ભાસ્કર એક્સક્લૂસિવઅમેરિકામાં 90% હોટલના માલિક ગુજરાતી:અત્યારે ચાદર-ટોવેલ પાકિસ્તાન-બાંગ્લાદેશથી મંગાવીએ છે, અમે ઈચ્છીએ કે ગુજરાતથી એક્સપોર્ટ થાય- હોટેલિયર નિશાંત પટેલ

25 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

દિવ્ય ભાસ્કરે એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન (આહુઆ)ના ચેરમેન નિશાંત પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં નિશાંત પટેલે જણાવ્યું કે ગુજરાતીઓની અમેરિકામાં 90 ટકા હોટલ છે. અત્યારે 34 હજાર હોટલોમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ચાદર અને ટોવેલ લાવવામાં આવે છે. અમે ઈચ્છીએ છીએ કે હવે મેઈડ ઈન ગુજરાત ટોવેલ અને ચાદર અમેરિકામાં આવે. તો સાથે-સાથે પટેલે એ જણાવ્યું કે અમારે ગુજરાત અને ભારતમાં રોકાણ કરવું છે પણ અમને એ ખ્યાલ નથી કે ક્યાં રોકાણ કરવું? એટલે અમે હાલ અહીં આવ્યા છીએ.

ગુજરાત સરકાર સાથે બે મિટિંગ યોજાઈ
અમેરિકા સ્થિત એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિયેશન (આહુઆ)ની ગુજરાત સરકાર સાથે અલગ અલગ બે મિટિંગ યોજાઈ હતી. ગત રોજ યોજાયેલી બેઠક ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે જ્યારે આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના એનઆરજી ચેરમેન હિમાંશુ વ્યાસના સંકલન હેઠળ યોજાયેલી તમામ બેઠકો પૈકી અમદાવાદ ખાતે પણ એક બેઠક યોજાઈ હતી. અલગ અલગ બેઠકની અંદર થયેલા સંવાદમાં ચર્ચાનો મુખ્ય હેતુ અમેરિકા સ્થિત એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિયેશન આગામી સમયમાં યુએસ, ગુજરાત અને ભારતમાં કેવા પ્રકારનાં આયોજન કરવા ઈચ્છી રહ્યા છે તે અંતર્ગત હતો. ત્યારે

દિવ્ય ભાસ્કર - ગુજરાત ખાતે મિટિંગનો હેતુ શું હતો?
નિશાંત પટેલ -
અમારા ત્રણ મુદ્દા છે, જેમાં નિયમો, ટેક્સટાઈલ અને ઇન્વેસ્ટમેન્ટનો સૌથી મહત્ત્વનો મુદ્દો છે.

દિવ્ય ભાસ્કર - નિયમોને લગતા કયા એવા મુદ્દા છે, જેની ફેડરલ ગવર્ન્મેન્ટ સાથે ચર્ચા કરી છે?
નિશાંત પટેલ -
યુએસમાં એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિયેશનની કુલ 34 હજાર હોટલ છે, જેના 20 હજાર સભ્યો છે. આ તમામ હોટલ પૈકી 90 ટકા ગુજરાતીઓની હોટલ છે. થોડાં સમય પહેલાં અમે વોશિંગ્ટન ડીસીમાં 100 ડેલિગેટ્સ લઈ ગયા અને યુએસ સરકાર સાથે મિટિંગ પણ કરી, જેમાં હોટલને હકારાત્મક રીતે અસર કરે તેવા નિયમો લાગુ કરવામાં આવે તેવી અમે રજૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર - યુએસમાં જોબ અવેલિબિલિટી છે?
નિશાંત પટેલ -
2019માં એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિયેશન (આહુઆ)એ સર્વે કર્યો કે જોબ ઓપનિંગ કેટલી છે? તો 90 ટકા હોટલમાં જોબ હતી. હાલ પણ બધી જ હોટલમાં જોબ ઓપન છે. 2019 કરતાં પણ વધારે માગ છે. જોબની ઉપલબ્ધતા એવી છે કે તમે આવો તો મહિનાની અંદર જોબ ગેરંટી છે. હોટલ ઈન્ડસ્ટ્રીમાં તો એક વીકમાં જ જોબ મળી જશે. ફેડરલ ગવર્મેન્ટ હાલ મિનિમમ વેજ 7.25 ડોલર આપે છે. અમે 15 ડોલર આપીએ છીએ. કેટલાંક રાજ્યમાં મિનિમમ વેજ વધારે છે. અમે સરકારને કહ્યું છે કે, ટેક્સ ઓછો રાખવામાં આવે તો પ્રોપર્ટીમાં ઇમ્પ્રૂવમેન્ટ વધારે થાય.

દિવ્ય ભાસ્કર - ગુજરાત સરકાર પાસે કેવી અપેક્ષા છે?
નિશાંત પટેલ -
યુએસમાં હાલની ઘડીએ જોઈએ તો કેટલીક જોબ એવી છે કે ગુજરાતમાં બેસીને કરી શકાય. એકાઉન્ટિંગ, બુક કીપિંગ, સ્ક્રિનિંગ વગેરે કામ કરી શકે તો એવામાં સરકારની મદદ જોઈએ કે જેમાં તેઓ તૈયાર થાય અને યુએસ આવે તો તરત તેને જોબ મળી શકે.

દિવ્ય ભાસ્કર - ગુજરાતનું ટેક્સટાઈલ હબ સૌથી મોટું છે, યુએસમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તેમ છે?
નિશાંત પટેલ -
યુએસમાં હાલ અમે જોઈએ તો હોટલ ઈન્ડસ્ટ્રીઝમાં ચાદર અને ટોવેલમાં સૌથી મોટો ખર્ચ છે, ચાદર અને ટોવેલ પર મોટાભાગના ટેગ મેડ ઈન બાંગ્લાદેશ કે પાકિસ્તાન હોય છે. આપણી પાસે મોટું ટેક્સટાઈલ હબ છે. જો ચાદર અને ટોવેલ ગુજરાતમાં બને અને યુએસમાં એક્સપોર્ટ થાય તો આગામી 5 વર્ષમાં કોઈ પણ હોટલમાં જઈએ ત્યારે મેડ ઈન ગુજરાત ટેગ હોય તો અમે પણ ગર્વથી કહી શકીએ. અમે ચાઈનાથી ફંડ શેર મંગાવીએ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ટોવેલ અને ચાદર મંગાવીએ તેના કરતાં આ બધું જ ગુજરાતમાંથી આવે તેવી ઈચ્છા છે કેમ કે હાલ 34 હજાર પ્રોપર્ટી ગુજરાતીઓની જ છે.

દિવ્ય ભાસ્કર - ગુજરાત સરકારમાં કોની સાથે બેઠક અને સંવાદ થયો છે?
નિશાંત પટેલ -
અમારે ગુજરાત અને ભારતમાં રોકાણ કરવું છે પણ અમને એ ખ્યાલ નથી કે ક્યાં રોકાણ કરવું? અમારી ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થઈ છે અને તે લોકો એક પ્રોગ્રામ પણ બનાવી રહ્યા છે કે જેમાં એનઆરઆઈને મદદ મળી શકે એ હેતુ છે. તે લોકો માર્ગદર્શન આપશે કે શું કરવું જોઈએ? જેથી યુએસના યુવકો દ્વારા અહીં હોટલ બાંધી શકાય. ભારત અને ગુજરાતમાં ખાસ કરીને બજેટ હોટલ વધારે બાંધવી છે. મુખ્યમંત્રી સાથે પણ બેઠક થઈ છે જેમાં સાંત્વના આપી છે કે એનઆરજી વિભાગ દ્વારા પણ યોગ્ય મદદ મળશે. એનઆરઆઈ પ્રોજેક્ટ સંભાળનારા મિ. રોર પાસે તમામ પ્રોગ્રામ છે જ અને આ પ્રકારના અમલીકરણથી કોઈને નુકસાન થવાનું નથી.

