ચૂંટણી જીતવા AAPની રણનીતિ:​​​​​​​ભાજપ-કોંગ્રેસને ટક્કર આપવા AAPએ કમર કસી, તમામ હોદ્દેદારો-કાર્યકર્તાઓને 24 કલાક કામ કરી ગામે ગામે પ્રચાર કરવા આદેશ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રચાર સામગ્રી સાથે - Divya Bhaskar
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રચાર સામગ્રી સાથે
  • દરેક ગલી, રસ્તા અને બિલ્ડીંગ પર આમ આદમી પાર્ટીના ઝંડા લગાવશે
  • 3000 સર્કલ ઇન્ચાર્જને 26મી જુને અરવિંદ કેજરીવાલ શપથ લેવડાવશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે જ યોજાવવાની છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય હવે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત કરી અને ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જીત મેળવી પોતાની પકડ મજબૂત કરવા હવે કમર કસી છે. તાજેતરમાં જ AAPએ 850 હોદ્દેદારોનું નવું સંગઠન જાહેર કર્યું છે. ગુજરાતના પ્રભારી ડો. સંદીપ પાઠકે ગુજરાતમાં જીત મેળવવા માટે મજબૂત રણનીતિ બનાવી છે. ચક દે ઇન્ડિયા ફિલ્મ જેમ શાહરૂખ ખાન કોચ બનીને ભારતીય ટીમને વર્લ્ડકપ જીતાડે છે તેમ ડો. સંદીપ પાઠક આમ આદમી પાર્ટીના કોચ શાહરૂખ ખાન બની અને ગુજરાતની ચૂંટણી જીતાડે તે મુજબ રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

ડો. સંદીપ પાઠકે નવનિયુક્ત હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ડો. સંદીપ પાઠકે નવનિયુક્ત સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી અને તેઓને ગુજરાતમાં જીત મેળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ડો. સંદીપ પાઠકે ગુજરાતમાં રણનીતિ માટે પોતાના હોદ્દેદારોને જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા ત્યાગ આપવો પડશે. તો વસ્તુઓ મૂકી અને કામે લાગી જવા તેમજ જે પદ તેમને આપવામાં આવ્યું છે તેમાં સૌ કાર્યકરોને સાથે રાખી અને ચાલવા જણાવ્યું હતું.

ગુજરાતમાં હજુ 3000 સર્કલ ઈન્ચાર્જની નિમણૂક કરાશે
ગુજરાતમાં હજુ 3000 સર્કલ ઈન્ચાર્જની નિમણૂક કરાશે

તમામ વિધાનસભા-લોકસભામાં હોદ્દેદારોને કામે લાગી જવા સૂચના
દરેક વિધાનસભા અને લોકસભા મુજબ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો નક્કી કરવામાં આવ્યા છે અને તેઓને એક કીટ તૈયાર કરીને આપવામાં આવી છે જેની અંદર આમ આદમી પાર્ટીનો ઝંડો, ખેસ, ટોપી, બેચ(સિક્કો) સ્ટીકર, વિઝીટીંગ કાર્ડ અને હોદા સાથેનું આઈકાર્ડ આપવામાં આવ્યું છે. આ કીટ સાથે આગામી 26 જૂનથી તમામ વિધાનસભા અને લોકસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને આગામી દિવસોમાં નવ નિયુક્ત થનાર સંકલ્પ ઇન્ચાર્જ કામે લાગી જશે.

ગામે ગામ સર્કલ ઇન્ચાર્જની નિમણૂક કરાશે
ગુજરાતના ગામડે ગામડા સુધી પહોંચવા માટે સર્કલ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવશે અને આવા 3000 સર્કલ ઇન્ચાર્જને 26મી જુનના રોજ અરવિંદ કેજરીવાલ શપથ લેવડાવશે. એક સર્કલ ઇન્ચાર્જને પાંચથી સાત ગામડાની જવાબદારી સોંપવામાં આવશે અને સર્કલ ઇન્ચાર્જ દ્વારા ગામે ગામ જઈ અને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવાનો રહેશે. શહેર હોય કે ગામડા દરેક ગલીઓમાં હવે આમ આદમી પાર્ટીના ઝંડા લગાવી દેવા માટે પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી છે. જે પણ વ્યક્તિ આ ઝંડા બનાવી શકે તેઓને એટલી સંખ્યામાં ઝંડા બનાવી અને જ્યાં પણ ભાજપ કે કોંગ્રેસના ઝંડા હોય ત્યાં આમ આદમી પાર્ટીનો ઝંડો લગાવી દેવા જણાવવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટીએ 850 હોદ્દેદારોનું નવું સંગઠન જાહેર કર્યું
આમ આદમી પાર્ટીએ 850 હોદ્દેદારોનું નવું સંગઠન જાહેર કર્યું

હોદ્દેદારો પોતાના વિઝિટિંગ કાર્ડ લોકો સુધી પહોંચાડશે
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સામેની લડતમાં આમ આદમી પાર્ટી મજબૂત રીતે લડી શકે અને લોકો સુધી પહોંચી શકે તેના માટે આ કીટ આપવામાં આવી છે અને તેમાં જે વીઝીટીંગ કાર્ડ આપવામાં આવ્યા છે તેમાં એક તરફ એક મોકો અરવિંદ કેજરીવાલને અને બીજી તરફ જે પણ હોદ્દેદાર છે તેના નામ અને મોબાઈલ નંબર સાથેની વિગત લખેલી છે. આ વીઝીટીંગ કાર્ડ લોકોને આપવાના રહેશે. જ્યારે પણ જરૂર હોય ત્યારે સંપર્ક કરવા જણાવી વીઝીટીંગ કાર્ડ વધુમાં વધુ પોતે જાતે છપાવી અને લોકો સુધી પહોંચાડે. જે સ્ટીકર આપવામાં આવે છે તે ઘરે ઘરે લગાવવાના રહેશે.

કાર્યકરોને થાક્યા વિના 24 કલાક કામ કરવા તૈયાર રહેવું પડશે
આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં લાવવા અને બદલાવ લાવવા માટે તમામ હોદ્દેદારોને ચાર વસ્તુ ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું. જેમાં સૌથી પહેલા જે પદ મળ્યું છે તેનો અહંકાર કરશો નહીં, પદ છે તે ગમે ત્યારે જઈ શકે છે સૌને સાથે રાખી અને ચાલવાનું છે તમામને સાથે રાખી અને કામ કરવાનું છે. બીજી વાત કે 24 કલાક કામ કરવાની તૈયારી રાખવાની રહેશે. ખાવા-પીવાનો સમય જોયા વિના સતત કાર્યરત રહેવું પડશે. ત્રીજી વાત કે કોઈપણ હોદ્દેદાર કે કાર્યકર્તાઓએ થાકવાનું નથી. 24 કલાક કામ કરવાની તૈયારી રાખવાની છે. કોઈ થાકી જાય તો તેને કહેવાનું કે બસ થોડુ જ બાકી છે અને આપણે સરકાર બનાવીશું. ચોથી અને છેલ્લી વાત કે હવે કોઈનો માર ખાવાનો નથી. કમજોર વ્યક્તિ અને સંગઠનની દુનિયા કદર કરતી નથી. જેથી ભાજપ અને કોંગ્રેસ જે ગઠબંધન છે તેને હરાવવા માટે ચૂંટણી સુધી થાક્યા વગર મહેનત કરી અને 24 કલાક કામ કરવાનું છે.

અન્ય સમાચારો પણ છે...