AAPના નેતાઓને કોર્ટમાં રજૂ કર્યા:ઈટાલિયા, ઈસુદાન સહિત વધુ 65 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા, એકને PSIની પરીક્ષા હોવાથી જામીન બાકીનાને જ્યુ. કસ્ટડીમાં મોકલાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • 28 મહિલા અને 65 પુરુષ મળી 93 આરોપીને સોમવારે મોડી રાત્રે કોર્ટમાં રજૂ કર્યા હતા
  • આરોપીઓના અલગ અલગ વકીલ દ્વારા કોર્ટમાં દલીલો થઈ હતી
  • બસના માલિકો વતી વકીલની રજૂઆત, 'અમને અક્ષરધામ દર્શન કરવા જવાનું કહીને લાવ્યાં,'કઈ પાર્ટીના છે એ મને ખબર ન હોય'
  • ગાંધીનગર કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

કમલમ પર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભાજપની મહિલાઓ અને કાર્યકરોને આપના કાર્યકરો અને આગેવાનો દ્વારા માર મારવામાં આવ્યા અને છેડતી કરી હોવાના તથા અન્ય આક્ષેપો સાથે ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસે 65 પુરુષ અને 28 મહિલાઓ એમ કુલ 93 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી મહિલા આરોપીઓને ગઈકાલે રાતે જ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં તેમના જામીન નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે બાકીના 65 પુરુષ આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

5 તબક્કામાં 65 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
બપોરે 3:30 વાગે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરવાના હતા. જેથી કોર્ટની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરો, આગેવાનો અને વકીલ રાહ જોઈ રહ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા 5:30 વાગે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના શરૂ કર્યા હતા. સૌ પ્રથમ નિખિલ સવાણી અને અન્ય 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ અન્ય 14 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રવીણ રામ અને અન્ય 13 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા પછી ઇસુદાન ગઢવીને અન્ય 13 આરોપીઓ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોપાલ ઇટાલીયા અને 13 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. આમ 5 તબક્કામાં 65 આરોપીઓ ને 5:35થી 6:55 સુધી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓમાં એક માત્ર ઇસુદાન ગઢવીને DySPની ગાડીમાં કોર્ટમાં લાવવા આવ્યા હતા, જ્યારે અન્ય આરોપીઓને પોલીસની મોબાઈલ વાનમાં લાવવામાં આવ્યા હતા. ઇસુદાન, ગોપાલ, પ્રવીણ અને નિખિલ સહિત તમામ 65 આરોપીઓને સામાન્ય આરોપીઓને જેમ જજ સામે રજૂ કરવામાં આવ્યા હતા અને ઓળખ પરેડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટની રૂમની બહાર પોલીસ બંદોબસ્ત સાથે બેસાડવામાં આવ્યા હતા..

બચાવ પક્ષના એક વકીલે ભાજપના પ્રમુખના વિધાનને ટાંક્યું
7:05 એ બચાવ પક્ષે દલીલ કરવાની શરૂ કરી હતી. જેમાં વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, ખાનગી જગ્યાએ આરોપીઓ ગયા છે તેવું ફરિયાદમાં ઉલ્લેખ છે, પરંતુ ભાજપના પ્રમુખે જ કહ્યું હતું કે, કોઈને કઈ તકલીફ હોય તો સચિવાલયમાં નહીં પરંતુ કમલમ જ આવવાનું ત્યાં જ સોલ્યુશન મળશે. બચાવ પક્ષના અન્ય વકીલે પણ દલીલમાં કહ્યું હતું કે, અમને તો અક્ષરધામ મંદિર દર્શન કરવાનું કહીને બસ બુક કરાવી હતી. પરંતુ રસ્તામાં બસ ઊભી રાખીને એ લોકો ગયા હતા અને 30 મિનિટ સુધી આવ્યા નહીં. બાદમાં પોલીસ આવીને અમને પકડી ગઈ હતી.

