાબેન ખુંટ

આપની હાલની સ્થિતિ
ફેબ્રુઆરી, 2021માં યોજાયેલી 7 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કરી ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. એમાં પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો 27 બેઠક સાથે મુખ્ય વિપક્ષ બની ગઈ હતી, પરંતુ એક વર્ષમાં જ એટલે કે ફેબ્રુઆરી 2022માં સુરત શહેરમાં ઝીરોમાંથી હીરો બનેલી AAPના કોર્પોરેટરોએ પક્ષપલટો કરીને પ્રજાનો દ્રોહ કર્યો છે. આમ AAP સુરતમાંથી સાફ થવા લાગી છે.

સૌથી પહેલા જાન્યુઆરીમાં મહેશ સવાણીએ પાર્ટીને રામ રામ કર્યા હતા. ત્યાર બાદ ફેબ્રુઆરીના પહેલા વીકથી કોર્પોરેટરોએ પણ એક બાદ એકે પાર્ટી છોડવાનું શરૂ કર્યું છે. AAPમાંથી 6 કોર્પોરેટરે રાજીનામાં ધરી દીધાં હતા, જેમાં વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનીષાબેન કુકડિયા, ઋતા કાકડિયા અને કુંદન કોઠિયાનો સમાવેશ થાય છે. આ તમામે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો.