અમદાવાદ:શાહપુરમાં સામાન્ય ઝઘડામાં યુવકની છરીના ઘા મારી હત્યા, ત્રણ આરોપીની ધરપકડ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફિરોઝ, આયુબ, રિઝવાન આ ત્રણ શખ્સ મિત્રને મારી રહ્યા હતા

શહેરના શાહપુર વિસ્તારમાં રોડ પર ચાલતા એક્ટિવા ચલાવવા બાબતે થયેલા ઝગડામાં વચ્ચે પડી છોડાવવા જનાર યુવકની બેરહેમીથી હત્યા કરવામાં આવી હતી. યુવક પર આરોપીઓએ છરી વડે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતાં શાહપુર પોલીસ ઘટનાસ્થળે પોહચી હતી. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

બે જણે યુવકને પકડી રાખી ત્રીજાએ છાતી ના ભાગે છરીનો ઘા માર્યો
શાહપુર વિસ્તારમાં 33 વર્ષીય જહીરૂદીન સૈયદ સિલાઈકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. શનિવારે રાતે પોતાનું કામ પૂરું કરી ઘરે હતા. બાદમાં મહોલામાં ભાઈ સાથે ઉભા હતા ત્યારે ફિરોઝ, આયુબ, રિઝવાન આ ત્રણ શખ્સ મિત્રને મારી રહ્યા હતા અને જહીરૂદીન આ ઝઘડો શાંત કરવા વચ્ચે પડી મામલો થાળે પડી રહ્યો હતો. ત્યારે જ ફિરોઝ અને આયુબ એ મૃતકને પકડી રાખી રિઝવાન નામના શખ્સે છાતી ના ભાગે છરી નો ઘા માર્યો હતો. જેના કારણે યુવકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. આરોપીઓએ એટલી ક્રૂરતા પૂર્વક છરીના ઘા માર્યા હતા કે યુવકને છાતીમાંથી લોહીના ફુવારા નીકળવા લાગ્યા હતા.

પરિવારને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી જહીરૂદિનને હોસ્પીટલમાં ખસેડવામા આવતા ડોકટરએ મૃત જાહેર કર્યો હતો અને શાહપુર પોલીસે તાત્કાલિક હત્યામાં સંડોવાયેલ ત્રણેય આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. પરિવારનો આક્ષેપ છે કે આ આરોપીઓ અગાઉ પણ હત્યાના ગુનામાં સંડોવાયેલા હતા જે બાબતે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...