ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ સિવાય તમામ સંગઠન વિખેરી નાખ્યું હતું. આજે આમ આદમી પાર્ટીના ગુજરાતના ચૂંટણી પ્રભારી ડો. સંદીપ પાઠકે પત્રકાર પરિષદ કરી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરી હતી. જેમાં 850 જેટલા કાર્યકર્તાઓને હોદ્દેદારો બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની નવા સંગઠનમાં ઈસુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખી નવું સંગઠન જાહેર કરાયું
ડો. સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, પરિવર્તન યાત્રા 182 વિધાનસભામાં નીકળી હતી. જેમાં લોકોનો અમને સારો પ્રતિસાદ મળ્યો છે અને તેમાં લોકોએ પાર્ટીને જાણી. ગામડું બેઠક પણ કરવામાં આવી હતી, જેમાં જનસંવાદ કર્યો. જનતા આજે બદલાવ માટે તૈયાર છે. તેમને વિકલ્પ જોઈએ છીએ. બે મહિનામાં લાખો લોકો અને 30,000થી વધુ એક્ટિવ લોકો પાર્ટી સાથે જોડાયા છે. સંગઠનને વિખેરી ચૂંટણીને ધ્યાનમાં રાખી આજે નવું સંગઠન જાહેર કરવામાં આવી રહ્યું છે. ગામડા સુધીનું સંગઠન રહેશે. પહેલા માળખાની જાહેરાત કરવામાં આવી છે.
ડો. સંદીપ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવામાં આવશે. જે તે સમયે અમે ચોક્કસ ચહેરો જાહેર કરીશું. ઈસુદાન ગઢવીને રાષ્ટ્રીય લેવલે જવાબદારી સોંપવામાં આવી છે. અમારું સંગઠન મોટું બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય લેવલે પણ મોટી પાર્ટી બની છે ત્યારે ઇસુદાન રાષ્ટ્રીય લેવલે નેતા છે અને તેઓ કરી શકે છે.
આમ આદમી પાર્ટીના 850 હોદ્દેદારોનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો
'ચૂંટણીના પરિણામો ચોંકાવનારા હશે'
પ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવ્યું હતું કે, તમામને અભિનંદન આપું છું. અલગ અલગ સેલના પ્રમુખો અને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં કામ કરવાનો અનુભવ કર્યા બાદ અને સંદીપ પાઠક આવ્યા બાદ હવે ગુજરાતની ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે લડાશે. ચૂંટણી પરિણામો ચોંકાવનારા હશે.
ઇસુદાન ગઢવીએ તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ વિધાનસભા ચૂંટણીને લઈ લિસ્ટ બનાવવામાં આવ્યું છે. 850 જેટલા હોદ્દેદારોને અભિનંદન આપું છું. સંગઠન વિધાનસભા અને લોકસભા વાઇઝ બનાવવામાં આવ્યું છે. એક વિધાનસભામાં ચાર સંગઠન મંત્રી હશે.
નોંધનીય છે કે, ગોપાલ ઇટાલિયાએ હાલમાં જ જણાવ્યું હતું કે, ચૂંટણી જીતવાની વ્યૂહરચનાને પગલે સંગઠન માળખાને વિખેરવામાં આવી રહ્યું છે. માત્ર પ્રદેશ પ્રમુખનો હોદ્દો ચાલુ રહેશે. આજદિન સુધી માળખું લોકો સુધી વાત પહોંચાડવા સુધીનું હતું. હવેનું સંગઠન માત્ર ચૂંટણીલક્ષી બનાવવામાં આવશે. તમામને ફરી સ્થાન મળશે. આમ આદમી પાર્ટી માટે જેને તન મન ધનથી કામ કર્યું છે તે તમામને સ્થાન મળશે. માળખું નાનું નહીં પરંતુ મોટું કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.