દિવ્ય ભાસ્કર - ગુજરાત અને ભારતમાં કેમ રોકાણ કરવું છે?
નિશાંત પટેલ -
યુએસના જીડીપીમાં 1.7 ટકા અમારા સભ્યોનો ફાળો છે. 367 બિલિયન ડોલર અમારા સભ્યો યુએસ જીડીપીમાં ફાળો આપે તે આખા આફ્રિકા અને પાકિસ્તાન કરતાં વધારે છે. આહુઆના સભ્યો એ જ ઈચ્છે કે નાણાં ક્યાં બચાવવાં? ગુજરાત અને ભારતમાં બધું સસ્તું છે એટલે બધાને મદદ થાય. અમારો હેતુ એ છે કે લોકોને જાગૃત કરીએ જેથી બંને તરફ લોકોને મદદ મળે તે અમારો પ્રયાસ છે. એનઆરઆઈને મદદ થાય તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. યુએસના યુવકો દ્વારા ભારત અને ગુજરાતમાં હોટલ બનાવી શકે. જે રીતે ભારતનો ગ્રો થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં તમામ લોકોને ફાયદો થશે અને ગુજરાત, ભારત તેમજ અમેરિકાની હોટલ ઈન્ડસ્ટ્રીને મદદ થઈ શકે તેમ લાગે છે.

દિવ્ય ભાસ્કર - ગુજરાત અને ભારતમાં આગામી આયોજન કયાં છે?
નિશાંત પટેલ -
આ.હુ.આ ડેલિગેશન ઇન્દોર ખાતે જવાનું છે પણ શરૂઆત ગુજરાતથી થઈ છે. કેમ કે, ગુજરાત જન્મભૂમિ અને કર્મભૂમિ છે. ઇન્દોર ખાતે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી છે, જેમાં અમે પેનલમાં છીએ અને તેમાં પણ અમારા આ જ મુદ્દા રહેશે.

દિવ્ય ભાસ્કર - વિઝિટર વિઝા માટે ફેડરલ ગવર્મેન્ટ કોઈ પ્લાનિંગ કરી રહી છે?
નિશાંત પટેલ -
જો, યુએસમાં હાલ હોટલ ઈન્ડસ્ટ્રીનો ભાવ 30 ટકા વધ્યો છે. કેમ કે હરીફાઈ વધારે છે. હરીફાઈ એટલે વધારે થઈ છે, કેમ કે લોકો બહારથી આવી અને પ્રોપર્ટી ખરીદી કરે જેથી મોટો ફાયદો થશે. આખું યુએસ ફોરેનના નાણાંથી જ ચાલે છે. અમારો પ્રયાસ છે કે વિઝિટર વિઝા એપ્લાય કરવા માટે પ્રોસેસ લાંબી છે. યુએસ દ્વારા આ પ્રોસેસ નાની કરવી પડે. કોઈ પણ વ્યક્તિ વેકેશન કે મુલાકાત માટેનું પ્લાનિંગ વહેલા ના કરે. એટલે અમે સરકાર સાથે વાતચીત કરીએ છીએ કે બને તો વધારે માણસ રોકવામાં આવે અને આ પ્રોસેસ નાની કરવી જોઈએ. આ ઉપરાંત વિઝિટર વિઝામાં સમાવિષ્ટ દેશોની સંખ્યામાં વધારો કરવામાં આવે તો યુએસની ઈકોનોમીનો આઉટપુટ વધશે. હાલ, એચ 2બી વિઝા કે જેમાં ભારત નથી, તો સરકાર સાથે અમારી એ પણ માગ છે કે તેમને અહીં આવવા દો, જેથી ગુજરાતના લોકો આવી શકે.

દિવ્ય ભાસ્કર - ગેરકાયદે લોકો આવવાનું પ્રમાણ વધારે છે, તેના માટે કેવા પ્રયત્નો છે?
નિશાંત પટેલ -
જો, સરકારે કોરોના દરમિયાન લોકોને વળતર વધારે આપ્યું છે, એટલે ત્યાંના સ્થાનિક લોકો ઓછા કામ કરી રહ્યા છે. બીજી તરફ લોકો કામ નથી કરતાં એટલે કામ કરે એવા લોકોની માગ વધારે છે. જે લોકો ગેરકાયદેસર આવ્યા છે અને ટેક્સ ભરે છે તેને કેવી રીતે પી.આર. મળી શકે તેવા પ્રયાસો અમે કરી રહ્યા છીએ. ભૂતકાળમાં વર્ષ 2008માં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ દ્વારા આવા તમામ લોકો કે જે ટેક્સ ભરે છે અને તેમનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, તેવા લોકોને કાયદેસર કરી અને પી.આર. આપવાની શરૂઆત કરાઈ હતી અને અનેક લોકો કાયદેસર પણ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...