અમદાવાદમાં 24 કલાકમાં જ હિટ એન્ડ રનની બીજી ઘટના બની છે. શહેરના નરોડા પાટિયા પાસે હિટ એન્ડ રન ઘટનામાં એક કારચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. શહેરમાં ગઈકાલે એક BMW કારચાલકે વૃદ્ધ દંપતીને અડફેટે લીધાં હતાં. આ ઘટનાને હજુ 24 કલાક જેટલો સમય થયો છે ત્યાં ફરી એકવાર એક કારચાલકે એક યુવકને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનાં રૂવાંટાં ઊભાં કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે.
CCTVમાં શું દેખાય છે?
એક યુવક રોડ ક્રોસ કરતો દેખાઈ રહ્યો છે. તે લગભગ એક રોડ ક્રોસ કરી પણ લે છે અને રોડના ડિવાડર પર ચડવા જાય છે ત્યારે જ અચાનક એક કાર તેને અડફેટે લે છે. અડફેટે લેતાં જ યુવક રોડ પર પટકાય છે અને કાર નીચે કચડાય છે. તે ઘસડાઈને રોડ પર દૂર ફેંકાઈ જાય છે. આ દૃશ્યો હિટ એન્ડ રનની ઘટના બની એ તરફની એક દુકાનમાં કેદ થયાં છે. આ દુર્ઘટના બાદ ત્યાં દુકાન પર હાજર એક શખસ પણ ચોંકી જાય છે ને દુર્ઘટના બની એ તરફ તે હાથ લાંબો કરે છે. દરમિયાન રોડ પર વાહનોની લાઈનો લાગી જાય છે.
યુવકને ઉલાળીને કારચાલક ફરાર
આ ઘટના નરોડા પાટિયા પાસે બની હતી. રોડ ક્રોસ કરી રહેલા યુવકને કારચાલકે ઉલાળ્યો હતો. કારચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનામાં મૃતક યુવાનની ઓળખની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક બાપુનગરનો રહેવાસી હતો.
મંગળવારે એક દંપતીને BMW કારે ઉલાળ્યું હતું
પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજના આધારે વાહનચાલકની શોધખોળ શરૂ કરી રહી છે. મૃતક યુવકનું નામ જાણવા મળ્યું નથી. અમદાવાદ શહેરમાં ઝાયડસ હોસ્પિટલથી સિસ્મ હોસ્પિટલ જવાના રસ્તા પર એક પૂરપાટ ઝડપે આવતી BMW કારે એક દંપતીને અડફેટે લેતાં તેઓ ફંગોળાઈને રસ્તા પર પટકાયાં હતાં.
દંપતીને ઉલાળનાર કારમાં દારૂની બોટલો મળી
આ અકસ્માતમાં દંપતી ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ અકસ્માતમાં કારચાલક કાર મૂકીને ભાગી જતાં બાદમાં કારની તપાસ કરતા એની અંદરથી એક બેંક પાસબુક મળી આવી હતી. આ ઉપરાંત દારૂની બોટલો પણ મળી આવી હતી. આ પાસબુકને આધારે કારચાલકનું નામ સત્યમ શર્મા જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.