અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા સફાઇ કર્મચારીને તેની જ સોસાયટીમાં કામ કરતો વ્યક્તિ હેરાન પરેશાન કરતો હતો. જેના ત્રાસથી 15 દિવસ પહેલાં જ સફાઇ કર્મચારી ઘર બદલી વટવા રહેવા જતો રહ્યો હતો. આમ છતા આજે વહેલી સવારે સફાઇ કર્મચારી કામ પર પહોંચ્યો ત્યારે યુવકે છરી વડે હુમલો કરી જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી ફરાર થઇ ગયો હતો. આ મામલે રામોલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
રસ્તામાં રોકી હેરાન કરતો તેમજ ઘરનું પાણી બંધ કરી દેતો
શહેરના વટવા વિસ્તારમાં 47 વર્ષિય બંસી કાળીદાસ સોલંકી પરિવાર સાથે રહે છે અને પૂર્વ ઝોન વસ્ત્રાલ વોર્ડમાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવે છે. પહેલાં બંસી વસ્ત્રાલ ગામમાં રહેતો હતો. ત્યાં સોસાયટીની ઓફિસમાં સુનિલ ઉર્ફે જીતેન્દ્રની ઉઠક બેઠક હતી અને સોસાયટીમાં પાણી છોડવાનું કામ પણ તે કરતો હતો. તેથી બંસી સુનિલને ઓળખતો હતો. આખી સોસાયટીમાં વાલ્મિકી સમાજના એક જ વ્યક્તિ (બંસી)નું મકાન હોવાથી સુનિલ અવાર નવાર તેમને રસ્તામાં રોકી હેરાન પરેશાન કરતો હતો. તથા બંસીના ઘરનું પાણી બંધ કરી દેતો હતો. થોડા સમય પહેલાં સુનિલે દારૂ પી બંસી સાથે ઝઘડો કર્યો હતો. આમ સુનિલની હરકતોથી કંટાળી બંસીએ 15 દિવસ પહેલાં જ ઘર ખાલી કરી વટવામાં રહેવા પહોંચી ગયો હતો.
બંસીને લોહી નિકળતા તે નીચે પટકાયો
આજે સવારે બંસી નિત્યક્રમ મુજબ વટવાથી નિકળી વસ્ત્રાલ આરટીઓ ખાતે સફાઇ કરવા કામ પર પહોંચ્યો હતો. તે સાત વાગ્યે પોતાનું કામ કરી રહ્યાં હતો. ત્યારે પાછળથી ડાબા પગ પર કોઇએ કંઇક વસ્તુ માર્યું હતું. જેથી બંસીએ જોયુ ત્યારે સુનિલ છરી લઇને ઉભો હતો. આ સમયે બંસીને લોહી નિકળતા તે નીચે પટકાયો હતો. ત્યારે સુનિલે જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી કે, મારી મેટરમાં ટાંગ અડાવતો નહીં આટલું કહ્યાં બાદ તે પલાયન થઇ ગયો હતો. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં બંસીને એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે રામોલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.
સેટેલાઈટમાં દારૂની પેટીઓ ભરેલો ટેમ્પો ઝડપાયો
છેલ્લા ઘણા લાંબા સમયથી અમદાવાદ શહેર અને શહેરની આજુબાજુના વિસ્તારોમાં દારૂની મોટાભાઈ હેરાફેરી શરૂ થઈ ગઈ છે. ગતરોજ અમદાવાદમાંથી વિજિલન્સ પીસીબી અને ક્રાઈમ બ્રાન્ચે દારૂના મોટા જથ્થા જુદી જુદી ત્રણ જગ્યાએથી ઝડપી લીધા હતા. ત્યારે જ સેટેલાઈટ પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે સેટેલાઈટ નેહરુનગર રોડ પરના જવેલર્સ પાસે એક ટેમ્પાને પંચર પડ્યું. પોલીસ ટેમ્પો પાસે પહોંચે તે પહેલાં ટેમ્પામાંથી કેટલાક લોકો ઉતરીને ભાગી ગયા. પોલીસે તપાસ કરતા ટેમ્પામાંથી 1200 વિલાયતી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસનું સેટેલાઈટથી નેહરુનગર સર્કલ તરફ પેટ્રોલિંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતની તમામ બોર્ડર સીલ કરવામાં આવી હતી જેને કારણે ગુજરાતમાં દારૂ ઘુસાડવો અઘરો થઈ ગયો હતો. ચૂંટણી પૂરી થતાની સાથે જ અમદાવાદમાં દારૂની રેલમછેલ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં જોઈએ તેટલો દારૂની મળતો થઈ ગયો છે. જ્યારે રિંગરોડ અને છેવાડાના વિસ્તારોમાંથી દારૂની ટ્રકો અને ગાડીઓ પણ ફરીથી ફરતી થઈ ગઈ છે. ત્યારે સેટેલાઈટ પોલીસ ઇન્સ્પેક્ટર કેતન વ્યાસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. મોડી રાત્રે તેમની ટીમ સેટેલાઈટથી નેહરુનગર સર્કલ તરફ પેટ્રોલિંગ કરી રહી હતી.
દારૂ ભરેલા ટેમ્પાને પંચર પડ્યું
નેહરુનગર પાસેના જ્વેલર્સ પાસે મોડી રાત્રે એક ટેમ્પો ઉભો રહી ગયો. કેટલાક લોકો ટેમ્પામાંથી ઉતરી પંચર પડ્યું હોવાથી તેની માથામણ કરી રહ્યા હતા. ત્યારે જ પોલીસને આવતી જોઈ તમામ લોકો ભાગી ગયા. સેટેલાઈટ પોલીસે ટેમ્પો ચેક કરતા તેમાંથી વિલાયતી દારૂની 1200 બોટલ મળી આવી હતી. ટેમ્પો અને વિલાયતી દારૂની બોટલ કબજે લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સેટેલાઈટ પોલીસ ઇન્સ્પેક્ટર કેતન વ્યાસના જણાવ્યા મુજબ આરોપીઓને ઝડપી લેવાની કામગીરી ચાલુ છે. સાથે સાથે સમગ્ર સેટેલાઈટ વિસ્તારમાં દારૂનો વેપલો કરતા તત્વો સામે પણ કડક હાથે પગલાં લેવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.