ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ તેનું સંગઠન વિખેરી નાંખ્યું હતું. હવે આવતીકાલે પાર્ટી દ્વારા નવા સંગઠનની જાહેરાત કરવામાં આવશે. આવતીકાલે ગુજરાતના પ્રભારી સંદિપ પાઠક અમદાવાદ આવશે. તેઓ અમદાવાદમાં જ પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરશે.ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે આજે આમ આદમી પાર્ટી દ્વારા નવી રણનીતિ ગોઠવી છે. આ રણનીતિનો અમલ કરવા માટે સંગઠનને મજબૂત બનાવવામાં આવશે.
પ્રદેશ પ્રમુખ સિવાય આખું માળખું વિખેરાયું હતું
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ તાજેતરમાં પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, તિરંગા યાત્રા કરી, જનસંવેદના યાત્રા કરી અને ગામડા બેઠક યોજી છે. જેમાં લોકોનો અમને પ્રતિસાદ મળી રહ્યો છે. મહેસાણામાં અરવિંદ કેજરીવાલની બે દિવસ પહેલા યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાજપ હવે આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. હું અમારા કાર્યકર્તાઓનો આભાર માનું છું. આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈ વ્યૂહરચના મૂકી છે.પાર્ટીના હાલના માળખામાં ફેરફાર કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સિવાય આખું માળખું વિખેરવામાં આવે છે.
આવતીકાલે નવા માળખાની જાહેરાત થશે
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી જીતવાની વ્યૂહરચનાને પગલે આજથી સંગઠન માળખાને વિખેરવામાં આવી રહ્યું છે. માત્ર પ્રદેશ પ્રમુખનો હોદ્દો ચાલુ રહેશે.આજદિન સુધી માળખું લોકો સુધી વાત પહોંચાડવા સુધીનું હતું. હવેનું સંગઠન માત્ર ચૂંટણીલક્ષી બનાવવામાં આવશે.તમામને ફરી સ્થાન મળશે. આમ આદમી પાર્ટી માટે જેને તન મન ધનથી કામ કર્યું છે તે તમામને સ્થાન મળશે. માળખું નાનું નહીં પરંતુ મોટું કરવામાં આવશે. ત્યારે આવતીકાલે આમ આદમી પાર્ટીના પ્રભારી સંદિપ પાઠક અમદાવાદમાં આવશે અને પાર્ટીના નવા માળખાની જાહેરાત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.