એક PSIની ફિઝિકલ પરીક્ષા હોવાની દલીલ કરતાં એક દિવસના જામીન
દલીલ દરમિયાન પોલીસે સ્ટેશન ડાયરી ના લાવ્યા હોવાની પણ દલીલ થઈ હતી, જેથી જજે 7-45એ પોલીસને તાત્કાલિક ડાયરી લાવવા આદેશ કર્યો હતો. ત્યારબાદ પોલીસ ડાયરી લેવા ગઈ હતી અને 9 વાગે પોલીસ ડાયરી લઈને કોર્ટમાં હાજર થઈ હતી. 9:05એ 1 આરોપીને આવતીકાલે PSIની ફિઝિકલ પરીક્ષા હોવાની દલીલ કરતા આરોપીને કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. આરોપી રજનીકાંત પરમાર કોર્ટમાં આવ્યા બાદ તેને જજે પૂછ્યું અને બાદમાં ઓર્ડર લખવાનો શરૂ કર્યો હતો. જેમાં પરીક્ષા હોવાથી 1 આરોપી રજનીકાંત પરમારને 1 દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને 23 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવા કહ્યું હતું. જ્યારે અન્ય 64 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. આરોપીઓ રજૂ કર્યા ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો ત્યાં સુધી તમામ આરોપીઓને કોર્ટ પરિસરમાં જ રાખવામાં આવ્યા હતા.

બસના ડ્રાઈવર-કંડકટરને પણ કોર્ટમાં હાજર કરાયા
કમલમ જે બસમાં બેસીને આપના કાર્યકરો અને નેતાઓ આવ્યા હતા તે 8 બસના 10 ડ્રાઈવર અને કંડકટર ને પણ આપના નેતાઓ સાથે જ ધરપકડ કરવામાં આવી હતી,જેને કોર્ટમાં હાજર કરવામાં પણ આવ્યા હતા.બસના માલિક કોર્ટ રૂમની બહાર છોડાવવા આવ્યા હતા. કોર્ટમાં પણ આમ આદમી પાર્ટીના જામીનદારની પોલીસે અટકાયત કરી છે. ત્યારે આપના નેતા મહેશ સવાણી પણ કોર્ટમાં પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, અમે ઉપવાસ પર બેસીશું અને ન્યાય મેળવવા માટેની પ્રક્રિયા કરીશું.

મહેશ સવાણીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા વકીલ અને જામીનદાર બંનેની પોલીસે અટકાયત કરી છે. આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને વિરોધ કરી રહી હતી.ત્યારે કમલમ ખાતેથી અટકાયત કરવામાં આવી છે. કોર્ટમાં અમારા જામીનદાર પણ નથી ત્યારે અમે હવે ઉપવાસ પર બેસીશું.

બીજી તરફ વકીલ પ્રણવભાઈ ઠક્કરે કહ્યું હતું કે, ગાંધીનગર કોર્ટમાંથી ટેમ્પો ટ્રાવેલ્સમાં અમારા જામીનદારને પોલીસ ડિટેન કરીને લઈ ગઈ છે. ઝડપાયેલ આરોપી જામીનદારનો પિતરાઈ ભાઈ છે. અમારા વકીલને પણ લઈ જવામાં આવ્યાં છે. જામીન માટે આવેલા આરોપીના પિતરાઈ ભાઈને પણ ડિટેન કરી લેવામાં આવ્યાં છે. ગાંધીનગર કોર્ટની બહાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

AAPના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં નજરકેદ રખાયા.
AAPના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં નજરકેદ રખાયા.

AAPના વકીલને જ ડિટેઇન કરી દીધા
મોડી રાતથી જ પોલીસ તમામ AAPના નેતાઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરી રાખ્યા છે. ત્યારે ‘આપ’ના નેતાઓને છોડાવવા માટે જતા વકીલની પણ પોલીસે અટકાયત કરી લીધી છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા જયેન્દ્ર આભવેકર આજે ગોપાલ ઇટલિયાના જામીન માટે ગાંધીનગર જવા માટે નીકળ્યા ત્યારે સ્થાનિક પોલીસે તેમને ડિટેઇન કરી લીધા હતા. વકીલ દ્વારા જામીન માટેના કાગળ તૈયાર કરી લેવામાં આવ્યા છે, પણ તેમને ડિટેઇન કરતાં હવે AAPના કાર્યકરોના વકીલ કોણ બનશે એ સામે પ્રશ્ન ઊભો થયો છે.

