• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Aam Aadmi Party's New State Structure Announced Before Assembly Elections, Ishudan Gadhvi And Mahesh Savani To Be Given Special Responsibility For Gujarat

ચૂંટણીની તૈયારી:વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ વિજય સુંવાળા સહિત 3 ઉપપ્રમુખ અને સાગર રબારીને મહામંત્રી બનાવ્યા, નવું પ્રદેશ માળખું જાહેર

અમદાવાદ3 મહિનો પહેલા
નરોડાના મેવાડા પાર્ટી પ્લોટ ખાતે આપનું પદાધિકારી સંમેલન
  • ઈશુદાન ગઢવી અને મહેશ સવાણીને ગુજરાત માટે વિશેષ જવાબદારી સોંપાશે
  • સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગારી, ખેતી, વીજળી, આદિવાસી અને દલિત લોકોના પ્રશ્નો મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરાશે

આગામી વર્ષ 2022માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખી રાજકીય પક્ષો અત્યારથી જ ચૂંટણીમાં જીત મેળવવા રણનીતિઓ ઘડી રહી છે. આમ આદમી પાર્ટીએ મિશન 2022 અંતર્ગત સંગઠનનું માળખું તૈયાર જાહેર કર્યું છે. શનિવારે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રદેશ સમિતિની બેઠકમાં નવા સંગઠનના હોદ્દાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લોક ગાયક કલાકાર વિજય સુંવાળા સહિત ત્રણ પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામા આવ્યા છે. સાગર રબારીને પ્રદેશ મહામંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે. જો કે, આપના નેતા ઈશુદાન ગઢવી અને મહેશ સવાણીને સંગઠનમાં કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી.

વિધાનસભાની ચૂંટણીમાં તાકાત લગાવી બુથ લેવલની કામગીરીની તૈયારી
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના મેમ્બર છે અને ગુજરાતમાં હાલમાં તેઓને જવાબદારી નથી સોંપાઇ. તેઓને ભવિષ્યમાં ગુજરાતની વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. તે રીતે મહેશ સવાણીને પણ પ્રદેશમાં પાર્ટીના નેતાની જવાબદારી સોંપાશે. આજે પ્રદેશથી લઈ નગર સુધીના નેતાઓની મળેલી બેઠકમાં પ્રદેશના નેતાઓ દિલ્લીમાં અરવિંદ કેજરીવાલજીની મુલાકાત કરી આવ્યા બાદ ત્યાં થયેલી ચર્ચા વિશે વાતચીત થઈ હતી. 22 ટકા જનતાએ પરિવર્તનની રાજનીતિ એટલે કે આમ આદમી પાર્ટીને વોટ આપ્યો છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં વધુ તાકાત લગાવી જીત મેળવવા માટે બુથ લેવલની કામગીરી કરવા માટે તૈયારી કરવા જણાવ્યું હતું.

આપના પદાધિકારી સંમેલનમાં પાર્ટી કાર્યકર્તા જોડાયા
આપના પદાધિકારી સંમેલનમાં પાર્ટી કાર્યકર્તા જોડાયા

નરોડામાં આપ પદાધિકારીઓનું સંમેલન યોજાયું
આજે અમદાવાદના નરોડા વિસ્તારમાં મેવાડા પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓનું સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ, જિલ્લા, તાલુકા, મહાનગર અને નગરના તમામ નેતાઓ હાજર રહ્યાં હતાં. આજના સંમેલનમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી ઠરાવ કરવામાં આવ્યો હતો. ગુજરાતની જનતાના સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગારી, ખેતી, વીજળી, આદિવાસી અને દલિત લોકોના પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરશે. જો યોગ્ય રીતે રજૂઆતને ધ્યાનમાં લઈ કામગીરી નહિ થાય તો તબક્કાવાર જનઆંદોલન કરવામાં આવશે તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું છે.