ગુજરાતમાં ‘આપ’ VS ભાજપનો જંગ:BJPની પેજ સમિતિ સામે AAPની ગામ સમિતિ, દિલ્હી અને પંજાબ કરતાં મજબૂત સંગઠન ઉભું કરવા AAP એક્ટિવ

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ આમઆદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા ગામડાંઓ સુધી પહોંચી ગઈ છે. ભાજપની પેજ સમિતિને પહોંચી વળવા હવે આમ આદમી પાર્ટી પણ સમિતિની રચના કરશે. રાજ્યના 18 હજાર ગામડાઓ સુધી પહોંચીને ગામ સમિતિ બનાવવામાં આવશે. જેમાં 15થી 20 લોકોનો સમાવેશ થશે. 18 હજાર ગામ સમિતિનું સંગઠન ઉભું કરીને ભાજપને ટક્કર આપવા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

લોકોને AAPની સરકાર બનશે તો શું કરાશે તેની જાણકારી અપાશે
ભાજપની 75 લાખ પેજ સમિતિ અને 1.25 કરોડ કાર્યકર્તાઓ સામે આમ આદમી પાર્ટી પાસે કુલ 23 હજાર જેટલી ગામ સમિતિ અને વોર્ડ સહિત મહોલ્લા સમિતિ તેમજ 3 લાખ જેટલા કાર્યકર્તાઓ છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમારી 18000 ગામ સમિતિ અને 6000 વોર્ડ સમિતિ બની રહી છે. 15થી 20 સભ્યોની આ સમિતિ હશે. ટૂંક સમયમાં જ આ સમિતિઓ બની જશે અને દરેક લોકોના ઘર અને ગામડા સુધી અમે આમ આદમી પાર્ટીની વાત અને સરકાર આવશે તો શું કરશે તેની જાણકારી આપશે.

દિલ્હી અને પંજાબ કરતા વિશાળ સંગઠન ગુજરાતમાં
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીનું નવું સંગઠન ઊભું કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી અને પંજાબ તેમજ હિમાચલ પ્રદેશમાં જે રીતે સંગઠન બનાવવામાં આવ્યું છે તેને અપગ્રેડ કરીને ગામ સમિતિ સુધી અમે હોદ્દેદારોની નિમણૂંક કરવાના છીએ. દિલ્હી અને પંજાબ કરતા વિશાળ સંગઠન ગુજરાતમાં ઊભું કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 9300થી વધુ હોદ્દેદારોની નિમણૂક થઇ ચૂકી છે. આગામી દિવસોમાં હવે બુથ સમિતિ અને ગામ સમિતિ સુધી અમે નિમણૂક કરીશું.

અલગ અલગ મોરચાઓમાં નિમણૂક આપવામાં આવી
આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ 7500થી વધુ હોદ્દેદારો અને નિમણૂક આપવામાં આવી હતી. ત્યારબાદ અન્ય યાદી બહાર પાડી હતી. તાજેતરમાં જ 1800 જેટલા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી ભાજપ ને સામે ટક્કર આપવા માટે પોતાનું વિશાળ સંગઠન ઉભુ કરી રહી છે જેમાં તે પ્રદેશની લઈ અને ગામડાના પંચાયતના સભ્ય સુધી પોતાના હોદ્દેદારોની નિમણૂક કરી રહી છે. અલગ અલગ મોરચાઓમાં નિમણૂક આપવામાં આવી રહી છે. લોકસભા તેમજ વિધાનસભા વિસ્તારમાં બુથ લેવલના કાર્યકરો બનશે. દરેક હોદ્દેદારને ગામ સુધીની જવાબદારી આપવામાં આવે તે રીતનું સંગઠન ઊભું કરવામાં આવ્યું છે.

AAPનો લોકોને પોતાની તરફ કરવા પ્રયાસ
આમ આદમી પાર્ટી દ્વારા લોકોને પોતાની સાથે જોડવાનો પ્રયાસ પણ શરૂ કરવામાં આવ્યો છે જેમાં તેઓએ મિસકોલ અભિયાન શરૂ કર્યું છે જેમાં 2.85 લાખથી વધુ લોકો અત્યાર સુધીમાં જોડાયા છે જે પણ વ્યક્તિ મિસકોલ કરે છે તેને સામેથી આમ આદમી પાર્ટી દ્વારા ફોન કરી અને તેના તમામ માહિતી મેળવવામાં આવે છે ત્યારબાદ પોતે પાર્ટી માટે ફુલ ટાઈમ સમય આપી શકશે કે પાર્ટ ટાઈમ સમય આપી શકશે તે રીતે આખી તેની પ્રોફાઈલ ચકાસી અને હોદ્દેદાર અથવા કાર્યકર બનાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...