AAPના નેતાઓ કોર્ટમાં ફરિયાદ દાખલ કરશે
AAPના નેતાઓ સામે પોલીસ દ્વારા અલગ અલગ કુલ 18 જેટલી કલમો લગાડી તેમની સામે ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આમ આદમી પાર્ટી તરફથી હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. એ મામલે આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે ગઈકાલે ખુદ પોલીસ જ અમારી વિરુદ્ધમાં હતી. ત્યારે હવે પોલીસ પર જ અમને ભરોસો નથી, જેથી હવે સીસીટીવી ફૂટેજ અને મીડિયા ફૂટેજના પુરાવા સહિત અમે આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશું. જુદા જુદા જિલ્લામાંથી અટકાયત થયેલા AAPના તમામ નેતાઓ અને કાર્યકરો આજે એક દિવસના પ્રતીક ધરણાં કરી ભાજપ સરકારની તાનાશાહીનો વિરોધ નોંધાવશે. સાબરકાંઠા જિલ્લામાંથી પોલીસે મોડી રાત્રે અને વહેલી સવારે AAPના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કર્યા હતા.

પોલીસે મોડી રાતથી જ સમગ્ર રાજ્યમાંથી AAPના નેતાઓને ઉઠાવવાની શરૂઆત કરી હતી
પોલીસે મોડી રાતથી જ સમગ્ર રાજ્યમાંથી AAPના નેતાઓને ઉઠાવવાની શરૂઆત કરી હતી

ધરપકડ કરાયેલા AAPના નેતાઓને કોર્ટમાં રજૂ કરાયા
ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ મામલે વિરોધપ્રદર્શન અને ચેરમેન અસિત વોરાનું રાજીનામું માગવા ગાંધીનગર ભાજપ કાર્યાલય પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓની છેડતી, રાયોટિંગ સહિતના ગુનામાં ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. AAPના નેતા ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી, પ્રવીણ રામ, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર સહિતના નેતાઓની ધરપકડ બાદ આજે બપોરે 3.30 વાગ્યે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ગઈકાલે પોલીસ દ્વારા સજ્જડ કિલ્લાબંધી કરાઈ હતી
તમામ ડિટેઇન કરેલા કાર્યકરોને ગાંધીનગર જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે લઈ જવાયા હતા, જ્યાં પોલીસ દ્વારા સજ્જડ કિલ્લાબંધી કરી દેવામાં આવી હતી. ગાંધીનગરના એસપી મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, હસમુખ પટેલ, નિખિલ સવાણી, પ્રવીણ રામ અને શિવ કુમાર સહિતના અંદાજે 400થી 500 લોકો સામે એફઆઈઆર દાખલ થઈ છે, જેમાંથી 70 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરાયેલામાં 26 મહિલા પણ સામેલ છે. તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. હવે તમામને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

અમદાવાદમાં AAPના નેતાઓને નજરકેદ કરાયા.
અમદાવાદમાં AAPના નેતાઓને નજરકેદ કરાયા.

મહિલા કાર્યકરોને સાબરમતી જેલમાં મોકલવામાં આવી હતી
કમલમ ખાતે વિરોધપ્રદર્શનમાં ગયેલી આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોની પણ પોલીસે આ ગુનામાં ધરપકડ કરી હતી. મોડી રાત્રે તમામ મહિલા આરોપીઓને જજ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મહિલા આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી તમામને જેલમાં મોકલવાનો હુકમ કરતાં ગઈકાલે મોડી રાત્રે તમામ મહિલા આરોપીઓને સાબરમતી જેલમાં મોકલવામાં આવી હતી.

FIRમાં 500નું ટોળું દર્શાવ્યું હોવાથી ટાર્ગેટ પૂરો કરવા વધુ ધરપકડની ચર્ચા
કોબામાં આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલયમાં આપના નેતાઓ સહિત કાર્યકરો ઘૂસી જતા પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. નવા સચિવાલયના દરવાજા બંધ કરી દેવાયા હતા, પરંતુ કમલમના દરવાજા ખુલ્લા હોવાથી આપના નેતાઓ અને કાર્યકરો પેપર લીક કાંડની રજૂઆત કરવા ત્યાં પહોંચી ગયા હતા. ત્યારબાદ કાર્યાલયમાં સમરાંગણ થઇ ગયંુ હતંુ. મંગળવાર વહેલી સવારથી જ પોલીસે શહેરના નાકા બંધ કરી દીધાં હતાં. કલોલ, દહેગામ તરફથી આવતા કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે આપનો કાર્યકર હોવાની માહિતી મળતાની સાથે જ તેની અટકાયત કરી હતી. એવું પણ ચર્ચાય છે કે, પોલીસ ફરિયાદમાં 500 લોકોનું ટોળું બતાવાયું હોવાથી ટાર્ગેટ પૂરો કરવા કાર્યકરોની ધરપકડનો દોર ચાલુ રાખવામાં આવ્યો હતો.